• અમિત રોય દ્વારા

ભારતના વિભાજન અંગે પ્રસ્તુત થયેલી ચેનલ 4ની ડોક્યુમેન્ટરી ‘’ઇન્ડિયા 1947: પાર્ટીશન ઇન કલર’’માં દાવો કરાયો છે કે ભારતની આઝાદી બાદ સત્તાના હસ્તાંતરણ માટે મોકલવામાં આવેલા વાઈસરોય લોર્ડ માઉન્ટબેટન “બાલ્કન યોજના” દ્વારા ભારતીય ઉપખંડને એક ડઝન અથવા વધુ સ્વાયત્ત પ્રાંતોમાં વિભાજીત કરવાની ઇચ્છા ધરાવતા હતા.

માઉન્ટબેટને કોંગ્રેસના જવાહરલાલ નહેરુ કે મુસ્લિમ લીગના મુહમ્મદ અલી ઝીણા કે ગાંધી

Lakshman Menon
Grandson of Mountbatten’s chief aide
Andrew Lownie,
Author, “The Mountbattens”
Shruti Kapila
History Professor, Cambridge University

જેવા કોઈ પણ ભારતીય નેતાઓ સાથે ચર્ચા કર્યા વિના જ લંડન સાથે તેમની યોજના સ્પષ્ટ કરી દીધી હતી.

જો આ યોજના અપનાવાઇ હોત, તો બ્રિટિશ ઈન્ડિયા અને રજવાડાઓ આજે યુરોપના ટચૂકડા દેશો જેવા બની ગયા હોત અને દેશ અસંખ્ય સાર્વભૌમ અને સંભવતઃ એક બીજા સાથે સદાય લડતા રાજ્યોમાં વિભાજિત થઇ ગયો હોત.

જો એ શક્ય બન્યું હોત તો “બાલ્કનાઇઝેશન”ને ભવિષ્યના ઇતિહાસકારો દ્વારા કદાચ બ્રિટિશર્સના ભારતીયો સામેના બદલા તરીકે જોવામાં આવ્યો હોત. કેમ કે વિન્સ્ટન ચર્ચિલ જેવા સામ્રાજ્યવાદીઓએ કાયમ માટે ભારત પર શાસન કરવાનો પોતાનો અધિકાર માન્યો હતો.

બાલ્કનાઇઝેશનનો અર્થ એ છે કે “મોટા પ્રદેશ અથવા રાજ્યના એવા નાના પ્રદેશો કરી દેવા જે હંમેશા એકબીજા સાથે વંશીયતા, સંસ્કૃતિ, ધર્મના તફાવતો અને ભૂતકાળની ફરિયાદોના પરિબળોને કારણે એકબીજા સાથે પ્રતિકૂળ અથવા અસહકારનું વલણ ધરાવે ને લડતા રહે.”

માઉન્ટબેટન દ્વારા જ્યારે નેહરુને આ “પ્લાન બાલ્કન” બતાવવામાં આવ્યો ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયા હતા. પરિણામે, માઉન્ટબેટને તેમના મુખ્ય સલાહકાર અને વરિષ્ઠ ભારતીય સનદી અધિકારી વી પી  મેનનને વૈકલ્પિક યોજના તૈયાર કરવા કહ્યું હતું. આખરે જૂના અખંડ ભારતમાંથી એક માત્ર પાકિસ્તાનને ધર્મના ધોરણે અલગ કરવાની યોજના સ્વીકારવામાં આવી હતી.

માઉન્ટબેટને નવી યોજના માટે શ્રેયનો દાવો કર્યો હતો પરંતુ ડોક્યુમેન્ટરીના પહેલા ભાગ મુજબ, ‘’ઇન્ડિયા 1947: પાર્ટીશન ઇન કલર’’ના ચિત્રને વી પી મેનન દ્વારા દોરવામાં આવ્યું હતું.

તેઓ ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન છેલ્લા ત્રણ વાઇસરોય (લિનલિથગો, વેવેલ અને માઉન્ટબેટન)ના બંધારણીય સલાહકાર અને રાજકીય સુધારા અંગેના કમિશનર હતા.

