image twitter

કેરળમાં થોડા દિવસ પહેલા એક મહિલાએ એક અંધ વૃદ્ધને બસમાં બેસાડવા માટે મદદ કરી હતી. આ માટે મહિલાએ પહેલા બસની પાછળ દોડી તે રોકવા કન્ડક્ટરને જણાવ્યું હતું. પછી તે મહિલા થોડું પાછળ ચાલીને ગઇ હતી એક અંધ વ્યક્તિને લઇને આવી જેથી તે બસમાં ચઢી શકે. આ ઘટનાનો વીડિયો એક વ્યક્તિએ પોતાના મોબાઇલ ફોનમાં કેદ કરી લીધો હતો અને પછી તે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ મહિલાનું નામ સુપ્રિયા છે, તેની આ નિસ્વાર્થ સેવાના બદલામાં તેને ઇનામ સ્વરૂપે એક ઘર આપવામાં આવ્યું છે.

મનોરમા ઓનલાઇનના એક રીપોર્ટ મુજબ સુપ્રિયા છેલ્લા ત્રણ વર્ષથી તિરુવલ્લા સ્થિત જોલી સિલ્ક નામની ટેક્સટાઇલ શોપમાં કામ કરે છે. જે દિવસે તેણે અંધ વ્યક્તિની મદદ કરી હતી તે દિવસે તે સ્ટોર ખુલવાની રાહ જોતી હતી. સુપ્રિયાના આ નેક કામની માહિતી જોયાલુક્કાસ ગ્રુપના ચેરમેન જોય અલુક્કાસને મળી તો તેમણે સુપ્રિયાને શુભેચ્છા પાઠવી હતી. તેમણે સુપ્રિયાને થ્રિશુર સ્થિત પોતાની મુખ્ય ઓફિસમાં બોલાવી હતી અને તેને ઇનામમાં એક ઘર આપ્યું હતું. આ ઘર સુપ્રિયાના નામે છે.

આ અંગે સુપ્રિયાએ જણાવ્યું હતું કે, તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે, તેમને આટલું મોટું આશ્ચર્યજનક ઇનામ મળશે. ત્યાં કામ કરનાર લાખો લોકોએ મને શુભેચ્છા પાઠવી ત્યારે મારી આંખમાં આંસુ આવી ગયા હતા. આ એક સહજ સેવા હતી અને મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારી આટલી પ્રશંસા થશે અને લોકોનો પ્રેમ મળશે. સુપ્રિયાના પતિ એક ખાનગી નોકરી કરે છે.

જોયાલુક્કાસના વડાએ જણાવ્યું હતું કે, ‘તમે આટલું સારું કામ કર્યું છે અને હોઈ શકે કે આપને આવું કરવા માટે પ્રેરણા મળી હોય, આ દુનિયામાં દયાભાવ હજુ પણ પ્રવર્તે છે અને તેનો ક્યારેય અંત નહીં આવે. જોલી અલુક્કાસના આ શબ્દો એ મારું દિલ જીતી લીધું.’ સુપ્રિયાનો જે વીડિયો વાયરલ થયો છે તેમાં તે એક થોડે દૂર ઊભેલી બસ પાસે દોડીને જતી દેખાય છે અને કન્ડક્ટરને બસ રોકવા માટે જણાવતી હોય તેવું જોવા મળે છે અને પછી દોડીને પાછળ આવતા તે અંધ વૃદ્ધ બોલાવીને બસમાં બેસાડે છે.