રશિયાના ભીષણ હુમલાની વચ્ચે યુક્રેનના પ્રેસિડન્ટ વોલ્દોમીર ઝેલેન્સ્કીએ શનિવાર (26 ફેબ્રુ)એ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને ભારતની મદદ માગી હતી. ઝેલેન્સ્કીએ શનિવારે એક ટ્વિટ કરીને વડાપ્રધાન મોદી સાથે વાતચીત કરી હોવાની જાણકારી આપી હતી. તેમણે ભારત પાસે યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં મદદ પણ માંગી હતી.
તેમણે ટ્વિટ કરી હતી કે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી છે. રશિયાના આક્રમણ વિશે માહિતી આપી હતી. 1,00,000થી વધુ ઘૂસણખોરો યુક્રેનની ધરતી પર છે. તેઓ કપટપૂર્વક અમારી રહેણાક ઈમારતો પર હુમલા કરી રહ્યા છે. અમે ભારતને યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં અમારું સમર્થન કરવાની અપીલ કરીએ છીએ. સાથે મળીને આ આક્રમણને અટકાવીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે પણ વાતચીત કરી હતી.
ભારતે ચીન અને યુએઈની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં નિંદા દરખાસ્ત દરમિયાન મતદાન કર્યું ન હતું. જ્યારે 11 સભ્યોએ રશિયા વિરુદ્ધ વોટિંગ કર્યું હતું. રશિયાએ સુરક્ષા પરિષદમાં ભારતના વલણની પ્રશંસા કરી હતી.
નોંધનીય છે કે ભારતે યુક્રેન સંકટ પર યુએન સિક્યુરિટી કાઉન્સિલ (UNSC)માં રશિયા વિરુદ્ધના ઠરાવ વખતે વોટિંગ કર્યું ન હતું અને સમાધાનનો કોઈ માર્ગ કાઢવા માટે તથા કૂટનીતિક વાતચીતને પ્રોત્સાહન આપવા માટે તમામ પક્ષોનો સંપર્ક કરવાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે.