ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે સોમવારના રોજ દાવો કર્યો હતો કે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂએ પાકિસ્તાનથી આવનારી લઘુમતી કોમને નાગરિત્વ આપવાનું વચન આપ્યું હતું. તેમ છતા કોંગ્રેસ આજે નાગરિકતા સુધારણા કાયદાનો વિરોધ કરી રહી છે કારણકે તેઓ શાહીન બાગમાં પોતાની વોટ બેંક માટે ભયભીત છે. રાજેન્દ્ર નગરથી ભાજપા ઉમેદવાર આરપી સિંહના સમર્થનમાં અક ચૂંટણી રેલીમાં કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે આઠ ફેબ્રુઆરીના રોજ યોજાનારી ચૂંટણીમાં વિધાનસભા સભ્યો અને મુખ્યમંત્રીની પસંદગી કરવા માટે નહીં પરંતુ બે વિચારધારાઓની વચ્ચેની ટક્કર છે.

ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે ‘એક તરફ એવા લોકો છે જે શાહીન બાગની પડખે ઉભા છે અને બીજી તરફ એવા લોકો છે જેમણે પાકિસ્તાનમાં ઘુસીને આપણા સૈનિકોની મોતનો બદલો લીધો.’ નાગરિકતા સુધારણા મુદ્દા પર તેમણે કહ્યું કે, ‘પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના આઝાદે પાકિસ્તાની લઘુમતી ધરાવતા લોકોને ક્યારેક ભારતનું નાગરિત્વ આપવાનું વચન આપ્યું હતું.’

અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ નાગરિકતા સુધારણા કાયદાની વિરુદ્ધમાં પ્રદર્શન કરી રહ્યા છે કારણકે તેઓને શાહીન બાગમાં પોતાના મત માટે ચિંતા થઈ રહી છે. આપ સરકાર એવા લોકોને બચાવી રહી છે જેમણે જેએનયુમાં રાષ્ટ્ર વિરોધી નારા લગાવ્યા હતા. શરજીલ ઈમામના ‘ભારતથી આસામને અલગ પાડી દેવા’ વિશેના નિવેદન પર શાહે કહ્યું કે 12 દિવસથી તેઓ કેજરીવાલને કહી રહ્યા છે કે શું તેઓ જેએનયુના વિદ્યાર્થીઓ પર કાયદાકીય પગલા લેવાની પરવાનગી આપશે પરંતુ તેઓ મગનું નામ મરી નથી પાડી રહ્યા.