2022માં હાઇ-સ્પીડ કાર વડે પીછો કરી 21 વર્ષના સાકિબ હુસૈન અને મોહમ્મદ હાશિમ ઇજાઝુદ્દીનની બેવડી હત્યાના ગુનામાં જેલમાં બંધ કરાયેલી 25 વર્ષીય ટીકટોક ઇન્ફ્લુએન્ઝર મહેક બુખારીની અપીલ બાદ તેની 31 વર્ષ અને આઠ મહિનાની આજીવન કેદમાં ઘટાડો કરીને હવે 26 વર્ષ અને 285 દિવસની સજા કરવામાં આવી છે. વરિષ્ઠ જજોએ તેની પહેલાની સજા “સ્પષ્ટપણે વધુ પડતી” હોવાનું ચુકાદો આપ્યો હતો.
લોર્ડ જસ્ટિસ વોર્બીએ જણાવ્યું હતું કે સજા સંભળાવનારા જજીસે મહેક બુખારીની ઉંમર અને અપરિપક્વતાનો “પૂરતો ખ્યાલ રાખ્યો ન હતો.” તે ગુના સમયે 22 વર્ષની હતી. તેની માતા, અંસરીન બુખારીને હત્યામાં ભૂમિકા બદલ ઓછામાં ઓછા 26 વર્ષ અને નવ મહિનાની જેલ સજા કરવામાં આવી છે.
લેસ્ટરમાં આવેલા ટેસ્કોના કાર પાર્કમાં લાલચ આપીને બન્ને જણાને બોલાવાયા હતા. તે પછી તેઓ A46 પર 100 માઇલ પ્રતિ કલાકની ઝડપે કાર લઇને ભાગ્યા હતા જેમનો પીછો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેમની કાર રસ્તા પરથી ઉતરીને ઝાડ સાથે અથડાઈ ગઈ હતી અને આગમાં સપડાઇ ગઇ હતી.
સાકિબ હુસૈને મહેકની માતા અંસરીન સાથેના અફેરનો ખુલાસો કરવાની ધમકીઓ આપી હતી અને ચૂપ રહેવાના બદલામાં £3,000 ચૂકવવા માગણી કરી હતી. કાયમ માટે આ બ્લેકમેઇલીંગનો અંત લાવવા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. અકસ્માત પહેલા 999 પર એક ભયાવહ કોલ દરમિયાન, હુસૈને પોલીસને કહ્યું હતું કે “હું તમને વિનંતી કરું છું, હું મરી જઈશ.”
અપીલ કોર્ટે નતાશા અખ્તર, અમીર જમાલ અને સનાફ ગુલામુસ્તફાની સજા પણ ઘટાડી હતી, જેમને માનવવધના ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. જજીસે કહ્યું કે તેમની “નાની ભૂમિકાઓ”માં વધુ રાહત હોવી જોઈએ, દરેક સજામાં બે વર્ષનો ઘટાડો કરવો જોઈએ.
આ ચુકાદો ગુનાઓની ગંભીરતાને ફરીથી પુષ્ટિ આપે છે પરંતુ સ્વીકારે છે કે યુવાની અને અપરિપક્વતાના કારણે ઓછી સજા કરવી જોઈએ.
ફરિયાદીઓએ દલીલ કરી હતી કે સજા “કઠિન” હોવા છતાં, તે ઇરાદાપૂર્વક કરવામાં આવેલા પીછામાં “મૃત્યુ અથવા ગંભીર નુકસાનનું ઉચ્ચ જોખમ” દર્શાવે છે જેના કારણે બે યુવાનો મૃત્યુ પામ્યા હતા.












