ભારતીય મૂળના અમેરિકી ફિલ્મનિર્માતા પાન નલીન (નલીન કુમાર પંડ્યા)ને વર્ષ 2022 માટે પ્રતિષ્ઠિત ઓસ્કાર કમિટીમાં જોડાવા માટે આમંત્રણ મળ્યું છે. (Photo by Andreas Rentz/Getty Images)

ભારતીય મૂળના અમેરિકી ફિલ્મનિર્માતા પાન નલીન (નલીન કુમાર પંડ્યા)ને વર્ષ 2022 માટે પ્રતિષ્ઠિત ઓસ્કાર કમિટીમાં જોડાવા માટે આમંત્રણ મળ્યું છે. એકેડમીમાં સ્થાન મેળવનારા તેઓ પ્રથમ ગુજરાતી છે. પંડ્યાએ ડાયરેક્ટ કરી છે તેવી બે ફિલ્મને આધારે તેમની પસંદગી કરાઈ છે. આ ફિલ્મોમાં ‘સમસારા’ (2001) અને તાજેતરની ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ (ધ લાસ્ટ ફિલ્મ શો) (2021)નો સમાવેશ થાય છે. ઓસ્કારની વેબસાઇટમાં જણાવ્યા અનુસાર આ ફિલ્મો વિશ્વભરમાં સર્જનાત્મક મેજિકલ મોમેન્ટ્સ છે. તેમની ફિલ્મ ‘ધ લાસ્ટ ફિલ્મ શો’ એવી પ્રથમ ભારતીય ફિલ્મ છે કે જેને અમેરિકન સ્ટુડિયો સેમ્યુઅલ ગોલ્ડવિન ફિલ્મ્સે ખરીદી છે.

આ પ્રતિષ્ઠ કમિટીમાં પસંદગી અંગે પંડ્યાએ જણાવ્યું હતું કે મારુ સન્માન અને સશક્તિકરણ થયું છે. ઘણા વર્ષો પહેલા મે મુશ્કેલ માર્ગ પસંદ કર્યો હતો. આજે ભવ્ય દિવસ છે. મારી સિનેમાનું સન્માન કરવા અને મને પ્રોત્સાહન આપવા બદલ એકેડમીનો આભાર. આ નવી શરૂઆત માટે હું ખૂબ જ ઉત્સાહિત છું. આજે નવી સફર ચાલુ થઈ છે.

પાન નલિને જણાવ્યું હતું કે “મારી ફિલ્મો વિશ્વભરમાં જોવાય છે તેની મને અત્યંત ખુશી છે. હું ઘણો જ દુઃખી છું કે ભારતમાં કોઇ મારી ફિલ્મોની દરકાર કરતું નથી. આ ફિલ્મોને રિલીઝ કરવાનું ઘણું જ મુશ્કેલ છે. મારી છેલ્લી મૂવી ‘છેલ્લો શો’ની સૌથી દુઃખદ બાબત એ છે કે અમને હોલિવૂડના સૌથી મોટા ડિસ્ટ્રિબ્યુટર્સ મળ્યા છે…મે 40 કરતાં વધુ દેશોમાં રજૂ કરી શક્યા છે, જેમાં તાઇવાન અને સિંગાપોર જેવી નાના દેશો પણ છે, પરંતુ અને ભારતમાં આ ફિલ્મ માટે કોઇ ડિસ્ટ્રિબ્યુટર્સ મળ્યા નથી.