(ANI Photo)

પૈસા લઇને સંસદમાં સવાલ પૂછવાના મામલે પૂછપરછ માટે સંસદની આચારસંહિતા સમિતિ સમક્ષ ગુરુવારે હાજર થયેલા ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ મોટો બખેડો ઊભો કર્યો હતો. સમિતિની ચાલુ બેઠક દરમિયાન જ મોઇત્રા અને સમિતિના વિપક્ષી સભ્યો ગુસ્સે થઈને બહાર નીકળી ગયાં હતાં અને સમિતિના અધ્યક્ષ સામે આક્ષેપો કર્યા હતાં.

મોઇત્રા અને વિપક્ષી સભ્યોએ સમિતિના અધ્યક્ષ વિનોદ કુમાર સોનકર પર “અભદ્ર અંગત” પ્રશ્નો પૂછવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. જોકે સોનકરે જણાવ્યું હતું કે મોઇત્રાને આકરા પ્રશ્નોથી બચાવવા માટે આવા આક્ષેપ કરવામાં આવ્યો છે. વિપક્ષી સભ્યોએ વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આચારસંહિતા સમિતિની બેઠકમાં મોઇત્રાએ લાંચના આરોપમાં પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું હતું.

સોનકરે જણાવ્યું હતું કે તેમણે ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાનીના એફિડેવિટ સાથે સંબંધિત સવાલો પૂછ્યાં હતા. અગાઉ સંસદીય સમિતિને આપેલી એફિડેટિવમાં દર્શન હિરાનંદાનીએ મોઇત્રાને લાંચ આપી હોવાનું અને મોઇત્રાના સંસદીય લોગ-ઇન આઇડીનો ઉપયોગ કર્યો હોવાનું સ્વીકાર્યું હતું.

સમિતિની ચાર કલાકથી વધુ લાંબી મીટિંગમાં વાકયુદ્ધ અને આક્ષેપો-પ્રતિઆક્ષેપો થયા હતા. સમિતિ હવે તેની ભલામણનો રીપોર્ટ તૈયાર કરશે અને કદાચ મોઇત્રા સામે પગલાં લેવાની ભલામણ કરશે.

15 સભ્યોની સમિતિમાં ભાજપની બહુમતી છે અને સમિતિએ પાંચ વિપક્ષી સભ્યોના વોકઆઉટ પછી પણ બેઠક ચાલુ રાખી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે સૂત્રોએ જણાવ્યું હતું કે મોઇત્રાના ગુસ્સા અને અસહકારભર્યા વલણની સમિતિએ ગંભીર નોંધ લીધી હતી.

બીજેપી સાંસદ અને સમિતિના સભ્ય અપરાજિતા સારંગીએ જણાવ્યું હતું કે મોઇત્રાને હિરાનંદાનીની એફિડેવિટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે ગુસ્સે થઈ ગયા હતા અને ઉદ્ધત વર્તન કર્યું હતું.

કોંગ્રેસના એન ઉત્તમ કુમાર રેડ્ડી, બીએસપીના દાનિશ અલી અને જેડી(યુ)ના ગિરધારી યાદવ સહિત વિપક્ષી સભ્યોએ સોનકર પર પ્રહાર કર્યા હતા. યાદવે પત્રકારોને જણાવ્યું હતું કે એક મહિલાને અંગત પ્રશ્નો પૂછવામાં આવ્યાં હતા. મહુઆ મોઇત્રાએ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને આક્ષેપ કર્યો હતો કે એથિક્સ કમિટીના અધ્યક્ષે સમિતિના સભ્યોની હાજરીમાં મારુ “વસ્ત્રાહરણ” કર્યું હતું.

 

LEAVE A REPLY

sixteen + 9 =