ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રાજ્યમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ શુક્રવારે જાહેરાત કરી હતી કે કોરોનાની સ્થિતિને પહોંચી વળવા ગાંધીનગર ખાતે 1,200 બેડની હોસ્પિટલ બનાવવામાં આવશે. આ હોસ્પિટલ DRDOના સહયોગથી હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે બનાવવામાં આવશે. આ ઉપરાંત લોકોની મદદ માટે બે દિવસમાં ટોલ ફ્રી નંબર જાહેર કરાશે. જેનાથી લોકોને મેડિકલ કન્સલટન્સી માટે મદદ મળશે.

અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે 900 બેડની હોસ્પિટલ તૈયાર થઈ ગઈ છે. અમિત શાહે આ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અમિત શાહે વધુમાં કહ્યું હતું કે, લોકોની મદદ માટે બે દિવસમાં ટોલ ફ્રી નંબર જાહેર કરાશે. જેનાથી લોકોને મેડિકલ કન્સલટન્સી માટે મદદ મળશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર પૂરતી મદદ આપવા માટે તૈયાર છે.

હાલમાં ગુજરાતમાં રોજના 13,000થી વધુ કોરોનાના કેસ નોંધાઈ રહ્યાં છે. તેનાથી હોસ્પિટલો હાઉસ ફૂલ થઈ જતા દર્દીઓને સારવાર માટે લાઈનમાં ઉભા રહેવુ પડે છે.

અમદાવાદ ખાતેની 900 બેડની ડેડિકેટેડ કોવિડ કેર હોસ્પિટલની સુવિધા વિશે વાત કરીએ તો તેમા, 150 આઇ.સી.યુ. બેડ હશે, જ્યાં 150 વેન્ટિલેટર્સની વ્યવસ્થા પણ હશે. આ તમામે તમામ 900 બેડ ઓક્સિજનની સુવિધા સાથેનાં હશે. આ ઉપરાંત જો જરુર પડે તો વધુ 500 બેડ વધારી શકાય એવી વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. આ હોસ્પિટલમાં પોર્ટેબલ એક્સ-રે મશીનની પણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે.