(Photo by Leon Bennett/Getty Images)
બોલીવૂડમાં મહિલા સશક્તિકરણ વધી રહ્યું હોય તેવું જણાય છે. સોશિયલ મીડિયામાં અભિનેત્રીઓએ પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું છે. ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા ટોપ-10 બોલીવૂડ સ્ટાર્સની યાદીમાં આઠ મહિલાઓ છે અને તેમાં માત્ર બે અભિનેતાઓને સ્થાન મળ્યું છે. સોશિયલ મીડિયામાં 10 પ્રભાવશાળી ફિલ્મકારોની યાદીમાં પ્રિયંકા ચોપરા પ્રથમ સ્થાને છે, અને પાંચમા ક્રમ સુધી માત્ર અભિનેત્રીઓ જ છે.
અભિનેત્રીઓની એક ફરિયાદ એવી પણ છે કે, બોલીવૂડમાં હંમેશા મુખ્ય અભિનેત્રીને ઘણી ઓછી ફી મળે છે. આ માટે એવી દલીલ કરવામાં આવે છે કે, ફિલ્મો માત્ર અભિનેતાઓના નામે ચાલે છે અને જેના નામ પર ફિલ્મ ચાલતી હોય તેમને વધારે ફી મળે. પરંતુ સોશિયલ મીડિયા પર ફોલોઅર્સના આંકડા કંઇક અલગ જ ચિત્ર રજૂ કરે છે. બોક્સઓફિસ પર ફિલ્મોના પ્રદર્શનની અસર કલાકારોના મહેનતાણા પર પડતી હોય છે. એવી જ રીતે અંગત જીવન અને ફિલ્મી કારકિર્દીની સીધી અસર સોશિયલ મીડિયા ફોલોઅર્સ પર પણ થાય છે.
પ્રિયંકા ચોપરા-90.7 મિલિયન
ભારતીય અભિનેત્રીઓમાં સૌથી વધુ 90.7 મિલિયન ફોલોઅર્સ પ્રિયંકા ચોપરા પાસે છે. ઈન્સ્ટાગ્રામ પર પ્રિયંકાને સૌથી વધુ ફોલો કરવામાં આવે છે. આ ઉપરાંત પ્રિયંકાએ ગ્લોબલ આઈકોન તરીકે પણ નામના મેળવી છે અને તેની સીધી અસર ફોલોઅર્સની સંખ્યામાં જોવા મળે છે. ઈન્સ્ટાગ્રામ પર પ્રિયંકા પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ અંગે વાત કરે છે. નવા પ્રોજેક્ટ્સ, સામાજિક પ્રવૃત્તિઓ અને ફેશન સેન્સ અંગે પ્રિયંકા પોસ્ટ મુકે છે.
શ્રદ્ધા કપૂર-87.9 મિલિયન
શ્રદ્ધા કપૂરને નવી પેઢીની ગ્લેમરસ અભિનેત્રી માનવામાં આવે છે. કેટરિના, પ્રિયંકા કે દીપિકા જેવું સ્થાન શ્રદ્ધાને હજુ મળ્યું નથી, પરંતુ બોલીવૂડમાં સૌથી વધુ લોકપ્રિયતા ધરાવતા કલાકારોમાં શ્રદ્ધા અગ્રેસર છે. શ્રદ્ધા કપૂરની પોસ્ટમાં મૂવી પ્રમોશનની સાથે બિહાઈન્ડ ધ સીન્સની ઝલક પણ હોય છે. તે પોતાના પરિવાર અને પાલતુ શ્વાન સાથેની અપડેટ પણ આપતી રહે છે. યંગ ઓડિયન્સને શ્રદ્ધાની પોસ્ટ વધારે ગમતી હોય છે અને તેની સીધી અસર શ્રદ્ધાના ફોલોઅર્સની સંખ્યામાં દેખાય છે.
આલિયા ભટ્ટ-83.3 મિલિયન
ગ્લેમરસ આલિયા ભટ્ટે અનેક ફિલ્મોમાં દમદાર અભિનય આપ્યો છે. આલિયા ભટ્ટને અગાઉ સામાન્ય જ્ઞાન માટે ટ્રોલ કરવામાં આવતી હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આલિયાની દરેક પોસ્ટને લાખો લાઈક્સ મળે છે. આલિયા ભટ્ટ અવાર-નવાર ફિલ્મ શીડ્યુલ, ફિટનેસ ટિપ્સ અને નજીકના લોકો સાથેની હળવાશની પળો પોસ્ટ કરતી રહે છે. સોશિયલ મીડિયામાં તેનો અનોખો ચાહક વર્ગ છે.
કેટરિના કૈફ-79.7 મિલિયન
કેટરિના કૈફને બોલીવૂડની સૌથી વધુ સુંદર અભિનેત્રી માનવામાં આવે છે. કેટરિનાએ રોમેન્ટિક ગીતોની જેમ એક્શન દૃશ્યોમાં પણ પોતાનું કૌશલ્ય બતાવ્યું છે. કેટરિના સોશિયલ મીડિયા પર વધારે સક્રીય રહેતી નથી, પરંતુ તેની દરેક પોસ્ટની આતુરતાથી રાહ જોવાતી હોય છે. કેટરિનાએ પોસ્ટ કરેલા સિમ્પલ ફોટોગ્રાફ્સને પણ મોટી સંખ્યામાં લાઈક્સ મળે છે.
દીપિકા પાદુકોણ-78.8 મિલિયન
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દીપિકા પદુકોણના 78.8 મિલિયન ફોલોઅર્સ છે. ફિલ્મોમાં દરેક પ્રકારની ભૂમિકા ભજવી શકતી દીપિકાની ફેશન સેન્સના ચાહકો મોટી સંખ્યામાં છે. દીપિકાએ ગ્લેમરસ ફોટોગ્રાફ્સ પોસ્ટ કરવાની સાથે મેન્ટલ હેલ્થ અવેરનેસ માટે પણ પ્રયાસ કર્યા છે. દીપિકાના ચાહકો વિશ્વભરમાં છે અને તેને ગ્લોબલ આઈકોન માનવામાં આવે છે. રણવીર સિંહ સાથે દીપિકાના ફોટોગ્રાફ્સમાં તેઓ આદર્શ દંપત્તી હોવાનું જણાય છે અને તેના કારણે દીપિકાની લોકપ્રિયતામાં વધારો થાય છે.
ઉર્વશી રાઉતેલા-70.3 મિલિયન
ઉર્વશી રાઉતેલાને ફિલ્મો કરતાં મોડેલિંગમાં વધારે સફળતા મળી છે. કરોડો રૂપિયાના મોડેલિંગ એસાઈનમેન્ટ લેનારી ઉર્વશીના 70.3 મિલિયન ફોલોઅર્સ છે. ઉર્વશીના ગ્લેમરસ ફોટોશૂટની આતુરતાથી રાહ જોવાતી હોય છે. ઉર્વશી મ્યૂઝિક વીડિયો અને વેકેશન મૂડને શેર કરતી હોય છે. ઓછી ફિલ્મો હોવા છતાં બોલીવૂડમાં સૌથી વધુ ચર્ચાતી સ્ટાર તરીકે ઉર્વશીનો દબદબો છે અને તેના કારણે જ ઈન્સ્ટાગ્રામ પર તેના લાખો ફોલોઅર્સ છે.
જેકલીન ફર્નાન્ડિઝ-69 મિલિયન
મની લોન્ડરિંગ કેસમાં કૌભાંડી સુકેશ સાથે જેકલીનનું નામ પણ બહાર આવ્યું હતું. જેકલીનને વિવાદોની વચ્ચે પણ નવી ફિલ્મો મળતી રહે છે અને તેની લોકપ્રિયતા પણ યથાવત છે. પોતાના નિર્દોષ ચહેરાનો લાભ જેકલીનને મળી રહ્યો છે અને તેના કારણે 69 મિલિયન ફોલોઅર્સ છે.
સલમાન ખાન-69.3 મિલિયન
સૌથી વધુ ફોલોઅર્સ ધરાવનારા બોલીવૂડ અભિનેતાઓમાં સલમાન ખાન પ્રથમ સ્થાને છે. એકંદરે આ યાદીમાં પાંચ ગ્લેમરસ અભિનેત્રી પછી સલમાનનું સ્થાન સાતમુ છે. સલમાન ખાનને ત્રણેય પેઢીના સોશિયલ મીડિયા યુઝર્સ પસંદ કરે છે. તેના દરેક વીડિયો અને પોસ્ટને ભરપૂર લાઈક્સ-કોમેન્ટ્સ મળે છે. સલમાનની તાજેતરની ફિલ્મ ટાઈગર 3 હિટ રહી હતી અને હવે તેના નવા પ્રોજેક્ટની રાહ જોવાય છે.
અક્ષયકુમાર-68 મિલિયન
સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા બાબતે સલમાન પછી બીજો નંબર અક્ષયકુમારનો આવે છે. શાહરૂખ, આમિર, રણવીર કે રણબીર આ યાદીમાં ક્યાંય નથી. અક્ષય કુમાર 68 મિલિયન ફોલોઅર્સ સાથે 9મા નંબરે છે. એક્શન, કોમેડી, રોમાન્સ સહિત દરેક પ્રકારની ફિલ્મોને સફળ બનાવનારા અક્ષયકુમારની ફિલ્મો છેલ્લા કેટલાક સમયથી ફ્લોપ જઈ રહી છે. જોકે, તેની અસર ફોલોઅર્સને થઈ નથી. અક્ષયની નવી ફિલ્મ બડે મિયાં છોટે મિયાંને આવકારવા માટે તેમના ફોલોઅર્સ આતુર છે.

LEAVE A REPLY

two × one =