ગુજરાતમાં કોરોના વાઇરસના કેસ નિયંત્રણમાં આવતા અને રસીનો વ્યાપ વધતા હવે જનજીવન સામાન્ય બની રહ્યું છે. કોરોનાની વર્તમાન સ્થિતિની અસર અમદાવાદ એરપોર્ટ જોવા મળી છે. અમદાવાદ એરપોર્ટમાં ઓક્ટોબરમાં 65,722 વિદેશી મુસાફરોની અવર-જવર નોંધાઇ હતી. જે માર્ચ 2020 એટલે કે ગુજરાતમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો ત્યારબાદ એરપોર્ટમાં નોંધાયેલી આ વિદેશી પ્રવાસીઓની સૌથી વધુ અવર-જવર છે.
અમદાવાદ એરપોર્ટ પર ઓક્ટોબરમાં વિદેશની કુલ 522 ફ્લાઇટનું આવાગમન થયું હતું. અહીં માર્ચ 2020માં વિદેશ પ્રવાસ માટે 91 હજારથી વધુ પ્રવાસીઓ નોંધાયા હતા. જે અત્યારે 50 હજાર કરતા વધુ નોંધાયા છે. સપ્ટેમ્બરમાં વિદેશ માટેના 46,728 પ્રવાસીઓ નોંધાયા હતા. આમ, એક જ મહિનામાં વિદેશ માટેના પ્રવાસીઓના પ્રમાણમાં 35 ટકાનો વધારો નોંધાયો છે. નવેમ્બરમાં 80 હજારથી પણ વધે તેવી શક્યતા છે.
જ્યારે અમદાવાદ એરપોર્ટ પરથી ડોમેસ્ટિક પ્રવાસમાં સપ્ટેમ્બર કરતાં ઓક્ટોબરમાં પ્રવાસીઓમાં 18 ટકા જેટલો વધારો નોંધાયો છે. સપ્ટેમ્બરમાં 4.16 લાખ પ્રવાસીઓ હતા જ્યારે ઓક્ટોબરમાં 4.93 લાખ મુસાફરો આવ્યા હતા. આ સ્થિતિએ ઓક્ટોબરમાં એરપોર્ટ ખાતે દરરોજ સરેરાશ 16 હજાર જેટલા પ્રવાસીઓ નોંધાયા હતા. અમદાવાદમાં 4773 ડોમેસ્ટિક ફ્લાઇટનું આવાગમન નોંધાયું હતું.