ફોટો સૌજન્ય Tristan Fewings/Pool via REUTERS

એક સમયે યુકેના વડા પ્રધાન બનવાના અગ્રણી દાવેદાર ચાન્સેલર ઋષિ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિના ટેક્સ સ્ટેટસ અને તેમના અમેરિકન ગ્રીનકાર્ડ અંગે નીત-નવી ટીકાઓનો સામનો કરી રહ્યા છે. વિરોધ પક્ષ લેબર પાર્ટી અને તેમના નેતાઓએ ચાન્સલર બેવડા ધોરણો અપનાવી રહ્યા હોવાના દાવો કર્યો છે. પત્ની અક્ષતાના નોન ડોમ ટેક્સ સ્ટેટસ અંગેની આકરી ટીકાઓ બાદ સુનકે રવિવારે વિનંતી કરતા વડા પ્રધાન બોરિસ જૉન્સન સુનકે મિનિસ્ટરીયલ ડેકલેરેશનનું પાલન કર્યું છે કે કેમ તેની સ્વતંત્ર તપાસ કરાવવા માટે સંમત થયા છે.

ભારતીય પત્ની અક્ષતા સુનકના નોન-ડોમ ટેક્સ સ્ટેટસ અંગે વિવાદ થયા બાદ અને તેઓ વિદેશી આવકને કરમાંથી બચાવી રહી છે તેવા આક્ષેપો અને વરવી ઝુંબેશનો ભોગ બન્યા બાદ આ દંપતીએ ગયા શુક્રવારે તા. 8ના રોજ યુ-ટર્ન લઇ પ્રતિજ્ઞા કરી હતી કે તેઓ હવે તેમની તમામ વૈશ્વિક આવક પર બ્રિટિશ કર ચૂકવશે.

સુનકે ટીકાકારો પર તેમની શ્રીમંત ભારતીય પત્ની સામે “કલંકિત” ઝુંબેશ ચલાવવાનો આરોપ મૂક્યો હતો. એક નિવેદનમાં, અક્ષતા મૂર્તિએ જણાવ્યું હતું કે તેણી નથી ઇચ્છતી કે તેણીનું નોન ડોમ સ્ટેટસ તેના પતિ માટે “વિક્ષેપ” બને. નિયમોમાં તેની આવશ્યકતા છે એટલા માટે નહીં પણ હવે હું ઇચ્છું છું માટે હું યુકેમાં ટેક્સ ચૂકવીશ.”

સુનકે પત્નીની જાહેરાત પહેલા ધ સનને કહ્યું હતું કે “તેને (પત્નીને) તેના દેશ સાથેના સંબંધો તોડી નાખવાનું કહેવું વાજબી રહેશે નહીં, કારણ કે તેણે મારી સાથે લગ્ન કર્યા છે. તે તેના દેશને પ્રેમ કરે છે. જેમ કે હું મારા દેશને પ્રેમ કરું છું. તે યુકેમાં જે કમાય છે તે પ્રત્યેક પૈસા પર યુકેના કર ચૂકવે છે”.

આ અગાઉ ઇન્ડિપેન્ડન્ટે જાહેર કર્યું કે સુનક, બે ટેક્સ હેવન્સ બ્રિટિશ વર્જિન આઇલેન્ડ્સ અને કેમેન આઇલેન્ડ્સના ટ્રસ્ટના લાભાર્થીઓમાં નોંધાયેલા છે. જેને પગલે વિપક્ષની ટીકાને વેગ મળ્યો હતો. સુનક અને તેમના પરિવારે ભારે અઠવાડિયું સહન કર્યું હતું. સન્ડે ટાઇમ્સે તો અહેવાલ આપ્યો હતો કે સુનકે એક વખતે રાજીનામું આપવાનું વિચાર્યું હતું. આક્ષેપ થઇ રહ્યો છે કે વડા પ્રધાનની 10 ડાઉનીંગ સ્ટ્રીટ કચેરી દ્વારા સુનકના પત્ની અક્ષતા મૂર્તિના ટેક્સ સ્ટેટસની વાતો લીક કરાઇ હતી.

