(Photo by STR/AFP via Getty Images)

બોલીવૂડના યુવા કલાકારો આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની ચર્ચા લાંબા સમયથી થઇ રહી છે. હવે તેઓ લગ્ન કરવાના છે તેવી વાત ફરીથી બોલીવૂડમાં થઇ રહી છે. કહેવાય છે કે, તેઓ ડિસેમ્બરમાં લગ્ન કરે તેવી સંપૂર્ણ સંભાવના છે..મીડિયાના સૂત્રોના જણાવ્યા મુજબ, રણબીર અને આલિયા આવતા મહિને લગ્ન કરશે.

હકીકતમાં રણબીર કપૂર ઝડપથી જ ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ એનિમલનું શૂટિંગ શરૂ કરવાનો હતો. પરંતુ હવે તેણે આ ફિલ્મના શૂટિંગ આવતા વર્ષે કરવાનો નિર્ણય લીધો છે. ઉપરાંત આલિયા ભટ્ટ પણ પોતાના દરેક પ્રોજેક્ટસના શૂટિંગ આ મહિનાના અંત સુધીમાં પૂર્ણ કરી લેશે. સૂત્રો કહે છે કે, રણબીર અને આલિયા નવેમ્બરના અંત સુધીમાં પોતપોતાના કમિટમેન્ટ પૂરા કરવા ઇચ્છે છે, જેથી તેઓ ડિસેમ્બરમાં ફ્રી રહી શકે. રણબીરે ફિલ્મ શમશેરાને પણ પ્રમોટ કરવાની છે, જે માર્ચ 2022માં રિલીઝ થવાની છે. અગાઉ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ પણ પોતાના લગ્ન માટે દરેક કમિટમેન્ટ પહેલા જ પુરા કર્યા હતા. જોકે, કપૂર પરિવાર સામાન્ય રીતે પોતાના પરિવારમાં થનારા લગ્નની જાહેરાત કરતો હોય છે. તેથી રણબીરના લગ્નની પણ જાહેરાત પણ ઝડપથી થાય તેવી પૂરી સંભાવના છે.