બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન (ડાબી બાજુ), સંગીત સમ્રાટ પંડિત હરિપ્રસાદ ચૌરસિયા (મધ્ય) અને પંડિત શિવકુમાર શર્મા (જમણી બાજુ) (Photo by STRDEL/AFP via Getty Images)

પ્રખ્યાત સંતુરવાદક પંડિત શિવકુમાર શર્માનું 84 વર્ષની જૈફ વયે મુંબઈમાં મંગળવારે અવસાન થયું હતું. તેઓ છેલ્લા 6 મહિનાથી કિડનીની બીમારીથી પીડાઈ રહ્યા હતા તેમજ ડાયાલિસિસ પર હતા. તેમનું અવસાન હાર્ટ એટેકથી થયું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ આપતા ટ્વીટ કર્યું હતું કે તેમની વિદાયથી કળાજગતને ના પૂરી શકાય તેવી ખોટ પડી છે. તેમણે સંતુરને આખી દુનિયામાં પ્રસિદ્ધિ અપાવી હતી. તેમનું સંગીત આવનારી પેઢીઓને પ્રભાવિત કરતું રહેશે.

ભારતીય શાસ્ત્રીય સંગીતને કાશ્મીરના પરંપરાગત વાદ્ય ગણાતા સંતુર પર વગાડનારા તેઓ પહેલા કલાકાર હતા. ભારતીય શાસ્ત્રીય સંગીતની ખ્યાતિ દેશવિદેશમાં ફેલાવવા બદલ તેમનું 2001માં પદ્મવિભૂષણ એવોર્ડથી સમ્માન પણ કરવામાં આવ્યું હતું. 1938માં જમ્મુમાં જન્મેલા શિવકુમાર શર્માના દીકરા રાહુલ શર્મા પણ પિતાની માફક જાણીતા સંતુરવાદક છે. તેમણે બાંસુરીવાદક હરિપ્રસાદ ચૌરસિયા સાથે મળીને કેટલીક હિન્દી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું, તેમની જોડી શિવ-હરિની જોડી તરીકે ઓળખાતી હતી. શિવકુમાર શર્માને શ્રદ્ધાંજલિ આપતા જાણીતા સરોદવાદક ઉસ્તાદ અમજદ અલી ખાને જણાવ્યું હતું કે શિવકુમાર શર્માના દેહાંત સાથે એક યુગનો અંત આવ્યો છે. તેઓ સંતુરના પ્રણેતા હતા અને તેમનું પ્રદાન અદ્વિતિય હતું. તેમનું સંગીત હંમેશા માટે આપણી સાથે રહેશે.

પંડિત શિવકુમાર શર્મા અને અમદાવાદનો નાતો પણ ઘણો પુરાણો હતો. અમદાવાદમાં દર વર્ષે યોજાતા જાણીતા સંગીત સમારોહ સપ્તકની શરુઆત થઈ ત્યારથી પંડિત શિવકુમાર શર્મા તેમાં પર્ફોમ કરવા માટે દર વર્ષે અચૂક સમય ફાળવતા હતા.પંડિત શિવકુમાર શર્માએ દેશવિદેશમાં માત્ર પર્ફોમન્સ આપીને જ નહીં, પરંતુ અનેક લોકોને સંગીતનું જ્ઞાન આપીને તેના ફેલાવા માટેની સાચી સેવા પ્રદાન કરી હતી.