REUTERS/Adnan Abidi

પ્રવાસી ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની સીરીઝની પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચમાં ભારતે હરીફ ટીમને એક ઈનિંગ અને 64 રનથી હરાવી અંતિમ ટેસ્ટ મેચ તેમજ સીરીઝમાં પણ જ્વલંત, ઐતિહાસિક વિજય હાંસલ કર્યો હતો. અગાઉની ચાર ટેસ્ટ મેચ ચોથા દિવસ સુધી તો પહોંચી હતી, જ્યારે હિમાચલ પ્રદેશના ધરમશાલામાં રમાયેલી અંતિમ ટેસ્ટ મેચ તો ત્રીજા દિવસે જ પતી ગઈ હતી.

હૈદરાબાદમાં રમાયેલી સીરીઝની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતનો રસાકસીભર્યા જંગમાં 28 રને પરાજય થયો હતો. પણ એ પછીની ચાર ટેસ્ટ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને સતત હરાવ્યું હતું અને તેમાં પણ છેલ્લી ટેસ્ટ મેચમાં તો એક ઈનિંગથી વધુના તફાવતે વિજય હાંસલ કર્યો હતો. આ રીતે ભારતે 4-1થી સીરીઝમાં વિજય સાથે 100 વર્ષથી વધુની ઐતિહાસિક સફળતા પ્રાપ્ત કરી હતી. આ અગાઉ ઈંગ્લેન્ડને છેલ્લે 1912માં પ્રથમ ટેસ્ટ મેચ હાર્યા પછી બાકીની ચાર ટેસ્ટમાં વિજય સાથે 4-1થી સીરીઝમાં વિજયની સફળતા મળી હતી. તે સિવાય, ઓસ્ટ્રેલિયાએ ૧૮૯૭-૧૮૯૮ અને તે પછી ૧૯૦૧-૧૯૦૨માં આ રીતે પાંચ ટેસ્ટની શ્રેણીમાં 4-1થી વિજય મેળવ્યો હતો.

પાંચમી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડના સુકાની બેન સ્ટોક્સે ટોસ જીતી પહેલા બેટિંગ લેવાનો નિર્ણય લીધો હતો અને સારી શરૂઆતના પગલે તેનો એ નિર્ણય લંચ બ્રેક સુધી અને તે પછીના એક કલાક સુધી તો સાર્થક રહ્યો હતો, એ તબક્કે ઈંગ્લેન્ડે ત્રણ વિકેટે 152 રન કર્યા હતા. પણ એ પછી કુલદીપ યાદવે જોની બેરસ્ટો અને રવિન્દ્ર જાડેજાએ જો રૂટની વિકેટ ઉપરાઉપરી ઝડપી લેતાં 175માં ઈંગ્લેન્ડે પાંચમી વિકેટ ગુમાવી હતી. કુલદીપે એ જ સ્કોરે સુકાની બેન સ્ટોક્સને ઝીરોમાં વિદાય કરતાં 175ના જ સ્કોરે ઈંગ્લેન્ડે છ વિકેટ ગુમાવી હતી. આમ કુલદીપ યાદવના તરખાટના પગલે ઈંગ્લેન્ડ પહેલી ઈનિંગમાં ફક્ત 57.4 ઓવરમાં 218 રનમાં ઓલઆઉટ થયું હતું. ઓપનર ઝેક ક્રોલીએ સૌથી વધુ 79 કર્યા હતા, તે સિવાય કોઈ બેટ્સમેન 30 સુધી પહોંચી શક્યો નહોતો.

એ પછી, સુકાની રોહિત શર્મા અને શુભમન ગિલની સદી તેમજ યશસ્વી જયસ્વાલ, સરફરાઝ તથા પ્રથમ ટેસ્ટ રમી રહેલા દેવદત્ત પડિક્કલની અડધી સદીઓ સાથે ભારતે 124.1 ઓવરમાં 477 રનનો જંગી સ્કોર ખડકી દીધો હતો અને 259 રનની સરસાઈ મેળવી હતી. ઈંગ્લેન્ડ તરફથી સ્પિનર શોએબ બશિરે પાંચ, એન્ડરસન અને ટોમ હાર્ટલીએ 2-2 તથા બેન સ્ટોક્સે એક વિકેટ લીધી હતી.

બીજી ઈનિંગમાં તો ઈંગ્લેન્ડની બેટિંગ પહેલી કરતાં પણ વધુ કંગાળ રહી હતી. 48.1 ઓવરમાં ફક્ત 195 રન કરી ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. જો રૂટે સૌથી વધુ ટક્કર લઈ 128 બોલમાં 84 રન કર્યા હતા અને 21 રને બીજી વિકેટ પડતાં બેટિંગ કરવા આવેલો રૂટ છેક છેલ્લી વિકેટરૂપે આઉટ થયો હતો. તેના સિવાય બેરસ્ટોએ 39 કર્યા હતા. ભારત તરફથી રવિચન્દ્રન અશ્વિને પાંચ, જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવે 2-2 તથા જાડેજાએ એક વિકેટ લીધી હતી.

યશસ્વી જયસ્વાલને પ્લેયર ઓફ ધી સીરીઝ તથા કુલદીપ યાદવને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયા હતા.

LEAVE A REPLY

14 − 1 =