(Photo by JOHANNES EISELE/AFP via Getty Images)

અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાનો પ્રયાસ કરતાં ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023 વચ્ચે રેકોર્ડ 96,917 ભારતીયોની ધરપકડ કરવામાં આવી હતી, એમ યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (UCBP)ના ડેટામાં જણાવાયું હતું. છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમેરિકામાં ધૂસણખોરી કરતી વખતે ઝડપાયેલા ભારતીયોની સંખ્યામાં અનેક ગણો વધારો થયો છે.

આ ડેટા મુજબ 2019-20માં 19,883 ભારતીયોની ધરપકડ કરવામાં આવી હતી. 2020-21માં 30,662 ભારતીયોની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે 2021-22માં આ સંખ્યા 63,927 હતી. ઑક્ટોબર 2022થી આ વર્ષે સપ્ટેમ્બર વચ્ચે ધરપકડ કરાયેલા 96,917 ભારતીયોમાંથી 30,010 કેનેડાની સરહદ પર અને 41,770 મેક્સિકોની સરહદે પકડાયા હતા. બાકીના લોકોની અમેરિકાના અલગ-અલગ ભાગોમાંથી અટકાયત કરાઈ હતી.

અત્યાર સુધી એવું મનાતું હતું કે મોટાભાગના ભારતીયો મેક્સિકો બોર્ડર પરથી અમેરિકામાં દાખલ થાય છે, પરંતુ આ ડેટા અલગ ચિત્ર રજૂ કરે છે. અમેરિકન લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીના જણાવ્યા અનુસાર આ આંકડા માત્ર બોર્ડર ક્રોસ કરતા પકડાયા હોય તેવા લોકોના જ છે, પરંતુ જે લોકો પોલીસના હાથમાં આવ્યા વિના જ અમેરિકામાં ઘૂસવામાં સફળ રહ્યા છે તેમને પણ જો ઉમેરવામાં આવે તો કુલ આંકડો હજુય વધી શકે છે.

છેલ્લા બે વર્ષમાં અમેરિકામાં ગેરકાયદે રીતે ઘૂસવાના પ્રયાસમાં કુલ નવ ગુજરાતીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. જોકે, મે ૨૦૨૩માં ટાઈટલ ૪૨ એક્સપાયર થયા બાદ ઘૂસણખોરીમાં ઉછાળો આવ્યો છે, ટાઈટલ-૪૨ હેઠળ અમેરિકામાં ગેરકાયદે રીતે ઘૂસતા લોકોને અસાયલમની સુનાવણી વિના જ ડિપોર્ટ કરી શકાતા હતા.

LEAVE A REPLY

2 + 7 =