REUTERS/Amit Dave/File Photo

ગૌતમ અદાણીના વડપણ હેઠળના અદાણી ગ્રુપે એરપોર્ટ બિઝનેસમાં આગામી દસ વર્ષમાં રૂ.60,000 કરોડના રોકાણની યોજના બનાવી છે. હાલમાં અદાણી ગ્રૂપ મુંબઈ, અમદાવાદ, લખનૌ, મેંગલુરુ, જયપુર, ગુવાહાટી અને થિરુવનંતપુરમ એરપોર્ટનું સંચાલન કરે છે અને ભારતનું અગ્રણી એરપોર્ટ ઓપરેટર છે.

અદાણી પોર્ટ્સના એમડી કરણ અદાણીએ જણાવ્યું કે આગામી પાંચ વર્ષ દરમિયાન હાલના એરપોર્ટ પોર્ટફોલિયોમાં રૂ.30,000 કરોડનું રોકાણ કરાશે. આ ઉપરાંત એરપોર્ટ પર સિટી સાઈડ ડેવલપમેન્ટમાં 10 વર્ષમાં વધુ રૂ.30,000 કરોડનું રોકાણ થશે.અદાણી ગ્રૂપ નવી મુંબઈમાં રૂ.18,000 કરોડના રોકાણ સાથે ગ્રીનફિલ્ડ એરપોર્ટ ડેવલપ કરશે.

તેમણે જણાવ્યું હતું કે હાલમાં અમારા એરપોર્ટની કેપેસિટી વાર્ષિક 10થી 11 કરોડ પેસેન્જરને હેન્ડલ કરવાની છે. આ કેપેસિટીમાં ત્રણ ગણો વધારો કરવામાં આવશે. લખનૌ એરપોર્ટ ખાતે નવું ટર્મિનલ વિકસાવવામાં આવ્યું છે. નવી મુંબઈમાં આગામી માર્ચ સુધીમાં નવું ટર્મિનલ ઓપન થઈ જશે. ત્યાર પછી ગુવાહાટી એરપોર્ટ ખાતે નવું ટર્મિનલ તૈયાર થશે. અમે અમદાવાદ અને જયપુર માટે પણ નવા ટર્મિનલ વિકસાવવાનું આયોજન કરીએ છીએ.

કુલ મળીને 2040 સુધીમાં 25થી 30 કરોડ પેસેન્જરની કેપેસિટી તૈયાર કરવાના પ્રયાસ ચાલે છે. એરપોર્ટની પેસેન્જર હેન્ડલ કરવાની ક્ષમતા તબક્કાવાર રીતે વધારવામાં આવશે. ઉદાહરણ તરીકે લખનૌ એરપોર્ટના નવા ટર્મિનલની કેપેસિટી 80 લાખ પેસેન્જરની છે જેને આગામી તબક્કામાં વધારીને 1.30 કરોડ પેસેન્જર સુધી લઈ જવામાં આવશે. ત્યાર બાદ 2035 સુધીમાં તેની ક્ષમતા વધીને 3.80 કરોડ પેસેન્જર કરવામાં આવશે.

 

LEAVE A REPLY

12 − five =