ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ને સ્પેનમાં સેમિન્સી (SEMINCI) 66મા વલાડોલિડ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ફિલ્મ માટે ગોલ્ડન સ્પાઇક એવોર્ડ એનાયત થયો છે. આ એવોર્ડ સાથે ફિલ્મને 75 હજાર યુરોનું રોકડ ઈનામ પણ આપવામાં આવ્યું છે, જે ફિલ્મના સ્પેનિશ ડિસ્ટ્રીબ્યુટર કર્મા ફિલ્મ્સને મળશે. વર્ષ 1956માં સેમિન્સીની રચના થઈ ત્યારથી, તે સ્પેનના મુખ્ય ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાંનું એક બની રહ્યું છે, જે સ્વતંત્ર ફિલ્મોની પસંદગીના ક્ષેત્રમાં આગળ છે. તાજેતરમાં આ ફિલ્મે કેલિફોર્નિયામાં મિલ વેલી ખાતે ઓડિયન્સ એવોર્ડ પણ જીત્યો છે.

હવે આ ફિલ્મે ઓસ્કાર માટે ભારતમાંથી પોતાની સૌથી મજબૂત દાવેદાર ઊભી કરી છે. છેલ્લા ચાર દાયકામાં છેલ્લો શૉ આ એવોર્ડ જીતનારી બીજી ભારતીય ફિલ્મ બની છે. અગાઉ વર્ષ 1983માં મૃણાલ સેનની ‘ખારીજ’ને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ ઇન્ટરનેશનલ ફિલ્મ ડાયરેક્ટર અને લેખક પાન નલિને જણાવ્યું કે, ‘અમે સૌરાષ્ટ્રના દૂરના ગ્રામ્ય વિસ્તારમાં અમારા એકાંતમાં જે શરૂઆત કરી હતી તે હવે સમગ્ર વિશ્વમાં ગુંજવા લાગી છે. ભારતીય સિનેમા માટે આ એક ગૌરવપૂર્ણ ક્ષણ છે કે એક ગુજરાતી ફિલ્મ વિશ્વભરના લોકોનું દિલ જીતી રહી છે. સેમિન્સી ખાતે બેસ્ટ ફિલ્મ ગોલ્ડન સ્પાઈક જીતવું એ સિનેમા માટે બહુ જ ગર્વની વાત છે.” આ સફળતા બદલ નિર્માતા ધીર મોમાયાએ કહ્યું કે, ‘ફિલ્મની વિશ્વવ્યાપી પ્રશંસાથી અમે ખૂબ જ રોમાંચિત છીએ, પરંતુ હું તેને ભારતમાં ટૂંક સમયમાં રિલીઝ કરવા માટે વધુ ઉત્સાહિત છું. આ એક ફીલ-ગુડ-મૂવી છે જે તમારી અંદર હંમેશા રહે છે.’