ટેક જાયન્ટ એપલ ઇચ્છે છે કે તેના તમામ કર્મચારીઓ સપ્ટેમ્બર 2021 સુધીમાં તેની ઑફિસોમાં કામ પર પાછા ફરે. ફેસબુકે ગયા વર્ષે જાહેરાત કરી હતી કે તેના કર્મચારીઓ તેમના મેનેજર પાસેથી મંજૂરી મળે તો લાંબા સમય સુધી ઘરેથી કામ કરી શકશે. ટ્વિટરના ચીફ એક્ઝિક્યુટિવ જેક ડોર્સીએ પણ મે 2020માં આવી જ નીતિની ઘોષણા કરી હતી. ગૂગલે તાજેતરમાં અઠવાડિયાના ત્રણ દિવસ માટે ઑફિસે પાછા આવવા જણાવ્યું હતું.

આખી કંપનીના તમામ સ્ટાફને બુધવારે મોકલવામાં આવેલા લેખિત મેમોમાં એપલના ચીફ એક્ઝિક્યુટિવ ટિમ કૂકે લખ્યું છે કે ‘’તમામ વર્કર્સે અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ તેમના ડેસ્ક પર પાછા ફરવું જોઈએ. સ્ટાફના કેટલાક સભ્યોને બાકીના બે દિવસ દૂરથી કામ કરવાનો વિકલ્પ આપવામાં આવશે. જેમને “વ્યક્તિગત રૂપે” ઓફિસમાં જ કામ કરવું જરૂરી છે તેઓ ચાર કે પાંચ દિવસ માટે કામ પર પાછા આવશે. જે લોકોને વર્ષમાં બે અઠવાડિયા સુધી દૂર રહીને કામ કરવું હશે તેઓ તે માટે અરજી કરી શકશે અને મેનેજર તેને મંજૂર કરશે.’’

દૂરથી કામકાજમાં સરળતા પડતી હોવા છતાં ઓફિસમાં જે કામ થાય છે તેનો વિકલ્પ નથી. આઇફોન વેચાણમાં વધારાને લીધે એપલની એકંદરે આવક મોટા પ્રમાણમાં વાર્ષિક ધોરણે 50% વધતી કહી હતી અને રોગચાળા દરમિયાન તે ચાલુ રહ્યું હતું.