(istockphoto.com)

કોવિડ-19ના જન્મસ્થાન ચીનને આ વૈશ્વિક મહામારીથી આર્થિક નુકસાન થયું છે. ચીનની સરકારની ‘ઝીરો કોવિડ પોલિસી’ની નીતિને કારણે બીજા ત્રિમાસિક ગાળામાં દેશની જીડીપી ઘટીને માત્ર ૦.૪ ટકા થઈ છે, જે બે વર્ષની સૌથી નીચી સપાટીએ છે. ચીનના મોખરાના શહેરોમાં છેલ્લા કેટલાક મહિનામાં લાંબા લોકડાઉનને કારણે બિઝનેસ અને ઔદ્યોગિક પૂરવઠા વ્યવસ્થાને નુકસાન થયું હતું. જેની સીધી અસર અર્થતંત્ર પર થઈ હતી. નેશનલ બ્યૂરો ઓફ સ્ટેટિસ્ટિક્સ (NBS)ના જણાવ્યા અનુસાર બીજા ત્રિમાસિકગાળામાં ચીનની આર્થિક વૃદ્ધિ અંદાજ કરતાં માત્ર ૦.૪ ટકા ઓછી રહી હતી. ૨૦૨૦ના પ્રથમ ક્વાર્ટરમાં ચીનનો જીડીપી -૬.૮ ટકા નોંધાયો હતો. ત્યાર પછીની આ સૌથી ધીમી વૃદ્ધિ છે. જોકે, ૨૦૨૨ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ચીનનો જીડીપી અગાઉના વર્ષના સમાન ગાળાની તુલનામાં ૨.૫ ટકા વધ્યો છે. ૨૦૨૨માં ચીનનો જીડીપી ગ્રોથ ટાર્ગેટ ૫.૫ ટકાની આસપાસ રહ્યો છે.