(Photo by Michael Steele/Getty Images)

ન્યૂઝીલેન્ડનો સ્પિનર એજાઝ પટેલ પોતે રેકોર્ડ કર્યો તે યાદગાર ટેસ્ટ મેચમાં પહેરેલા ટીશર્ટમાંથી એકની હરાજી કરી રહ્યો છે. એક ટેસ્ટ મેચની એક ઈનિંગમાં હરીફ ટીમની તમામ 10 વિકેટ લેનારો તે ન્યૂઝીલેન્ડનો પ્રથમ ખેલાડી બન્યો હતો.

ગયા વર્ષે ડિસેમ્બરમાં ભારત સામે મુંબઈમાં એજાઝ પટેલે 10 ઓવરમાં 119 રન આપીને ભારતની તમામ વિકેટ ખેરવી હતી. ક્રિકેટ ઈતિહાસમાં આવી સિદ્ધિ હાંસલ કરનારો તે માત્ર ત્રીજો બોલર છે. આ અગાઉ ન્યૂઝીલેન્ડના બોલર સર રીચાર્ડ હેડલીએ 1985માં ઓસ્ટ્રેલિયા સામે સૌથી શ્રેષ્ઠ બોલીંગ કરીને 52 રનમાં નવ વિકેટો ઝડપી હતી.

ઇંગ્લેન્ડના જિમ લેકર અને ભારતના અનિલ કુંબલે માત્ર એવા બોલર છે જેમણે ટેસ્ટ ઇનિંગ્સમાં 10 વિકેટ લીધી છે. એજાઝ પટેલના ટીશર્ટની હરાજી ટ્રેડ મી દ્વારા કરાશે અને તેની રકમ સ્ટારશિપ રેડિયોલોજી ડિપાર્ટમેન્ટને અપાશે. આ અંગે એજાઝે જણાવ્યું હતું કે, મારી દીકરીનો જન્મ ઓકલેન્ડ હોસ્પિટલમાં થયો ત્યારે તેને તાવ આવ્યો હતો. તેથી તેને સ્ટારશિપમાં લઇ જવામાં આવી હતી અને ત્યાં તેને સારવાર આપવામાં આવી હતી.

તેણે વધુમાં કહ્યું કે, ‘તે સમયગાળા દરમિયાન અમારી પુત્રી સાથે એનઆઈસીયુ યુનિટમાં ઘણા નિર્બળ બાળકો સાથે બેઠો હતો, મને યાદ છે કે માતાપિતા તરીકે તે કેટલું મુશ્કેલ હતું.’ ટ્રેડ મીની હરાજી આવતા બુધવારે પુરી થશે, અત્યાર સુધીમાં 106 લોકોએ 18 હજાર ડોલરથી વધુ બોલી લગાવી છે.

‘તે દૃશ્ય ખૂબ જ અસરકારક હતું અને હું તેમને કોઈક રીતે મદદ કરવા ઇચ્છતો હતો, અને હું તે કરવા સક્ષમ હોવાનો મને વિશેષ આનંદ છે.’

ટીશર્ટના આગળના ભાગ પર ‘એજાઝ બ્લેક કેપ #274’ એમ્બ્રોઇડરી કરીને લખ્યું છે અને  તેના પર ટીમ દરેક સભ્યે સહી કરી છે. તે ફ્રેમમાં સફળતાના સ્મરણરૂપે સ્કોરકાર્ડ, તકતી અને ફોટો પણ છે.

પટેલે વધુમાં કહ્યું હતું કે, તેની પાસે હજુ પણ એ મેચમાં પોતે પહેરેલી બે ટીશર્ટ છે, જેમાંથી એક દેખિતી રીતે તે પોતાના સંભારણા તરીકે રાખશે અને બીજાની યોગ્ય સમયે સેવાના કામ માટે હરાજી કરવાની ઇચ્છા છે.