મેનનના પૌત્ર લક્ષ્મણ મેનને ચેનલ 4ને ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘’મે 1947માં બ્રિટિશ ભારતની સમર કેપિટલ સિમલા (હવે શિમલા) ખાતેના વાઈસરીગલ લોજમાં તેનો ઘટનાક્રમ નક્કી કરાયો હતો. અંગ્રેજો ગયા તે પહેલાં જ ભારતને વિભાજિત કરવા માઉન્ટબેટને બાલ્કન યોજના બનાવી હતી. જેમાં ભારતની સત્તા એક ડઝન, કદાચ 13, પ્રાંતીય સરકારોને આપવાની હતી. મારા દાદા વી.પી. મેનન સંપૂર્ણ રીતે વાકેફ હતા કે બાલ્કન યોજના ભારતનો નાશ કરશે અને તેનાથી વધુ મહત્ત્વની બાબત એ હતી કે કોંગ્રેસ પાર્ટી કે મુસ્લિમ લીગ તેને ક્યારેય નહિં સ્વીકારે. મે 1947માં સિમલામાં બનેલી ઘટનાઓ વિભાજનની વાર્તામાં મહત્વપૂર્ણ મહત્વ ધરાવે છે. તેના પરિણામે વિશ્વનો ભૌગોલિક નકશો બદલાઈ ગયો હતો.’’

લક્ષ્મણે જણાવ્યું હતું કે “માઉન્ટબેટને લખેલા ટોપ સિક્રેટ મેમોમાં તેઓ કહે છે કે, ‘’મારો અંદાજ હતો કે મારે નેહરુ સાથેની મારી નવી મિત્રતાનો લાભ ઉઠાવીને નવા ડ્રાફ્ટ વિશે તેમના અંગત અભિપ્રાય પૂછવા જોઈએ, માઉન્ટબેટને મારા દાદા તથા બીજા વરિષ્ઠ સલાહકારોની સલાહ વિરુદ્ધ જઈને પ્લાન બાલ્કન નહેરુને બતાવવાનું નક્કી કર્યું હતું. પણ મારા દાદાની આગાહી મુજબ, નેહરુએ ગુસ્સામાં એ રાત વિતાવી હતી. મારા દાદાને તાત્કાલિક વાઈસરીગલ લોજમાં બોલાવાયા હતા. જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે તેમણે માઉન્ટબેટન સંપૂર્ણ રીતે વિખેરાઈ ગયેલા દેખાતા હતા. દાદાએ કહ્યું હતું કે, ‘શું તમે ઈચ્છો છો કે હું મારી વૈકલ્પિક યોજના તૈયાર કરું?’ જે માટે માઉન્ટબેટન સંમત થયા હતા.’’

‘’મારા દાદાએ એક યોગ્ય યોજના બનાવી સૌપ્રથમ માઉન્ટબેટનને આપી હતી જે તેમણે નહેરુને વાંચવા માટે આપી હતી. તેમની યોજના મૂળ બાલ્કનથી ધરમૂળથી અલગ હતી જેમાં સત્તા માત્ર બે દેશો – ભારત અને પાકિસ્તાનને આપવાની હતી. નેહરુ મેનનની યોજના માટે સંમત હતા જેથી માઉન્ટબેટન ઉત્સાહિત હતા.’’

લક્ષ્મણે પછી ખુલાસો કર્યો હતો કે “તેઓ માઉન્ટબેટન હોવાના કારણે તેમણે તરત જ તેનો શ્રેય લીધો હતો જે આજે માઉન્ટબેટન પ્લાન તરીકે ઓળખાય છે. ખરેખર તે વીપી મેનનની યોજના હતી. મારા દાદાએ માઉન્ટબેટને છેલ્લા ઓનર્સ લીસ્ટમાં કરેલી નાઈટહુડની ઓફરનો નમ્રતાપૂર્વક ઇનકાર કર્યો હતો. તેમણે પાછળથી મારી માતાને કહ્યું હતું કે ‘મારા દેશના ભાગલાની યોજના ઘડનાર વ્યક્તિ તરીકે હું નાઈટહુડ કેવી રીતે સ્વીકારી શકું?