બીજી તરફ વડા પ્રધાને સુનક સારૂ કામ કરી રહ્યા હોવાની અને લોકોના પરિવારની બાબતોને રાજકારણાં ન લાવવા અપીલ કરી છે. મોસ્કોમાં ઇન્ફોસીસની હાજરી, એનર્જી અને ચીજવસ્તુઓના વધતા ભાવો અને ગયા મહિને તેમના મિનિ-બજેટ બાદ સુનક દબાણ હેઠળ આવ્યા હતા. આ બધા કારણોને લઇને સુનકની લોકપ્રિયતામાં પણ જોરદાર ઘટાડો થયો છે.

તપાસની વિનંતી સાથે વડા પ્રધાન સંમત

સુનકે રવિવારે જણાવ્યું હતું કે તેમણે વડા પ્રધાનને પત્ર લખીને તેમની મિનિસ્ટરીયલ ડેકલેરેશનને પ્રધાનોના હિતોના સ્વતંત્ર સલાહકાર ક્રિસ્ટોફર ગીડ્ટને રેફરન્સ માટે મોકલવા જણાવ્યું હતું.
જૉન્સનના પ્રવક્તાએ તા. 11ના રોજ જણાવ્યું હતું કે, “લોર્ડ ગીડ્ટ સમિક્ષાનું આ કાર્ય હાથ ધરે તે માટેની ચાન્સેલરની વિનંતીને માન આપીને વડાપ્રધાન સંમત થયા છે. વડા પ્રધાનને તેમના ચાન્સેલર પર સંપૂર્ણ વિશ્વાસ છે અને ખાતરી છે કે તમામ યોગ્ય ઘોષણાઓનું પાલન કરવામાં આવ્યું હતું.”
ગીડ્ટની સમીક્ષા માટે જૉન્સનને લખેલા પત્રમાં બ્રિટનના સૌથી અમીર સંસદ સભ્ય મનાતા સુનકે ભારપૂર્વક જણાવ્યું હતું કે ……
તેણે દરેક સમયે યોગ્ય રીતે કાર્ય કર્યું હતું પરંતુ તેમની “ઓવરરાઇડિંગ ચિંતા” એ હતી કે લોકોને તેમના જવાબોમાં વિશ્વાસ હોવો જોઈએ. મને વિશ્વાસ છે કે મારી ઘોષણાઓ અને તમામ સંબંધિત માહિતી યોગ્ય રીતે જાહેર કરવામાં આવી હોવાનું તપાસમાં જાણવા મળશે. મેં હંમેશા નિયમોનું પાલન કર્યું છે અને મને આશા છે કે આવી સમીક્ષા વધુ સ્પષ્ટતા પ્રદાન કરશે.”

અક્ષતા મૂર્તિના ટેક્સ સ્ટેટસ પર ઉઠતા સવાલો

યુકેના વિરોધ પક્ષોએ ચાન્સેલર ઋષિ સુનકના પત્ની અને ભારતની ઈન્ફોસીસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતા મૂર્તિના નોન-ડોમિસાઈલ ટેક્સ સ્ટેટસ પર પ્રશ્નો ઉઠાવ્યા છે અને સુનક પાસે તાત્કાલિક સ્પષ્ટતાની માંગ કરી છે. તેમના પત્ની અક્ષતા મૂર્તિએ સ્વીકાર્યું છે કે તેઓ કરના હેતુઓ માટે નોન-ડોમીસાઇલ સ્ટેટસ ધરાવે છે. જેને પગલે હવે સુનક પર બેવડા ધોરણો અપનાવતા હોવાના આક્ષેપો થઇ રહ્યા છે.

અક્ષતા મૂર્તિ ભારત સ્થિત ટેક કંપની ઇન્ફોસિસમાં શેર ધરાવે છે અને તેઓ નોન-ડોમિસાઈલ ટેક્સ સ્ટેટસ ધરાવતા હોવાથી સરકારના નિયમો મુજબ તેઓ ભારતમાં કમાયેલી આવક પર યુકેમાં ટેક્સ ચૂકવવા માટે કાયદેસર રીતે બંધાયેલા નથી. અક્ષતા મૂર્તિ નોન-ડોમ સ્ટેટસ જાળવી રાખવા માટે તે સરકારને દર વર્ષે £30,000 ચૂકવે છે.
લેબર નેતા, સર કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે ‘’અક્ષતા મૂર્તિનું ટેક્સ એરેંજમેન્ટ “દંભ”નું પ્રતિનિધિત્વ કરે છે અને તેમને કર લાભો મળ્યા છે કે કેમ તે અંગે સુનકે ખૂબ જ ગંભીર પ્રશ્નોના જવાબ આપવા પડશે.”

