મંકીપોક્સ અત્યાર સુધી 30 દેશોમાં ફેલાઈ ગયો છે અને 550 કરતા પણ વધારે કેસને પુષ્ટી મળી છે. એમ વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું છે. જોકે આ વાઇરસના ફેલાવા અંગે ડબલ્યુએચઓએ યુ ટર્ન લઈને કહ્યું છે કે. હવે એવું કહેવું થોડું મુશ્કેલ હશે કે મંકીપોક્સ વાયરસ પર નિયંત્રણ મેળવી શકાય છે કે નહીં? WHOના અધિકારીઓએ અગાઉ કહ્યું હતું કે મંકીપોક્સ વાયરસ પર નિયંત્રણ મેળવી શકાય છે અને તે ફેલાતો રોકી પણ શકાય છે. WHOના યુરોપ કાર્યાલયના પ્રમુખના જણાવ્યા મુજબ, અમને હજુ સુધી એ વાતની જાણ નથી કે શું મંકીપોક્સ ફેલાતો સંપૂર્ણરીતે અટકાવી શકાય કે નહીં? આરોગ્ય અધિકારીઓએ મંકીપૉક્સના ખતરાને ઓછો કરવા માટે મહત્વપૂર્ણ અને તાત્કાલિક કાર્યવાહી કરવાની જરૂર છે.

તેઓના જણાવ્યા અનુસાર, પશ્ચિમી અને મધ્ય આફ્રિકાથી શરૂ થયેલો મંકીપૉક્સનો ખતરો હવે બહાર સુધી ફેલાઈ ગયો છે. હાલ યુરોપ પણ મંકીપૉક્સના ખતરાનું કેન્દ્ર બન્યું છે. મંકીપોક્સની શું સ્થિતિ છે તેની ઝડપથી તપાસ કરવી જોઈએ અને તેના પર નિયંત્રણ મેળવવા માટે ઝડપી ગતિએ કાર્ય કરવું જોઈએ. અત્યાર સુધીના રિપોર્ટના આધારે એવું કહી શકાય છે કે મંકીપૉક્સનું સંક્રમણ યૌન ગતિવિધિઓના માધ્યમથી ફેલાઈ રહ્યું છે. મંકીપોક્સથી સંક્રમિત થઈ રહેલા મોટાભાગના લોકોમાં પુરુષ સાથે યૌન સંબંધ રાખનાર પુરુષ સામેલ છે. પરંતુ, હજુ સુધી એવું પણ સ્પષ્ટ નથી કે શું મંકીપૉક્સ વાયરસ વીર્ય અથવા યોનિના તરલ પદાર્થના માધ્યમથી એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં પણ ફેલાઈ શકે છે કે નહીં?