વિભાજનને કારણે સાંપ્રદાયિક નરસંહાર થયો હતો. અંગ્રેજ વકીલ સર સિરિલ રેડક્લિફ દ્વારા ઉતાવળે દોરાયેલી ખોટી સરહદોના કારણે અંદાજિત એક મિલિયન હિંદુઓ, શીખો અને મુસ્લિમોની કતલ થઈ હતી.

વિભાજન માટે વ્યાપકપણે બે વિરોધાભાસી મંતવ્યો છે. એક મંતવ્ય એ છે કે હિંદુઓ અને મુસ્લિમો એકબીજાને મારવાનું પસંદ કરે છે ત્યારે અંગ્રેજોને શા માટે દોષી ઠેરવવા. બીજુ એ છે કે અંગ્રેજોએ હિંદુ-મુસ્લિમ દુશ્મનાવટ અને તણાવને નીતિની બાબત તરીકે પ્રોત્સાહન આપ્યું હતું.

કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભારતીય ઈતિહાસના પ્રોફેસર શ્રુતિ કપિલે કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, “બ્રિટિશ સામ્રાજ્ય અત્યંત ક્રૂર હતું, તે અતિ હિંસક હતું. તે બ્રિટિશ નીતિનો એક પ્રકારનો આધારસ્તંભ બની જાય છે કે તેઓ એ સુનિશ્ચિત કરવા માંગતા હતા કે હિંદુઓ, મુસ્લિમો અને ભારતના વિવિધ જૂથો બ્રિટિશ શાસન સામે એક ન થાય. તેથી તેઓ આ સમુદાયો વચ્ચેની કોઈપણ ખામીઓને વધુ ઊંડી અને વધુ મતભેદો રાખવા માંગે છે અને જે તફાવતો છે તેને વધુ તીવ્ર બનાવે છે. આમ શાબ્દિક રીતે, તે વખતના ભારતીયો એકબીજાને મારવા માટે મુક્ત થઈ ગયા હતા જેના માટે અંગ્રેજોએ ગૃહયુદ્ધની કોઈ જવાબદારી લીધી ન હતી.”

સામાન્ય રીતે કહેવાય છે કે નેહરુ અને માઉન્ટબેટનની પત્ની એડવિના નજીક આવ્યા હતા. પરંતુ ‘ધ માઉન્ટબેટન્સઃ ધેર લાઈવ્સ એન્ડ લવ્સ’ના લેખક એન્ડ્રુ લોનીએ એક રસપ્રદ નવી થિયરી રજૂ કરી છે. તેમણે લખ્યું છે કે સેક્સ્યુઅલી માઉન્ટબેટન બંને રીતે ઝૂલ્યા હતા. નહેરુએ તેમની પત્ની સાથે જોડાણ કર્યું હતું તે માટે વાઈસરોયને વાંધો ન હતો. તો કેટલાક કહે છે કે તેમણે સંબંધને હકારાત્મક રીતે પ્રોત્સાહિત કર્યા હતા. તે દંપત્તી ખુલ્લા લગ્નનો આનંદ માણતું, પરંતુ માઉન્ટબેટન અને નેહરુને પણ એકબીજા પ્રત્યે લાગણી હતી જે મોટાભાગના ભારતીયો અને પાકિસ્તાનીઓને આશ્ચર્યચકિત કરે છે.

લોનીએ કહ્યું કે “એવી વાર્તાઓ હતી કે માઉન્ટબેટન અને નેહરુ એકદમ રોમેન્ટિક સ્તરે એકબીજા પ્રત્યે આકર્ષાયા હતા જે તેમના ત્રણેયના ચિત્રોમાં નજરે પડે છે.

‘’ઇન્ડિયા 1947: પાર્ટીશન ઇન કલર’’ ભાગ બે – ચેનલ 4 પર તા. 14 ઓગસ્ટના રોજ રાત્રે 9 વાગ્યે રજૂ થશે.