ઘણા વર્ષો પહેલા કાંટા લગા… ગીતના કારણે જાણીતી બનેલી અભિનેત્રી અને મોડેલ શેફાલી જરીવાલાનું મોડી રાત્રેકાર્ડિયાક અરેસ્ટને કારણે મુંબઇમાં નિધન થયું છે. આ સમાચાર મળતાં બોલીવૂડમાં શૉક વ્યાપ્યો છે. શેફાલીના પતિ પરાગ ત્યાગીએ તેને છાતીમાં દુઃખાવાની ફરિયાદને પગલે નજીકની હોસ્પિટલ લઇ ગયા હતા પરંતુ ત્યાં ડોક્ટરોએ સારવાર દરમિયાન તેને મૃત જાહેર કરી હતી. 42 વર્ષીય શેફાલીને શુક્રવારે મોડી રાત્રે 12:30 વાગ્યા અરસામાં અંધેરીમાં કપૂર હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી પરંતુ તેનું મૃત્યુ રસ્તામાં જ થઇ ગયું હતું. ત્યારબાદ તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના આસિસ્ટન્ટ મેડિકલ ઓફિસરે આ અંગે જણાવ્યું હતું કે, અહીં તેમનો મૃતદેહ લાવતા પહેલા તેને કોઈ અન્ય હોસ્પિટલમાં ગયા હતા. એટલા માટે મૃત્યુનું કારણ પોસ્ટમોર્ટમનો રીપોર્ટ આવ્યા પછી જ જાણી શકાશે. આ દરમિયાન સ્થાનિક પોલીસ મોડી રાત્રે શેફાલીના અંધેરીસ્થિત નિવાસસ્થાને તપાસ માટે પહોંચી હતી. ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે હાજર હતી અને ઘરની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. જોકે, શેફાલીના મૃત્યુ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેર નિવેદન આપવામાં આવ્યું નથી, પરંતુ પોલીસ અને ફોરેન્સિક ટીમ જે રીતે તપાસ કરી રહી છે તે જોતાં આ કેસને શંકાસ્પદ માનવામાં આવે છે. શેફાલી જરીવાલાએ 2002માં રિલીઝ થયેલા તેના જાણીતા મ્યુઝિક વિડીયો ‘કાંટા લગા’માં તેના ડાન્સને કારણે રાતોરાત સ્ટાર બની ગઇ હતી. આ મ્યુઝિક વિડીયો લોકપ્રિય થયા પછી દેશમાં રીમિક્સ સંગીતનો એક નવો યુગ શરૂ થયો હતો તેવું કહેવાય છે.