લેબર પાર્ટીના નાયબ નેતા એન્જેલા રેનરે પણ જૉન્સન અને ગીડ્ટ બંનેને પત્ર લખીને તપાસની વિનંતી કરતાં જણાવ્યું હતું કે “માછલી હંમેશા માથાના ભાગેથી સડે છે. તે વડા પ્રધાનની જવાબદારી છે કે તેઓ તેમની કેબિનેટમાં ધોરણોનું પાલન કરાય છે તે સુનિશ્ચિત કરે.’’

લેબર શેડો મિનિસ્ટર એડ મિલિબેન્ડે બીબીસી ટેલિવિઝનને જણાવ્યું હતું કે ‘’જ્યારે લોકો અવિશ્વસનીય રીતે તણાવપૂર્ણ નાણાકીય સ્થિતિનો સામનો કરી રહ્યા છે અને તેમના પરિવારના સભ્ય યુકેના કરમાંથી તેમની આવકનો મોટો હિસ્સો આપી રહ્યા છે ત્યારે સુનકે આ માટે જવાબ આપવાની જરૂર છે.’’

બાંગ્લાદેશી મૂળના લેબરના શેડો ઇકોનોમિક સેક્રેટરી ટ્યૂલિપ સિદ્દિકે જણાવ્યું હતું કે “ચાન્સેલરે બ્રિટિશ લોકોના ટેક્સમાં વધારો કર્યો છે. પણ આશ્ચર્યજનક એ છે કે તે જ સમયે તેમના પરિવારને કર ઘટાડવાની યોજનાઓનો લાભ મળી રહ્યો હશે. જે સમયે તેઓ મજૂરી કરતા લાખો પરિવારો પર ટેક્સ નાખતા હતા ત્યારે સુનકે સમજવું જોઈએ કે તેમણે અને તેમના પરિવારે પોતાના ટેક્સ બિલમાં કેટલી બચત કરી છે.”

ડિફેન્સ સિલેક્ટ કમિટીના ટોરી ચેરમેન ટોબીઆસ એલવુડે જણાવ્યું હતું કે ‘’અક્ષતા મૂર્તિએ જે રીતે તેમની ટેક્સ બાબતોનું સંચાલન કર્યું હતું તેમાં કંઈ ગેરકાયદેસર નથી પરંતુ આ નોન-ડોમના જુના નિયમોની ફરીથી તપાસ અને સમીક્ષા કરવાની જરૂર છે.‘’

બિઝનેસ સેક્રેટરી ક્વાસી ક્વાર્ટેંગે જણાવ્યું હતું કે તેણીની નાણાકીય તપાસ “સંપૂર્ણપણે અયોગ્ય” હતી. કોમન્સ સ્ટાન્ડર્ડ કમિટીના લેબર ચેરમેન ક્રિસ બ્રાયન્ટે કહ્યું: “આ માત્ર ખોટું છે. નોન-ડોમ સ્ટેટસ આપોઆપ નથી મળતું. ટ્રેઝરીએ આ અચોક્કસ નિવેદનની તાત્કાલિક સ્પષ્ટતા કરવાની જરૂર છે.’’બ્રિટિશ કાયદા હેઠળ યુકેમાં નવ વર્ષથી રહેતા અક્ષતા મૂર્તિ 15 વર્ષના વસવાટ પછી આપમેળે યુકેમાં ડોમીસાઇલ્ડ થઇ જશે.

સુનક 2018માં મંત્રી બન્યા પછી તેમણે કેબિનેટ ઑફિસમાં તેમની પત્નીના ટેક્સ સ્ટેટસની જાણ કરી હતી. તેના એક વર્ષ પછી તેમણે યુકે ટ્રેઝરીમાં તેમની પ્રથમ ભૂમિકા નિભાવી હતી.આ અગાઉ એક મુલાકાતમાં સુનકે પોતાના સસરાએ જે હાંસલ કર્યું છે તેના પર ખૂબ ગર્વ છે અને તેઓ અદ્ભુત છે તેમ કહ્યું હતું.

