યુરોપિયન યુનિયન (EU)માં 5થી 11 વર્ષના બાળકો માટે ફાઇઝરની રસીને મંજૂરી મળી છે. યુરોપમાં કોવિડની નવી લહેર છે ત્યારે લાખોની સંખ્યામાં નાના બાળકોને રસી આપવાનો માર્ગ ખુલ્યો છે. ઉલ્લેખનીય છે કે યુરોપિયન મેડિસિન એજન્સીએ બાળકોને કોવિડ-19 રસી આપવા બાબતે પ્રથમવાર મંજૂરી આપી છે. કોવિડના કેસમાં નોંધપાત્ર વધારાનો સામનો કરી રહેલા ઓસ્ટ્રિયાએ તો યુરોપિયન મેડિસિન એજન્સી (EMA)ની રાહ જોયા વગર જ આ ઉંમરના બાળકોને વેક્સિન આપવાનું શરૂ કર્યું છે.
યુરોપ અત્યારે કોરોના મહામારીનું કેન્દ્ર બિંદુ છે અને WHOએ ચેતવણી આપી છે કે, તાકીદના પગલાં નહીં લેવાય તો 20 લાખ લોકોના મૃત્યુની શક્યતા છે. ફાઇઝર અને જર્મન કંપની બાયોએનટેક દ્વારા વિકસાવાયેલી વેક્સિનને EMAની મંજૂરી પછી યુનિયનની એક્ઝિક્યુટિવ બ્રાન્ચ અને યુરોપિયન કમિશને વેક્સિનને મંજૂરી આપવાની રહેશે. ત્યાર પછી જ યુરોપિયન યુનિયનના સભ્ય દેશો બાળકોને વેક્સિન આપવાનું શરૂ કરી શકશે.
જર્મનીના આરોગ્ય આરોગ્ય પ્રધાન જેન્સ સ્પેહ્ને જણાવ્યું હતું કે, યુરોપિયન યુનિયનના નાના બાળકો માટે વેક્સિન મોકલવાનું કામ 20 ડિસેમ્બરથી શરૂ થશે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ ચાલુ મહિને જ બાળકોને ફાઇઝરની વેક્સિન આપવાનું શરૂ કર્યું હતું. ત્યાર પછી કેનેડા સહિતના દેશોએ શરૂ કર્યું હતું. બાળકોને અપાતો વેક્સિન ડોઝ પુખ્ય વયના વ્યક્તિની તુલનામાં ત્રીજા ભાગનો છે. ફાઇઝરના વાઇસ પ્રેસિડેન્ટ ડો. બિલ ગ્રુબરે સપ્ટેમ્બરમાં જણાવ્યું હતું કે, ઓછા ડોઝ છતાં ૫-૧૧ વર્ષના બાળકોમાં ટીનએજર્સ અને પુખ્ય વયના યુવાઓ જેટલી જ કોરોના સામેની એન્ટિબોડી બની હતી. જોકે, બાળકોમાં ફાઇઝરની વેક્સિનનો અભ્યાસ એટલો મોટો નથી જે બીજા ડોઝની ક્યારેક જોવા મળતી આડઅસરની ચકાસણી કરી શકે.