યુકેમાં વસતા હિન્દુ સમુદાયના અગ્રણી નેતા, લોહાણા અગ્રણી, લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડનના પૂર્વ પ્રમુખ અને જાણીતા બિઝનેસમેન શ્રી અમરતલાલ રાડિયાનું તા. 24 એપ્રિલના રોજ સાંજે 87 વર્ષની વયે નિધન થયું હતું.

હેરોમાં વસતા અમરતલાલ રાડિયાનો જન્મ 1936માં યુગાન્ડામાં થયો હતો. તેમના લગ્ન 63 વર્ષ પૂર્વે સુશીલાબેન સાથે થયા હતા અને તેઓ 3 સંતાનો ઉષ્મા, ભાવેશ અને સંગીતા સહિત વિશાળ પરિવારને વિલાપ કરતા મૂકી ગયા છે.

તેઓ માત્ર 12 વર્ષની ઉંમરે તેમના પિતા અને 7 ભાઈ-બહેનોના પરિવારને ટેકો આપવા માટે બિઝનેસ સંભાળવા ઇસ્ટ આફ્રિકા ગયા હતા. 1972 સુધીમાં તો તેમનો બિઝનેસ ઇસ્ટ આફ્રિકાનો અગ્રણી ઇમ્પોર્ટ – એક્સપોર્ટ ટ્રેડીંગ બિઝનેસ બની ગયો હતો. યુગાન્ડાથી શરૂ થયેલી હિજરતના ભાગરૂપે અમરતલાલને રાતોરાત લંડન ભાગી આવવું પડ્યું હતું અને હેરોમાં સ્થાયી થયા હતા.

તેમણે પોતાના ભાઈઓ સાથે ફરીથી નવી શરૂઆત કરી બિઝનેસ શરૂ કર્યો હતો. 1991 સુધીમાં તો તેમની કંપની માર્ન મોટર્સને યુકેમાં સૌથી મોટા મોટર ડીલરશીપ ગૃપ તરીકે ઓળખ મળી હતી. જેના અમરતલાલ ચેરમેન અને પ્રાયમરી ડ્રાઈવર બન્યા હતા.

અમરતલાલ બિઝનેસ કરતા પણ વધુ જાણીતા સમાજ સેવા અને સખાવતી કાર્યો માટે થયા હતા. તેઓ સત્ય સાંઈ સંસ્થામાં એક અગ્રણી સભ્ય હતા અને વર્લ્ડ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા હતા. નવેમ્બર 1991માં તેઓ બેંગ્લોરની બહાર સુપર સ્પેશિયાલિટી હાર્ટ હોલ્પિટલના ઉદ્ઘાટનમાં નિમિત્ત બન્યા હતા.

2005માં તેઓ લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડનના પ્રમુખ બન્યા હતા. નોર્થ લંડનમાં વસતા લોહાણા સમાજ માટે હેરોમાં RCT અને ધમેચા લોહાણા સેન્ટર – મલ્ટી પરપઝ કોમ્યુનિટી હોલના નિર્માણ માટે સહભાગી થયા હતા જે તેમની સૌથી મોટી સખાવતી સિદ્ધિ હતી.

છેક 1978થી લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડનમાં વિવિધ હોદ્દાઓ પર રહીને સેવા આપતા શ્રી અમરતલાલ રાડીયાએ 2005-2006 દરમિયાન એલસીએનએલ પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી. શ્રી કાંતિભાઈ મસરાનીના પ્રમુખપદ દરમિયાન તેમણે અને રસિકભાઈ રાભેરૂએ લોહાણા સમાજ હોલ માટે યોગ્ય જગ્યા શોધવાનું શરૂ કર્યું હતું. તો પોપટભાઈ રૂપારેલીયાના પ્રમુખપદ દરમિયાન તેમણે £205,000ના ખર્ચે બેડફોર્ડ કોલેજ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખરીદવા માટે વાટાઘાટો કરી હતી. ત્યારબાદ રઘુવંશી ચેરીટેબલ ટ્રસ્ટ (RCT)ની સ્થાપના કરવામાં આવી હતી. 1982થી 1985 સુધી નિયુક્ત વચગાળાના ટ્રસ્ટીઓમાંના તેઓ એક હતા.

તેમના કાર્યકાળ દરમિયાન પ્રથમ વખત ડૉ. ઉપાધ્યાય અને સાઈ-ભક્તોની મદદથી મેડિકલ કેમ્પનું આયોજન, લોહાણા ગોલ્ફ ટુર્નામેન્ટ, LCNL વેબસાઈટ, વાર્ષિક મેળામાં મ્યુઝિકલ ટેલેન્ટ શો શરૂ થયા હતા. તો શ્રી નરેન્દ્રભાઇ ઠકરારની પ્રેસિડેન્સી દરમિયાન 1996માં પહેલીવાર રંગીન બમ્પર દિવાળી મેગેઝિન શરૂ કરાયું હતું. તે વખતે નવા ટ્રેક્ટર, રસોડાના નવીનીકરણ માટે દાન એકત્રીત કરાયું હતું અને સૌ પ્રથમ વખત ખર્ચ બાદ કરતા £41000ની રેકોર્ડ આવક હાંસલ કરાઇ હતી.

2006ની એજીએમમાં એક વિશાળ કોમ્યુનિટી સેન્ટર હસ્તગત કરવાના હેતુથી ત્રણ વર્ષની મુદત માટે બિલ્ડિંગ પ્રોજેક્ટ કમિટીની સ્થાપના કરાઇ હતી જેની બિલ્ડિંગ સબ-કમિટીના કન્વીનર તરીકે અમરતલાલની વરણી કરાઇ હતી.

LEAVE A REPLY

2 + thirteen =