અવકાશમાં વર્ષ ૨૦૨૦ ની અંતિમ મિથુન ઉલ્કા વર્ષાની સુંદર આતશબાજી 13 અને 14ની મધરાત્રે જોવા માટે ખગોળ શોખીનો આતુર બન્યા છે.
દર વર્ષની જેમ આ વખતે પણ મિથુન રાશીની ઉલ્કા વર્ષા નો સુંદર નજારો જોવા મળશે. આ બાબતે સ્ટારગેજીન્ગ ઈન્ડિયાના નરેન્દ્ર ગોર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ વર્ષે કેટલાક કુદરતી અનુકૂળ સંજોગોને કારણે ઉલ્કા વર્ષા વિશિષ્ટ બની રહેશે. ઉલ્કા વર્ષા વખતે ચન્દ્રની હાજરી ન હોવાથી અંધારી રાત્રે વધુ ઉલ્કાઓ જોવા મળશે. આમ તો આ ઉલ્કા વર્ષાની શરૂઆત 7મી ડિસેમ્બરથી થઈ ચુકી છે અને છૂટી છવાઈ ઉલ્કાઓ જોવા પણ મળી રહી છે પરંતુ સૌથી વધુ ઉલ્કાઓ 13મી ની રાત્રે એટલે કે રાત્રીના 12 વાગ્યા પછી થી શરૂ થતી 14 તારીખના ખરવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ઈન્ટરનેશનલ મેટિયોર ઓર્ગનાઈઝેશન (આઈએમઓ) ના જણાવ્યા મુજબ ઉલ્કા વર્ષાની પરાકાષ્ટા 13 મી ની મધ્ય રાત્રીના સમયે જોવા મળશે જે ભારતીય ખગોળ શોખીનો માટે આનંદના સમાચાર છે, કારણ કે ત્યારે મિથુન રાશી આકાશમાં ઉંચે આવી ગઈ હશે તથા 14 મી તારીખે અમાસ હોવાથી ચન્દ્રની હાજરી પણ નહી હોવાથી આકાશ દર્શનના રસીયાઓએ ઉલ્કા નિરિક્ષણની તૈયારીઓ આરંભી દીધી છે.
આ બાબતે વધુ માહિતિ આપતાં નરેન્દ્ર ગોર જણાવે છે કે ઉલ્કા દર્શન માટે ટેલિસ્કોપ કે દુરબિન જેવા ઉપકરણોની આવશ્યકતા નથી. આ ઘટના નરી આંખે નિરખવાની હોઈ શહેરી પ્રકાશથી દૂર જ્યાં વધુ અંધારૂં હોય તેવું સ્થળ પસંદ કરવું જોઈએ. અલબત ઠંડીની શરૂઆત થઈ ગઇ હોવાથી જરૂરીયાત મુજબ ગરમ વસ્ત્રો વિ. ની કાળજી લેવી જોઈએ.
મિથુન રાશીના બે તારા પુરૂષ અને પ્રકૃતિ મૃગ મંડળથી ઉત્તર પૂર્વ તરફ ઉગેલા હોવાથી તેને સહેલાઈથી ઓળખી શકાશે. આ ઉલ્કા વર્ષા આકાશના કોઈ ચોક્કસ ભાગમાં નહીં પણ ચારે તરફ જોવા મળશે આથી તમારા નિરિક્ષણ સ્થળથી જે દિશામાં વધુ અંધારૂં હોય તે દિશા તરફ ધ્યાન કેન્દ્રીત કરવાથી વધુ ઉલ્કાઓ જોઈ શકાશે. આ વરસે કલાકની 150 ઉલ્કાઓ ખરવાની સંભાવના છે. મિથુન ઉલ્કા વર્ષાનું સ્રોત 3200 ફાયથન નામનો લઘુ ગ્રહ છે. તે 524 દિવસમાં સૂર્યની પરિક્રમા પુરી કરતો હોવાથી દર વર્ષે તે પૃથ્વીવાસીઓને ભરોસાપાત્ર રંગીન, પ્રકાશિત, લાંબી ઉલ્કાઓની ભેટ ધરતો રહે છે.