અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ (ફાઇલ ફોટો (Photo by SAM PANTHAKY/AFP via Getty Images)

કોરોનાના કેસમાં થઇ રહેલા ઘટાડાને લીધે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ ખાતે હવે એર ટ્રાફિક રાબેતા મુજબ થઇ રહ્યો છે. અમદાવાદ ખાતેથી વધુ પાંચ નવી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં અમદાવાદને સાંકળતી ફ્લાઇટની સંખ્યા ૧૨૦ને પાર થાય તેની પૂરી સંભાવના છે, એમ એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું હતું.

છેલ્લા ૧૫ દિવસ દરમિયાન અમદાવાદને સાંકળતી મુંબઇ, ચેન્નાઇ, દિલ્હી, ઇન્દોર, કોલ્હાપુરની નવી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત ઓગસ્ટના પ્રારંભે ગોવા માટેની વધુ એક ફ્લાઇટ પણ શરૂ કરવામાં આવી હતી. અમદાવાદ એરપોર્ટ ખાતેથી હાલમાં દરરોજની સરેરાશ ૧૧૦થી વધુ ફ્લાઇટની અવર-જવર નોંધાય છે. ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં અમદાવાદને સાંકળતી ફ્લાઇટની સંખ્યા ૧૨૦ને પાર થાય તેની પૂરી સંભાવના છે.

હવે આગામી ટૂંક સમયમાં અમદાવાદથી પૂણેની નવી ફ્લાઇટનો પણ પ્રારંભ થવાની તૈયારી છે. એરપોર્ટના સૂત્રોના જણાવ્યા પ્રમાણે જુલાઇ મહિનાથી અમદાવાદ એરપોર્ટના એરટ્રાફિકમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા એક મહિનામાં જ મુસાફરોની અવર-જવરમાં ૫૦%નો વધારો નોંધાયો છે. જુલાઇમાં દરરોજ સરેરાશ ૧૦ હજાર મુસાફરોની અવર-જવર હતી. પરંતુ ઓગસ્ટમાં અનેક રજાઓ આવતી હોવાથી મુસાફરોની અવર-જવર ૧૫ હજારને પાર થઇ શકે છે.