ટેક્નોલોજી અને ટેક્નોલોજી કંપનીઓમાં રોકાણ કરતી અમેરિકાની પ્રાઈવેટ ઇક્વિટી ફર્મ સિલ્વર લેક પાર્ટનર્સે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની જિયો પ્લેટફોર્મ્સમાં રૂ. 5,655.75 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ રોકાણથી સિલ્વર લેકને જિયોમાં અંદાજીત 1.15% હિસ્સેદારી મળશે. આ ડીલ સાથે સંકળાયેલા સુત્રોના જણાવ્યા પ્રમાણે આગામી એક વર્ષમાં સિલ્વર લેક વધુ રોકાણ કરી પોતાની હિસ્સેદારી 10% સુધી વધારી શકે છે.

આ રોકાણથી જિયો પ્લેટફોર્મ્સનું ઇક્વિટી મૂલ્ય રૂ. 4.90 લાખ કરોડ અને એન્ટરપ્રાઇઝ મૂલ્ય રૂ. 5.15 લાખ કરોડ થઈ જશે. આ સોદો નિયમનકારક અને અન્ય કાયદેસર મંજૂરીઓને આધિન છે. આ સોદામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની નાણાકીય સલાહકાર મોર્ગન સ્ટેન્લી અને કાયદાકીય સલાહકારો એઝેડબી એન્ડ પાર્ટનર્સ અને ડેવિસ પોલ્ક એન્ડ વોર્ડવેલ છે.

સિલ્વર લેકના રોકાણ વિશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનાં ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, મને તમામ ભારતીયોના લાભ માટે ભારતીય ડિજિટલ ઇકોસિસ્ટમની વૃદ્ધિને વેગ આપવા અને એને પરિવર્તિત કરવા કિંમતી પાર્ટનર તરીકે સિલ્વર લેકને આવકાર આપવાની ખુશી છે.

સિલ્વર લેક આંતરરાષ્ટ્રીય સ્તરે ટોચની ટેકનોલોજી કંપનીઓમાં કિંમતી પાર્ટનર હોવાનો ઉત્કૃષ્ટ રેકોર્ડ ધરાવે છે. સિલ્વર લેક ટેકનોલોજી અને ફાઇનાન્સમાં સૌથી વધુ વિશ્વસનિય રોકાણકાર પાર્ટનર પૈકીની એક છે. અમને એના આંતરરાષ્ટ્રીય ટેકનોલોજી પાર્ટનર્સ પાસેથી ભારતીય ડિજિટલ સોસાયટીના પરિવર્તનને આગળ વધારે એવી ઉપયોગી જાણકારીઓનો લાભ મળશે.