Jagdish Thakor
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર (ફાઇલ ફોટો (ANI Photo)

ગુજરાતમાં ચાલુ વર્ષના અંત ભાગમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસે શુક્રવારે ચૂંટણી વચનો આપતા જાહેરાત કરી હતી કે જો રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોના રૂ.3 લાખ સુધીના દેવું માફ કરાશે તથા ખેડૂતોને દૈનિક 10 કલાક ફ્રી વીજળી આપવામાં આવશે. કોંગ્રેસે બીજી કેટલીક ચૂંટણીલક્ષી જાહેરાતો કરીને મતદારોને રિઝવવાનો પ્રયાસ કર્યો છે.

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને ભરતસિંહ સોલંકીએ પત્રકાર પરિષદ યોજીને ચૂંટણી પહેલાં નવા સંકલ્પ પત્ર (ચૂંટણી ઢંઢેરા)ની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લાં 27 વર્ષથી રાજ્યમાં ભાજપનું શાસન છે. ભાજપે 27 વર્ષના શાસનાં ખેડૂતોના પાક વીમા સહિતના કેટલાંક હક્કો ઝૂંટવ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષે ગુજરાતને ખેતી ક્ષેત્રમાં દેશનું અવ્વલ નંબરનું રાજ્ય બનાવવા માટે ખેડૂતલક્ષી અભિગમ રાખીને તેમના માટેના મુદ્દાઓના કાર્યક્રમની જાહેરાત કરી હતી.

કોંગ્રેસે ચૂંટણી વચનો આપ્યા છે કે જો ગુજરાતમાં સત્તા મળશે તો 10 કલાક માટે ફ્રી વીજળી, લમ્પી સહિતની કુદરતી મહામારી માટે વળતર યોજના, પહેલી કેબિનેટ બેઠકમાં વર્તમાન જમીન માપણી રદ કરવી, તમામ ખેતપેદાશોની ટેકાના ભાવે ખરીદી, દૂધ ઉત્પાદકોને પ્રતિ લીટર 5 રૂપિયા સબસિડી, ખેતીવિષયક વસ્તુઓ પરનો GST રદ કરવા કેન્દ્રને દબાણ કરવા કરવામાં આવશે.

કોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવેલા ખેડૂતો માટેના 11 મુદ્દાઓનો સંકલ્પ પત્ર દેશના પંજાબ, કર્ણાટક, છત્તીસગઢ, રાજસ્થાન જેવા કેટલાંક રાજ્યો અમલ કરી ચૂક્યા છે. આ સંકલ્પ પત્રનો અમલ કરવા માટે કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે. ભાજપનું મિશન ફેલ કરવા માટે ચૂંટણીના ઉમેદવાર વહેલા જાહેર કરવાની રણનીતિ પણ નક્કી કરવામાં આવી છે. આ રણનીતિ મુજબ કોંગ્રેસ આગળ વધી રહી છે અને ઉમેદવારોના નામોની યાદી તૈયાર કરીને મોવડીમંડળને પણ મોકલી દેવામાં આવી છે.

તાજેતરમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પણ જનતાને વચન આપ્યું હતું કે જો તેમની સરકાર આવશે તો ગુજરાતના પોલીસકર્મીઓને દેશમાં અપાતો શ્રેષ્ઠ પગાર આપવામાં આવશે. કેજરીવાલ ગુજરાતમાં અત્યાર સુધી ફ્રી વીજળી, તમામ મહિલાઓને માસિક ભથ્થુ સહિતના પાંચ ચૂંટણી વચનો આપી ચુક્યા છે.