Film Review: Zwieto comedian Kapil Sharma's serious film
ફિલ્મ 'ઝ્વીગાટો'ના ટ્રેલર લૉન્ચ દરમિયામ મુંબઈમાં બોલિવૂડ એક્ટર-કોમેડિયન કપિલ શર્મા નિર્દેશક નંદિતા દાસ અને સમીર નાયર (ANI Photo)

લોકડાઉન અને કોરાના મહામારીના કારણે અનેક લોકોની જીવન ધરમૂળથી બદલાઈ ગયું છે. આવા સેંકડો લોકોમાંથી કારખાનાની નોકરી ગુમાવી ચૂકેલા અને હવે ફૂડ એપ પર ડિલિવરી બોય તરીકે કામ કરતાં એક યુવકની રસપ્રદ ફિલ્મ છે-ઝ્વિગેટો. આ ફિલ્મનાં દિગ્દર્શક છે નંદિતા દાસ. ખાસ વાત એ છે કે, ફિલ્મના ગંભીર હીરો માટે તેમણે કોમેડી કિંગ કપિલ શર્માને પસંદ કર્યો છે. નંદિતા દાસે પ્રાસંગિક વિષય પર બનેલી ફિલ્મને સંવેદનશીલ રીતે ન્યાય આપ્યો છે પરંતુ વાર્તાની ધીમી ગતિ અને નબળા સ્ક્રીનપ્લેના કારણે તે ઉત્તમ ફિલ્મ બનતા બનતા રહી ગઈ છે તેવું ફિલ્મ સમીક્ષકો માની રહ્યા છે.

ફિલ્મમાં કહાનીની શરૂઆત માનસ મહતોના સપનાથી થાય છે, જ્યાં તે એક સુંદર યુવતી સાથે નોકરીના ફોર્મને લઈને ચર્ચા કરતો જોવા મળે છે. ત્યારે જ તેની આંખ ખુલી જાય છે. કોરોના મહામારીના કારણે માનસ પોતાની નોકરી ગુમાવી ચૂક્યો છે. જેમ-તેમ કરીને તે આઠ મહિના સુધી પોતાનું ગુજરાન ચલાવવા માટે એક ફૂડ ડિલિવરી એપમાં ડિલિવરી બોયનું કામ કરે છે. માનસ અને તેનો પરિવાર ઝારખંડથી ઓડિશા ફક્ત સારી નોકરી અને જિંદગીની શોધમાં આવ્યા હતા. પરંતુ જિંદગીના પડકારોનો અંત નથી. તેના ઘરમાં પત્ની પ્રતિમા (શહાના ગોસ્વામી), એક વૃદ્ધ અને બીમાર મા અને સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો છે.

ડિલિવરી બોયનું કામ કરતાં કરતાં તેને અહેસાસ થાય છે કે, તેની જિંદગી ડિલિવરી, રેટિંગ્સ અને ભાગદોડના કારણે મશીન બની ગઈ છે. તેની પત્ની પ્રતિમા ઘર અને પતિને આર્થિક સહયોગ આપવા માટે માલિશનું કામ કરવા જાય છે. પરંતુ તેને યોગ્ય સફળતા મળતી નથી. ત્યારે તે એક મોલમાં સફાઈ કર્મચારી તરીકે નાઈટ ડ્યૂટીમાં કામ શરૂ કરે છે. જોકે, માનસ તેના આ નિર્ણયથી ખુશ નથી. દારુ અને સિગરેટથી દૂર રહેતા માનસ પર જ્યારે તેનો એક ગ્રાહક દારુ પીને તેના પર ખોટો આક્ષેપ કરે છે ત્યારે તેનું આઈડી બ્લોક થઈ જાય છે. તેનો પક્ષ સાંભળ્યા વગર જ તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે. હવે માનસ પોતાનું ઘર ચલાવવા શું કરશે? શું તેની પત્ની પ્રતિમા મોલના વોશરૂમ સાફ કરવાનું કામ કરશે? શું આ પરિવાર જીવી શકશે? આ બધા જ પ્રશ્નોના ઉત્તર ફિલ્મમાં જોવા મળશે.

‘ફિરાક’ અને ‘મંટો’ પછી ફિલ્મકાર નંદિતા દાસની આ ત્રીજી ફિલ્મ ભારતના અર્થતંત્ર પર કટાક્ષ કરે છે. એક ફૂડ ડિલિવરી બોયના રેટિંગ, ઈન્ટેસિવ્ઝ અને પર્ફોર્મન્સની અસમંજસ આ ફિલ્મમાં દર્શાવાઈ છે. પરિવારના આંતરિક ભેદભાવને પણ તેમાં દર્શાવવામાં આવ્યો છે. નંદિતા દાસે વર્ગ અને જ્ઞાતિના વિભાજનને પણ દર્શાવ્યું છે. પ્રતિમા જ્યારે અમીરોના બિલ્ડિંગમાં માલિશ માટે જાય છે ત્યારે તેને સર્વિસ લિફ્ટથી જવાનું કહેવામાં આવે છે, જે આ વિભાજન દર્શાવે છે.

ફિલ્મમાં શ્રમિકો અને બેરોજગારીના મુદ્દાને પણ દર્શાવવામાં આવ્યો છે. ફિલ્મમાં મજૂર છે એટલે મજબૂર છે અથવા તો એમ કહો કે, મજબૂર છે એટલે જ મજૂર છીએ, જેવા અર્થસભર સંવાદ પણ છે. અમીર અને ગરીબ વચ્ચેના ભેદભાવને પણ સારી રીતે દર્શાવાયો છે. અમીર લોકો એક આવોકાડો પણ સરળતાથી લઈ શકે જ્યારે તેના જેટલા રૂપિયા કમાવવા માટે એક સામાન્ય માણસને અઠવાડિયા સુધી રજળવું પડે છે.

‘ઝ્વિગાટો’માં અનેક સામાજિક અને આર્થિક પ્રસંગોને વણી લેવામાં આવ્યા છે, પરંતુ ફિલ્મની સૌથી મોટી સમસ્યા એ છે કે તે અત્યંત ધીમી છે. ફિલ્મનો પહેલો ભાગ ખૂબ ધીમી ગતિથી આગળ વધે છે અને એકાએક ઈન્ટરવલ આવી જાય છે. તમને આશા જાગે છે કે, ફિલ્મના બીજા ભાગમાં કોઈ ટ્વિસ્ટ આવશે પરંતુ તેમાં પણ એ ગતિ આવતી નથી.

કપિલ શર્માને પોતાની કોમેડિયન તરીકેની છાપથી અલગ કંઈક કરવાની તક મળી ત્યારે તેમાં તે ગંભીર નથી. કપિલ શર્મા માનસના રોલમાં જામે છે. ફિલ્મમાં તે હતાશ, નિરાશ અને નાખુશ જોવા મળે છે પરંતુ આ જ તેના પાત્રની લાક્ષણિકતા છે. પ્રતિમાના રૂપે શહાના ગોસ્વામીની એક્ટિંગ દમદાર છે. ઝારખંડના લઢણ સાથે તેણે પત્નીના રૂપમાં પારિવારિક અને સામાજિક વિષમતાને સુંદર રીતે રજૂ કરી છે. સ્વાનંદ કિરકિરે, ગુલ પનાગ અને સયાની ગુપ્તા નાની ભૂમિકામાં જોવા મળ્યા છે. અર્થપૂર્ણ અને ગંભીર ફિલ્મોના શોખીન લોકોને આ ફિલ્મ પસંદ આવી શકે છે.

LEAVE A REPLY

nine + eighteen =