અક્ષતા મૂર્તિને છેલ્લા સાત વર્ષમાં ઈન્ફોસિસ તરફથી £54 મિલિયનથી વધુ રકમનું ડિવિડન્ડ પ્રાપ્ત થયું છે. તેઓ નોન-ડોમ હોવાના કારણે તેમણે તે આવક પર યુકેમાં ટેક્સ ચૂકવ્યો નથી. પરંતુ તેમણે તે આવક પર ભારતમાં ટેક્સ ચૂકવ્યો હશે. જો તેઓ નોન-ડોમ ન હોત, તો તે ડિવિડન્ડ પર લગભગ £20 મિલિયન ટેક્સ માટે તેઓ જવાબદાર હોત. અક્ષતા મૂર્તિ ઇન્ફોસિસમાં £690 મિલિયનનો હિસ્સો ધરાવે છે અને પાછલા ટેક્સ યરમાં તેમને £11.6 મિલિયન ડિવિડન્ડ પેટે મળ્યા છે.

સુનકની લોકપ્રિયતામાં થયેલો ઘટાડો

ચાન્સેલર ઋષી સુનકની લોકપ્રિયતામાં કોરોનાવાઇરસ રોગચાળા અને રશિયાના યુક્રેન પરના આક્રમણ પછી વધતા જતા ભાવ વધારાની કારણે ભારે ઘટાડો થયો હતો.
તાજેતરના યુગોવ પોલમાં તેમના રેટિંગમાં છેલ્લા બે અઠવાડિયામાં 24 ટકા પોઈન્ટ્સનો ઘટાડો જોવા મળ્યો છે. બજેટ નિવેદનને પગલે સંઘર્ષ કરી રહેલા બ્રિટનની દુર્દશાને અવગણવા બદલ તેમની ટીકા કરવામાં આવી હતી.

ચાન્સેલર ઋષી સુનકની તકલીફો પાછળ વડા પ્રધાનનો દોરીસંચાર?

ચાન્સેલર ઋષી સુનકના કેમ્પના કેટલાક સાથીદારો આક્ષેપ કરતા માની રહ્યા છે કે વડા પ્રધાન અને સુનક વચ્ચે દેશની આર્થિક નીતિને લઈને ઘર્ષણ થયા પછી અક્ષતા મૂર્તિના ટેક્સ સ્ટેટસની માહિતી નંબર 10 દ્વારા લીક કરવામાં આવી છે. જો કે વડા પ્રધાન બોરિસ જૉન્સને એવા દાવાઓને નકારી કાઢ્યા હતા કે 10 ડાઉનિંગ સ્ટ્રીટ શ્રી સુનકની પત્નીના નોન-ડોમ સ્ટેટસ અંગે સુનક સામે પ્રેસને બ્રીફિંગ કરી રહ્યા છે.

જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથેની પ્રેસ કોન્ફરન્સમાં વડા પ્રધાને કહ્યું હતું કે ‘’ચાન્સેલરને મારો સંપૂર્ણ ટેકો છે અને તેઓ “ઉત્તમ” કામ કરી રહ્યા છે. જો આવું બ્રીફિંગ્સ થતું હોય તો તે ચોક્કસપણે નંબર 10માંથી થતું નથી. સ્વર્ગ જાણે છે કે તે ક્યાંથી આવે છે. હું ફક્ત ભારપૂર્વક કહીશ કે ચાન્સેલર, ઋષિ, એકદમ ઉત્કૃષ્ટ કાર્ય કરી રહ્યા છે અને શક્ય હોય ત્યાં સુધી, મને નથી લાગતું કે લોકોના પરિવારોને આમાં ખેંચવા જોઈએ.”

