In the grip of Gujarat coldwave, minus 10 degrees in Mount Abu
Mount Abu, Jan 05 (ANI): માઉન્ટ આબુમાં ગુરુવારે -6 ડિગ્રી સેલ્સિયસના રેકોર્ડબ્રેક તાપમાન પછી જમીન પર ઢોળાયેલું પાણી બરફમાં ફેરવાઈ ગયું (ANI Photo)

હિમાલયના બર્ફિલા પવનોને કારણે છેલ્લાં ત્રણ દિવસથી ગુજરાત શીતલહેરની ચપેટમાં છે. એકાએક તાપમાન ઘટી જતાં લોકો દિવસભર ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યા છે. ગુરુવારે હાડ થીજવતી ઠંડી પડતાં જનજીવન પર મોટી અસર થઈ હતી.

ગુજરાતના નલિયામાં 5 જાન્યુઆરીએ રેકોર્ડબ્રેક બે ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પ્રખ્યાત પર્યટન સ્થળ આબુના સર્વોચ્ચ ગુરુશિખર પર માઇનસ ૧૦ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. માઉન્ટ આબુમાં માઇનસ સાત ડિગ્રી તાપમાન નોંધાતાં જનજીવન પર વ્યાપક અસર જોવા મળી હતી. જોકે, મોટી સંખ્યામાં પહોંચેલા પ્રવાસીઓએ આ ઠંડીનો આનંદ માણ્યો હતો.

ઠંડા પવનને પગલે ગુરુવારે પાવાગઢ, જુનાગઢ અને અંબાજીના રોપ-વે બંધ રાખવાની ફરજ પડી હતી. આ ઉપરાંત યાત્રાધામ દ્વારકાથી ઓખા દરિયામાં ચાલતી ફેરી બોટ સર્વિસને સાવચેતીના પગલારૂપે બંધ કરી દેવાઈ હતી. રોપ-વે સંચાલકોએ જણાવ્યા મુજબ પ્રવાસીઓની સુરક્ષા માટે ભારે પવનના કારણે રોપ-વે ચલાવી શકાય નહીં તેથી પ્રવાસીઓની સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પવનની ગતિ ઓછી થવાની સાથે સેવા ફરીથી શરૂ કરવામાં આવશે.

માઉન્ટ આબુમાં ગુરુવાર, 5 જાન્યુઆરીએ ઠંડીનો છેલ્લા ત્રણ દાયકાનો રેકોર્ડ તૂટતા માઇનસ સાત ડિગ્રી નોંધાયું હતું. રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં વર્ષ 1993માં એટલે કે લગભગ 3 દાયકા અગાઉ માઉન્ટ આબુનું તાપમાન માઇનસ 8 ડિગ્રી નોંધાયું હતું. પવનને કારણે નખી તળાવના મોજા દરિયાની જેમ જોવા મળી રહ્યા હતા.
માઉન્ટ આબુના મેદાની વિસ્તારોમાં ઘણી જગ્યાએ બગીચાઓમાં બરફની સફેદ ચાદર છવાઈ ગઈ હતી.સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યાનુસાર આગામી બે દિવસમાં ઠંડી યથાવત રહે તેવી સંભાવના છે.

LEAVE A REPLY

2 + eight =