પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ખરાબ હવામાનને કારણે સ્ટાફની અછત સર્જાતા અમેરિકન એરલાઇન્સે આ વીકએન્ડમાં સેંકડો ફ્લાઇટ્સ રદ કરી હતી, એમ શનિવારે ફ્લાઇટઅવેરના ડેટામાં જણાવ્યું હતું. અમેરિકામાં ફ્લાઇટ્સના વિલંબ અને કેન્સેલેશનને ટ્રેક કરતી આ વેસબાઇટમાં જણાવાયું હતું કે અમેરિકન એરલાઇન્સે શુક્રવાર અને શનિવારે 800થી વધુ ફ્લાઇટ રદ કરી હતી અને રવિવારે વધુ 400 ફ્લાઇટ રદ થવાની ધારણા છે.

અમેરિકન્સ એરલાઇન્સના સીઇઓ ડેવિડ સેમોરે જણાવ્યું હતું કે ભારે પવન સાથેના તોફાન કારણે ગુરુવારે મુશ્કેલીનો પ્રારંભ થયો હતો. તેનાથી કંપનીના ડલ્લાસ હબની કેપેસિટી બ્લોક થઈ હતી અને નવી ફ્લાઇટ્સ માટે સ્ટાફની ગોઠવણી કરવામાં વિલંબ થયો હતો.

તેમણે આશા વ્યક્ત કરી હતી કે આગામી મહિનાના પ્રારંભ સાથે ઝડપથી કામગીરી રાબેતા મુજબ થઈ જશે. કંપનીના વડાએ મહામારીના પ્રારંભથી સ્ટેન્ડબાય રાખવામાં આવેલા 1,800 ફ્લાઇટ સ્ટાફ પરત આવવાની તથા ડિસેમ્બર સુધીમાં વધુ 600 સ્ટાફની તથા 4,000 એરપોર્ટ કર્મચારીની ભરતીની જાહેરાત કરી હતી.

મોટાભાગના ટ્રાવેલર્સને સમાન દિવસ માટે રિબૂકિંગની સુવિધા આપવામાં આવી હતી. અમેરિકન એરલાઇન્સના 50 દેશોના 350થી ડેસ્ટિનેશન્સ માટે દૈનિક ધોરણે 6,700 ફ્લાઇટ્સ ઓપરેટ કરે છે.

ટ્રાવેલ નિયંત્રણો દૂર કરવામાં આવ્યા બાદ ટ્રાવેલની માગમાં વધારાને પગલે સ્ટાફની અછતને કારણે ફ્લાઇટ કેન્સલ કરવી પડે તેવી અમેરિકન એરલાઇન્સ પ્રથમ એરલાઇન્સ નથી. ગયા સપ્તાહે સાઉથવેસ્ટે 2,000થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ કરી હતી અને તેનાથી 75 મિલિયન ડોલરનું નુકસાન થયું હતું.