પહેલી જૂન સુધીમાં ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસો વધીને 15000થી વધી જવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. અમદાવાદનો ડબલિંગ રેટ 14 દિવસનો ગણવામાં આવી રહ્યો છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાતના આરોગ્ય વિભાગની કચેરીએ હોસ્પિટલ, બેડ અને વેન્ટીલેટરની તૈયારી પણ કરી લીધી હોવાનું હેલ્થ કમિશનર જયપ્રકાશ શિવહરેનું કહેવું છે. અમદાવાદમાં સરકારી ને ખાનગી મળીને 12500 બેડની વ્યવસ્થા કરી લેવામાં આવી છે.

એસવીપી અને સિવિલ હોસ્પિટલમાં જગ્યા ખૂટવા માંડી તેથી સિવિલના કમ્પાઉન્ડમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં 262 બેડની નવી વ્યવસ્થા કરવામાં આવી છે. સિવિલના જ કમ્પાઉન્ડમાં આવેલી કીડીની હોસ્પિટલમાં બીજા 202 બેડની તથા યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલમાં વધારાના બેડની સુવિધા ઊભી કરવામાં આવી રહી છે.

તદુપરાંત અમદાવાદની 24 જેટલી ખાનગી હોસ્પિટલને પણ ડેઝિગ્નેટ કરી રાખવામાં આવી છે. એકલા અમદાવાદમાં 4990 બેડની સુવિધા ઊભી કરી લેવામાં આવી છે. હોસ્પિટલમાં ઓક્સિજન અને વેન્ટીલેટરની પણ સુવિધા ઊભી કરી દેવામાં આવી છે. હોસ્પિટલ ખૂટી પડે તે પછી જ અન્ય વિકલ્પનો વિચાર કરી શકાય છે.

આરોગ્ય કમિશરનું કહેવું છે કે સમગ્ર ગુજરાતમાં 42000 બેડથી વધુની વ્યવસ્થા આજની તારીખે કરી લેવામાં આવી છે. સરકારી તંત્રમાં 4990 બેડ ઉપરાંત ખાનગી હોસ્પિટલ્સના મળીને 7500 દર્દીઓને સાચવી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરી લીધી છે.

આરોગ્ય મંત્રી નીતિન પટેલનું કહેવું છે કે અમે રોજ રોજ પરિસ્થિતિની સમીક્ષા કરીને સારવાર માટે કેટલા બેડની જગ્યા વધારવી તે અંગેનો નિર્ણય લઈએ છે. કોરોના સંક્રમણના દર્દીઓને સાચવવાની તકલીફ ન પડે તે પ્રમાણે નિર્ણય લઈએ છીએ. બીજી તરફ કોરોના સંક્રમણના દર્દીઓ સાજા થવાના કેસો પણ વધી રહ્યા છે. તેથી આ વ્યવસ્થા ઓછી ન પડે તેવી પણ આશા રાખવામાં આવી રહી છે.

અમદાવાદની સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને રાખવા માટેની જગ્યા ખૂટી રહી છે ત્યારે સરકારે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ મોટેરા તથા અમદાવાદના સરદાર પટેલસ્ટેડિયમ જેવી ગુજરાતની દરેક મોટી જગ્યાને કોરોના કેર સેન્ટરમાં રૂપાંતરિત કરવાનું આયોજન કરી શકે છે. તેમજ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટને પણ ડેઝિગ્નેટ કરી શકે છે.

તેમાંય ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં આ આયોજનને અમલમાં મૂકી શકે છે. ગુજરાતમાં કોરોના સંક્રમણના કુલ 9592 કેસમાંથી એકલા અમદાવાદમાં 6910 કેસ છે તે જોતાં અને જૂન જુલાઈમાં કોરોના સંક્રમણ તેની પરાકાષ્ટાએ પહોંચશે તેવી એઈમ્સના રણજિત ગુલેરિયાની ચેતવણી વચ્ચે આ આયોજન અમલમાં મૂકવાની દિશામાં સરકારે તાકીદે વિચાર કરીને નિર્ણય લેવો જરૂરી છે.

ગુરૂવારે પણ અમદાવાદમાં રાજ્યમાં કોરોના સંક્રમણના સૌથી વધુ 265 કેસ નોંધાયા છે. આગામી દિવસોમાં આ સંખ્યા વધતા પરિસ્થિતિ કાબૂ બહાર જાય તે પૂર્વે સરકારે આ આયોજનને અમલમાં મૂકવું જરૂરી છે. ગુજરાતમાં આજ સુધીમાં 586 લોકોએ જાન ગુમાવ્યા છે. જોકે કોરોના સંક્રમણના કેસની બાબતમાં તામિલનાડુના કેસ વધીને 9674 થઈ જતાં ગુજરાત દેશમાં હવે બીજા નંબર પરથી ખસી ત્રીજા નંબરે આવ્યું છે.

મહારાષ્ટ્રમાં 27524 વ્યક્તિ કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. ભારતમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર અને મુંબઈમાં છે. અમદાવાદમાં નોંધાયેલા કેસમાંથી 465 વ્યક્તિઓએ જાન ગુમાવ્યા છે. અમદાવાદ પછી સુરતમાં 983 કેસ નોંધાયા છે અને 44 વ્યક્તિઓએ જાન ગુમાવ્યા છે. તેમ જ વડોદરામાં 605 કેસ નોંધાયા છે અને 32 વ્યક્તિઓએ જાન ગુમાવ્યા છે.

રાજકોટમાં 66 કેસ નોંધાયા છે અને બે જણાએ જાન ગુમાવ્યા છે. અમદાવાદ અને સુરત પછી ખરાબ સ્થિતિ હોય તેવા વિસ્તારમાં ભાવનગર આવે છે તેમાં 103 સંક્રમણ થયા છે અને 7 જણાએ જાન ગુમાવ્યા છે. ગાંધીનગરમાં સંક્રમણના 146 કેસ છે અને પાંચ જણા મૃત્યુ પામ્યા છે.

આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે અમે રોજ રોજની સ્થિતિની સમીક્ષા કરીને આયોજન કરતાં જઈએ છીએ. કોરોના કેર સેન્ટર બનાવવા માટે તમામ તબીબી સુવિધા પણ સ્ટેડિયમમાં ઊભી કરવી પડતી હોય છે. આ સંજોગોમાં અત્યારેને તબક્કે આ અંગે સક્રિય વિચારણા થઈ નથી.