લંડન, માન્ચેસ્ટર, સ્કોટલેન્ડના એડિનબરા અને ગ્લાસગોમાં શનિવાર તા. 14ના રોજ હજારો લોકોએ પેલેસ્ટાઈન તરફી પ્રદર્શનમાં રેલી કાઢી હતી. આ રેલીમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 1,000થી વધુ પોલીસ અધિકારીઓનો ભારે બંદોબસ્ત ગોઠવાયો હતો. બીજી તરફ પોલીસે ચેતવણી આપી હતી કે આતંકવાદી જૂથ હમાસનું સમર્થન કરનાર કોઈપણની ધરપકડ કરાશે.
વિરોધીઓએ લંડનમાં વડા પ્રધાન ઋષિ સુનકના ડાઉનિંગ સ્ટ્રીટ ઑફિસ અને નિવાસસ્થાન તથા બીબીસી ન્યૂઝના મુખ્યાલય પાસે ભેગા થઇ સુત્રોચ્ચારો કર્યા હતા..
સેન્ટ્રલ લંડનના પોર્ટલેન્ડ પ્લેસમાં બિલ્ડિંગથી રેલી શરૂ થઈ હતી અને પેલેસ્ટાઈન એક્શન જૂથના લોકોએ લાલ રંગ છાંટ્યો હતો. રેલીમાં સામેલ કેટલાક લોકો પાસે પેલેસ્ટિનિયન ધ્વજ અને પ્લેકાર્ડ હતા. જેમાં ફ્રીડમ ફોર પેલેસ્ટાઇન, નરસંહાર સમાપ્ત કરો, ઇઝરાયેલ પર પ્રતિબંધો મૂકો તથા શેમ ઓન યુ – ઋષિ સુનક” જેવા સુત્રો લખાયા હતા.
ફ્રેન્ડ્સ ઓફ અલ-અક્સા અભિયાનના અધ્યક્ષ ઈસ્માઈલ પટેલે પ્રદર્શનમાં જણાવ્યું હતું કે “બ્રિટનમાં જ નહીં, વિશ્વભરના તમામ ન્યાયી લોકોએ ઉભા થવું જોઈએ અને આ ગાંડપણના અંત માટે હાકલ કરવી જોઈએ. અન્યથા, આગામી થોડા દિવસોમાં, આપત્તિ પ્રગટ થતી જોઈ શકીએ છીએ.”
મુખ્ય વિપક્ષ લેબર પાર્ટી પર ચાર વર્ષના શાસન કાર્યકાળ દરમિયાન પાર્ટીમાં એન્ટી સેમેટીઝમને ખીલવા દેવાનો આરોપ ધરાવતા ભૂતપૂર્વ લેબર નેતા જેરેમી કોર્બીને લંડનમાં યોજાયેલી રેલીને સંબોધિત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે “જો તમે આંતરરાષ્ટ્રીય કાયદામાં કે માનવ અધિકારોમાં વિશ્વાસ કરતા હો તો તમારે ગાઝામાં ઇઝરાયેલી સૈન્ય દ્વારા હાલમાં જે થઈ રહ્યું છે તેની નિંદા કરવી જોઈએ.”