સુનક અને તેમના પત્ની આક્ષતા મૂર્તિની બાબતો પર વારંવારની તપાસ અંગે જૉન્સને સામાન્ય રીતે સ્પષ્ટીકરણો સાથે જોડાવવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે તેઓ જાણતા ન હતા કે અક્ષતા મૂર્તિ નોન-ડોમ છે. ચાન્સેલર માને છે કે જે દિવસે તેમણે નેશનલ ઇન્સ્યોરંશ વધાર્યો તે જ દિવસે તેમની પત્નીની ટેક્સની સ્થિતિ લીક કરાઇ તે એક “સંકલિત હુમલો” હતો. તેમના સાથીઓએ એવો પણ દાવો કર્યો હતો કે તે લીક સંભવિત ફોજદારી ગુનાનું પ્રતિનિધિત્વ કરે છે. જોકે, સુનક કે તેમની પત્ની પોલીસ પાસે ગયા નથી. તેઓ માને છે કે કોઈ વ્યક્તિ શ્રી સુનકની વિશ્વસનીયતાને નબળી પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે.

સુનકે ચાન્સેલર બન્યા બાદ બે વર્ષ સુધી યુએસ ગ્રીન કાર્ડ રાખ્યું

ચાન્સેલર ઋષિ સુનકે સ્વીકાર્યું છે કે ચાન્સેલર બન્યા પછી લગભગ બે વર્ષ સુધી તેમણે યુએસ ગ્રીન કાર્ડ રાખ્યું હતું અને તેનો ઉપયોગ ખાનગી મુસાફરી માટે કર્યો હતો. તેઓ યુ.એસ.માં ઇન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકે રહેતા અને કામ કરતા હતા ત્યારે તેમને ગ્રીન કાર્ડ આપવામાં આવ્યું હતું. જો કે તેઓ 2013માં યુએસથી પાછા ફર્યા હતા.

સુનકના પ્રવક્તાએ કહ્યું કે ‘’તેમણે કાયદાનું સંપૂર્ણ પાલન કરીને બિન-નિવાસી તરીકે યુએસ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યું હતું. ઑક્ટોબર 2021માં ચાન્સેલર તરીકે યુ.એસ.ની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાત વખતે તેમણે યોગ્ય કાર્યવાહી વિશે યુએસ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. તે સમયે તેનું ગ્રીન કાર્ડ પરત કરવાનું શ્રેષ્ઠ માનવામાં આવતું હતું અને તેમણે તેનુ પાલન કર્યું હતું. સુનક દ્વારા તમામ કાયદાઓ અને નિયમોનું પાલન કરવામાં આવ્યું છે અને ગ્રીન કાર્ડ રાખ્યું હતું તે સમયગાળા દરમિયાન જરૂરી હોય તે સંપૂર્ણ ટેક્સ ચૂકવવામાં આવ્યો છે.”

સુનક યુએસ ગ્રીન કાર્ડ ધરાવતા હોવાના અહેવાલો વિશે વડા પ્રધાન જૉન્સને કહ્યું હતું કે ‘’ચાન્સેલરે જે કરવાનું હતું તે બધું જ કર્યું છે”.યુએસ છોડ્યા પછી સુનકે આઠ વર્ષ સુધી ગ્રીન કાર્ડ જાળવીને મુસાફરીના હેતુઓ માટે તેનો ઉપયોગ કરવાનું ચાલુ રાખ્યું હતું તે હકીકત તેમની સામે પ્રશ્નો ઉભા કરી રહ્યું છે.

યુએસને કાયમી રહેઠાણ તરીકે માનતા બિન-અમેરિકન લોકને ગ્રીન કાર્ડ આપવામાં આવે છે. યુએસ ગ્રીન કાર્ડ ધારકોએ તેમની વિશ્વવ્યાપી આવક પર યુએસમાં ટેક્સ ચૂકવવો પડે છે અને અમેરિકાને તેમના કાયમી નિવાસ તરીકે જાહેર કરવું પડશે. ગ્રીન કાર્ડ ધારકોને કાયમી ધોરણે રહેવા અને કામ કરવા અધિકૃત કરાયા છે. પણ જો તેઓ વિદેશમાં લાંબો સમય રહે તો તે કાર્ડ ગુમાવે તેવું જોખમ રહે છે. એક સમયે છ મહિનાથી વધુ સમય માટે યુ.એસ.થી દૂર રહેવાથી તપાસ અને એક વર્ષથી વધુ સમય માટે વિદેશમાં રહેવાથી ગ્રીન કાર્ડ રદ કરાય છે.