પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારત સરકારે સીધા વિદેશી રોકાણના નિયમોના કથિત ઉલ્લંઘન માટે ઇ-કોમર્સ કંપનીઓ એમેઝોન અને વૉલમાર્ટની માલિકની ફ્લિપકાર્ટ સામે તપાસ કરવાનો પહેલી જાન્યુઆરીએ આદેશ આપ્યો હતો. સરકારે તપાસ ચાલુ કરવા ઈડી અને આરબીઆઈને સૂચના આપી હતી.

કેન્દ્રીય વેપાર અને વાણિજ્ય મંત્રાલયના ત્રણ અધિકારીઓની સમિતિની ફરિયાદની સમીક્ષા બાદ સરકારે આ આદેશ આપ્યો હતો. એમેઝોન દ્વારા કિશોર બિયાનીના ફ્યુચર કંપનીની કંપનીના હિસ્સાની ખરીદી સંબંધે થયેલા ફરિયાદની આ સમિતિએ તપાસ કરી હતી. આ કંપનીઓ પર એફડીઆઈ નીતિ અને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ(ફેમા)ના કથિત ભંગનો પણ આરોપ છે

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ એક રૂટિન તપાસ છે. સરકારે આરબીઆઇ અને ઇટી પાસે વધુ માહિતી માગે છે. ફ્લિપકાર્ટે જણાવ્યું હતું કે તે તે તમામ કાયદા અને એફડીઆઇ નિયમોનું સંપૂર્ણ પાલન કરે છે. આ મુદ્દે એમેઝોનના પ્રવક્તાએ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (સીએઆઈટી) લાંબા સમયથી આ કંપનીઓ પર કાર્યવાહીની માગ કરી રહ્યું છે. તેના આધારે જ કેન્દ્ર સરકારે ઈડી અને આરબીઆઈને કાર્યવાહીનો નિર્દેશ આપ્યો છે. સીએઆઈટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બી સી ભરતિયા અને મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે તાજેતરમાં આ મુદ્દે કેન્દ્રીય વાણિજ્યપ્રધાન પીયૂષ ગોયલ સાથે બેઠક કરી હતી.