યુક્રેન પર રશિયાના આક્રમણના આશરે એક મહિના બાદ ગુરુવાર (24 માર્ચે)એ અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને વિશ્વના નેતાઓ સાથે શ્રેણીબદ્ધ ઇમર્જન્સી બેઠકો યોજી હતી. યુક્રેનને સમર્થન આપવાની ચર્ચાવિચારણા કરવા નાટોની પણ બ્રસેલ્સમાં શિખર બેઠક યોજાઈ હતી. જોકે આ તમામ શ્રેણીબદ્ધ બેઠકો બાદ નાટોએ યુક્રેનને રક્ષણ માટે માત્ર ઇક્વિપમેન્ટ મોકલવાની સંમતી સાધી છે અને જણાવ્યું કે તે રશિયા સાથે યુદ્ધનું જોખમ લેવા માગતું નથી.
નાટોએ જણાવ્યું છે કે તે રશિયા સાથે સંપૂર્ણ સંઘર્ષનું જોખમ લેવા માગતું નથી, પરંતુ આ સરહદ પર તેના સુરક્ષા દળોમાં વધારો કરશે. બીજી તરફ યુક્રેન રશિયા પર પ્રતિબંધો મૂકવાની જગ્યાએ લશ્કરી મદદ માગી રહ્યું છે.
નાટોના મહામંત્રી જેન્સ સ્ટોલ્ટેનબર્ગે જણાવ્યું છે કે યુક્રેનમાં રશિયા રાસાણિક અને અણુ શસ્ત્રોનો ઉપયોગ કરી શકે છે તેવી ચિંતાઓ વધી છે, તેથી નાટો આ વિનાશકારી હથિયારો સામે તેની સુરક્ષામાં વધારો કરી રહ્યું છે. ગુરુવારે યોજાયેલી શિખર બેઠકમાં નાટોના નેતાઓ રાસાણિક શસ્ત્રોના હુમલા સામે યુક્રેનના રક્ષણમાં મદદ કરવા માટે યુક્રેનમાં ઇક્વિપમેન્ટ મોકલવા સંમત થયા છે.
બ્રસેલ્સમાં નાટોની બેઠક બાદ પત્રકારોને તેમણે જણાવ્યું હતું કે આ ઇક્વિપમેન્ટમાં ડિટેક્શન ઇક્વિપમેન્ટ, પ્રોટેક્શન અને મેડિકલ સપોર્ટ તથા ડિકન્ટેમિનિશન અને ક્રાઇસિસ મેનેજમેન્ટ માટે તાલીમનો સમાવેશ થાય છે.
નાટોના નેતાઓ યુક્રેનના પડોશી દેશો સ્લોવાકિયા, હંગેરી, રોમાનિયા અને બલ્ગેરિયામાં ચાર નવી લશ્કરી ટૂકડી મોકલવા સંમત થયા હતા. દરેક ટૂકડીમાં 1,000થી 1,500થી સૈનિકો હશે. નાટોએ અગાઉ બાલ્ટિક દેશો અને પોલેન્ડમાં ચાર લશ્કરી ટુકડીઓ તૈનાત કરી છે.
યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડિમિર ઝેલેન્સ્કીએ બ્રસેલ્સમાં નાટોની શિખર બેઠકમાં વીડિયો લીન્કથી સંબોધન કર્યું હતું અને પોતાના દેશ માટે લશ્કરી સહાયમાં વધારો કરવાનો અનુરોધ કર્યો હતો. યુક્રેનની રાજધાની કીવમાંથી વીડિયો મેસેજ મારફત વિશ્વના દેશોને પોતાના પડખે કરવાના યુક્રેનના નેતાની આ ક્ષમતા યુક્રેનના લડાયક મૂડનું પ્રતિક છે. તે રશિયાની મુશ્કેલીજનક આગેકૂચનો પણ સંકેત આપે છે.