આમ આદમી પાર્ટી (AAP)એ હવે ગુજરાતમાં આવતા વર્ષે યોજાનારા ચાર મ્યુનિસિપલ કોર્પોરેશન તથા જિલ્લા પંચાયતો, નગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજ્યમાં નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરી છે. આજે અમદાવાદમાં નવી નિમણૂકની જાહેરાતમાં આ પદ માટે ભૂતકાળમાં વિવાદમાં રહેલા ભૂતપૂર્વ યુવા સરકારી કર્મચારી ગોપાલ ઇટાલિયાની નિમણૂક કરવામાં આવી છે. ઇટાલિયા ધંધૂકામાં ડેપ્યુટી કલેક્ટર ઓફિસમાં ક્લાર્ક તરીકે નોકરીએ હતા તે દરમિયાન વિધાનસભા સંકુલમાં ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા પર ચપ્પલ ફેંક્યું હતું. એ પહેલાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને ફોન કરીને તેમની સાથેની વાતનો ઓડિયો વાઈરલ થતાં પણ ઈટાલિયાએ યુવાનોમાં ચર્ચા જગાવી હતી. ગોપાલ ઈટાલિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે.
જ્યારે પ્રદેશની અન્ય નિમણૂકમાં મીડિયાની જવાબદારી પત્રકાર રહી ચૂકેલા તુલી બેનર્જીને અને પ્રદેશ પ્રવક્તાનું પદ ભૂતપૂર્વ અભિનેત્રી નિકિતા રાવલને સોંપવામાં આવ્યું છે.
પોતાની નિમણૂક અંગે ગોપાલ ઈટાલિયાએ સમાચાર સૂત્રોને જણાવ્યું હતું કે, અનેક પક્ષો યુવા નેતૃત્વની વાતો કરે છે, પરંતુ મારી આજે અધ્યક્ષ તરીકે નિમણૂક કર્યા બાદ એવું દેખાય છે કે પક્ષને યુવા નેતૃત્વ પર વિશ્વાસ છે. કોઈને આટલી નાની યુવા વયે કામ અને ભણતરના આધારે પક્ષમાં આટલું મોટું પદ સોંપે એ મારા મતે ગુજરાતની પ્રથમ ઘટના હશે. આ સાથે પક્ષ દ્વારા બે મહત્ત્વના નિર્ણય લેવાયા છે, જેમાં બે મહિલાઓને જવાબદારી સોંપવામાં આવી છે, તે દર્શાવે છે કે પક્ષ માત્ર મહિલા સશક્તીકરણ કે મહિલા નેતૃત્વની વાતો નથી કરતો, પણ તેનો અમલ પણ કરે છે.
નવા પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ આવનારી સ્થાનિક ચૂંટણીઓ અંગે જણાવ્યું હતું કે, અમે ચૂંટણીઓમાં દિલ્હી મોડેલના આધારે લોકોને જાગૃત કરીશું. લોકોને દિલ્હીમાં થયેલાં કામો બતાવી આવાં કામ ગુજરાતમાં પણ થઈ શકે છે એવી ખાતરી આપીશું. રાજકીય પક્ષ શું કામગીરી કરી શકે છે એ વિશે લોકોને માહિતગાર કરીશું. આમ આદમી પાર્ટીના નેતૃત્વ હેઠળ એક પ્રામાણિક, યુવા નેતૃત્વ, ભ્રષ્ટાચારમુક્ત, મહિલા સશક્તીકરણ સહિતના વિચારો સાથે સ્થાનિક કક્ષાએ કેવું કામ થઈ શકે એની લોકોને ખાતરી આપીશું.