File Getty Images)

હાલમાં કોરોના વાઈરસના રોગચાળાએ વિશ્વમાં એરલાઈન્સ, હોટલ્સ અને પ્રવાસનના ધંધાની હાલત તો એટલી ખરાબ કરી છે કે જેની કોઈ કલ્પના કરવી મુશ્કેલ છે. મોટાભાગની એરલાઈન્સના સંખ્યાબંધ વિમાનો ખાસ્સા સમયથી ઉડ્યા વિના ક્યાંક પડી રહ્યા છે, તો સાઉથ કોરીઆની એશિયાના એરલાઈન્સે નિયમાનુસાર પાઈલટ્સના લાયસન્સની વેલિડિટી જાળવી રાખવા વિશ્વના સૌથી મોટું વિમાન, એરબસ એ380 20થી વધુ વખત સાવ ખાલી – કોઈ પેસેન્જર વિના અને કોઈ મંઝિલ વિના ખાલી ખાલી હવામાં ઉડાડવું પડ્યું હતું.

તેનો ધ્યેય ફક્ત એટલો હતો કે, ટ્રેઈની પાઈટ્સના લાયસન્સ વેલિડ રહે તેવો હતો. 495 પેસેન્જર્સની ક્ષમતા ધરાવતું એરબસ એસઈ એ380 વિમાન મે મહિનામાં સાવ ખાલી રહીને ત્રણ દિવસ દરમિયાન અનેક વખત ઉડ્યું હતું, જેથી પાઈલટ્સને ટેક-ઓફ અને લેન્ડિંગની પ્રેક્ટીસ કરાવી શકાય. તેનો વિકલ્પ પાઈલટ્સને થાઈલેન્ડ મોકલવાનો હતો, પણ હાલમાં પ્રવાસન પ્રતિબંધોના કારણે તેવું થઈ શકે તેમ નહોતું.

થાઈ એરલાઈન્સ પાસે એરબસના આ વિમાનના સિમ્યુલેટર છે. હાલના સંજોગોમાં વિશ્વભરમાં વિવિધ એરલાઈન્સના મળીને ત્રીજા ભાગ કરતાં વધુ વિમાનોનો કાફલો એરપોર્ટ્સ ઉપર પાર્ક થયેલો પડ્યો છે ત્યારે પાઈલટ્સ સહિતના ક્રુને ફલાઈટ્સ માટે સજ્જ રાખવા એ પણ એરલાઈન્સ માટે એક મોટો પડકાર છે.

એશિયાના એરલાઈન્સના કિસ્સા વિષે વાત કરતાં સીઓલમાં એક એનાલિસ્ટે કહ્યું હતું કે, આવા જંગી કદના વિમાનને ખાલી ખાલી ઉડાડવું – ટેકઓફ અને લેન્ડિંગ કરાવવું પણ અતિશય ખર્ચાળ છે અને હાલના સંજોગોમાં ધંધો લગભગ બંધ જેવો જ છે ત્યારે ખર્ચ ખૂબજ સાચવીને કરવો પડે, પણ સાથે સાથે એરલાઈન માટે પાઈલટ્સના વિમાન ઉડાડવા માટેના લાયસન્સની વેલિડિટી ચાલુ રહે તે જોવાનું પણ જરૂરી છે. એરબસના આ વિરાટ વિમાનના સિમ્યુલેટર ઓછા છે, તેની તુલનાએ બોઈંગના એવા જ વિરાટ વિમાન વધુ એરલાઈન્સ પાસે છે અને તેના સિમ્યુલેટર્સ પણ ઘણા પાસે છે.