Pak rupee
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

નાણા ભીડનો સામનો કરી રહેલા પાકિસ્તાનના રૂપિયા માટે જુલાઈ મહિનો છેલ્લા ૩૩ વર્ષનો સૌથી ખરાબ મહિનો રહ્યો હતો. અમેરિકાના ડોલર સામે પાકિસ્તાનનો રૂપિયો ૧૪ ટકાથી વધુ ઘટી ૨૩૯ની નીચી સપાટીએ પહોંચ્યો હતો. ૧૯૮૯ બાદ માસિક ધોરણે આ સૌથી મોટો ઘટાડો છે. બીજી તરફ જુલાઈ દરમિયાન ભારતના રૂપિયામાં ડોલર સામે 2.06 ટકાનો ઘટાડો થયો હતો. ભારતનો રૂપિયો 21 જુલાઈએ ડોલર સામે 80.06ના ઐતિહાસિક નીચી સપાટીએ સ્પર્શ્યો હતો અને તે પછી તેમાં સ્માર્ટ રિકવરી આવી હતી.

ફાઇનાન્શિયલ માર્કેટના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ડોલરની અછત તથા ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડ (આઈએમએફ) પાસેથી નાણાં મળવામાં ઢીલની ચિંતાને લઈને રૂપિયામાં ભારે ધોવાણ થયું હતું.ડોલરના અભાવે પાકિસ્તાનનું ફોરેકસ રિઝર્વ પણ ઘટીને ૮.૫૭ બિલિયન ડોલર રહ્યું છે. ફોરેકસ રિઝર્વનું સ્તર નહીં વધે તો પાકિસ્તાનની હાલત પણ શ્રીલંકા જેવી થશે તેવી પાકિસ્તાનની સરકારને ચિંતા છે.

ભારતના અન્ય પડોશી દેશ શ્રીલંકામાં ડોલરની અછતને કારણે જુલાઈમાં ફુગાવો વધીને ૬૦.૮૦ ટકા થયો હતો. વર્લ્ડ બેન્ક પાસે પણ હાલમાં શ્રીલંકા માટે કોઈ નાણાંકીય યોજના નહીં હોવાનું એક રિપોર્ટમાં જણાવાયું હતું.