REUTERS/Tingshu Wang

ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગે શનિવારે હાંગઝોઉમાં એક રંગારંગ સમારોહમાં 19માં એશિયન ગેમ્સને ખુલ્લો મૂક્યો હતો. એશિયન ગેમ્સમાં 45 દેશો અને પ્રદેશોના 12,000થી વધુ સ્પર્ધકો 40 સ્પોર્ટ્સમાં એકબીજાની સ્પર્ધા કરશે. સીરિયાના પ્રમુખ બશર અલ-અસદ અને અન્ય મુલાકાતી નેતાઓની હાજરીમાં જિનપિંગે 80,000-ક્ષમતા ધરાવતા હાંગઝોઉ ઓલિમ્પિક સ્ટેડિયમ (ધ બીગ લોટસ)માં આ રમતોત્સવ ખુલ્લો મૂક્યો હતો.

ચીને વિશ્વને તેની સંસ્કૃતિની સાથે સાથે ટેક્નોલોજીકલ કુશળતાની ઝલક ઉદ્ઘાટન સમારંભમાં રજુ કરી હતી. ભારતીય હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંઘ અને વર્લ્ડ ચેમ્પિયન બોક્સર લવલીના બોર્ગોહેને એશિયન ગેમ્સની માર્ચપાસ્ટમાં તિરંગા સાથે ભારતીય ખેલાડીઓની આગેવાની લીધી હતી. ભારત આ વખતે એશિયન ગેમ્સના ઈતિહાસમાં પહેલીવાર ૧૦૦થી વધુ ચંદ્રકો જીતવાના મિશન સાથે સ્પર્ધામાં ઉતરશે. ઉદ્ઘાટન સમારંભમાં ગીત-સંગીત અને રંગોના અદભૂત મિશ્રણથી સાથે હજ્જારો કલાકારોએ નયનરમ્ય નજારો રજુ કર્યો હતો.

બે કલાકના ઉદ્ઘાટન સમારંભને સ્ટેડિયમમાં ઉપસ્થિત ૮૦ હજાર પ્રેક્ષકોએ માણ્યો હતો. ભારતીય ટીમમાં સામેલ અરૂણાચલ પ્રદેશના ત્રણ વુશુ ખેલાડીઓ સાથે ભેદભાવ કરતાં ચીને તેમને સ્ટેપલ વિઝા આપતાં વિવાદ સર્જાયો હતો. જેના પરિણામે ખેલ પ્રધાન અનુરાગ ઠાકુરે એશિયન ગેમ્સના ઉદ્ઘાટનનો બહિષ્કાર કર્યો હતો.

LEAVE A REPLY

3 + 8 =