ફાઇલ તસવીર (Photo by Christopher Furlong/Getty Images)

લોકપ્રિયતાના વૈશ્વિક રેટિંગમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટોચના સ્થાને રહ્યાં છે, જ્યારે લોકડાઉન દરમિયાન પાર્ટી કરવાના મુદ્દે ચોતરફ ટીકાનો સામનો કરી રહેલા બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન તળિયાના સ્થાને રહ્યાં છે. આ યાદીમાં મોદી ફરી એકવાર દુનિયાના સૌથી લોકપ્રિય નેતા સાબિત થયા છે. વૈશ્વિક લોકપ્રિયતાના મામલે વડાપ્રધાન મોદીનો મુકાબલો દુનિયાના 13 નેતાઓ સાથે હતો. જેમાં અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડેન, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રોડુ પણ સામેલ હતા. ડેટા ઇન્ટેલિજન્સ કંપની મોર્નિંગ કન્સલ્ટને આ વૈશ્વિક સરવે કર્યો હતો.

સરવેમાં જણાવ્યા પ્રમાણે નરેન્દ્ર મોદીને 71% એપ્રુવલ રેટિંગ મળ્યું છે અને તેઓ પ્રથમ સ્થાને રહ્યાં છે. અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડેન 43% રેટિંગ સાથે છઠ્ઠા સ્થાને છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટૂડોને પણ 43% એપ્રુવલ રેટિંગ મળ્યું છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન 41% રેટિંગ સાથે ટુડોથી પાછળ રહ્યા છે.

આ નવા એપ્રુવલ રેટિંગ મુજબ 71 ટકા એપ્રુવલ અને 21 ટકા ડિસઅપ્રુવલ સાથે મોદીનું ચોખ્ખુ એપ્રુવલ રેટિંગ 50 રહ્યું હતું.

કંપની હાલમાં ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇટલી, જાપાન, મેક્સિકો, સાઉથ કોરિયા, સ્પેન, બ્રિટન અને અમેરિકાના નેતાઓને એપ્રુવલ રેટિંગને ટ્રેક કરે છે.

કોરોના લોકડાઉન દરમિયાન પાર્ટી કરવાના મુદ્દે ચોતરફ ટીકાનો સામનો કરી રહેલા બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સનનું ચોખ્ખું એપ્રુવલ રેટિંગ માઇનસ 43 રહ્યું હતું. આ સરવેમાં 69 ટકા લોકોએ આ કન્ઝર્વેટિંગ નેતાને ડિસઅપ્રુવલ રેટિંગ આપ્યું હતું. નેગેટિવ એપ્રુવલ રેટિંગ ધરાવતા બીજા નેતાઓમાં જો બાઇડન, ટ્રોડુ, બ્રાઝિલના જૈર બોલ્સાનારો, ફ્રાન્સના ઇમેન્યુઅલ મેક્રોન, સાઉથ કોરિયાના મૂન જે-ઇન, ઓસ્ટ્રેલિયાના મોરિસન અને સ્પેનના પેડ્રો સાચેઝનો સમાવેશ થાય છે.

લોકપ્રિય નેતાઓની આ યાદીમાં બીજા ક્રમે મેક્સિકોના પ્રેસિડન્સ આંદ્રેશ મેન્યુઅલ લોપેઝ ઓબ્રેડોર રહ્યાં છે, જેમને 66 ટકા એપ્રુવલ રેટિંગ મળ્યું છે. ત્રીજા ક્રમે ઇટલીના વડાપ્રધાન મારિયો ડ્રાગી રહ્યાં છે, જેમને 60 ટકા રેટિંગ મળ્યું છે.

મોદીનું રેટિંગ લોકડાઉન દરમિયાન ટોચે અને બીજી લહેરમાં તળિયે

મોર્નિંગ કન્સલ્ટે દરેક વૈશ્વિક નેતાને ટ્રેક કરવાનું ચાલુ કર્યું તે પછીથી મે 2020માં રાષ્ટ્રવ્યાપી લોકડાઉન દરમિયાન મોદીની લોકપ્રિયતા ટોચના સ્થાને હતી અને ગયા વર્ષે કોરોનાની ઘાતક બીજી લહેર દરમિયાન મોદીની લોકપ્રિયતા તળિયે પહોંચી હતી. કોરોનાની બીજી લહેર દરમિયાન લોકોને દવા, હોસ્પિટલ જેવી અનેક મુશ્કેલીઓ પડી હતી અને સમગ્ર ભારતની છાપ ખરડાઈ હતી.

મોદીનું રેટિંગ અગાઉની તુલનાએ ઘટ્યું

ગયા વર્ષે નવેમ્બરમાં પણ મોસ્ટ પોપ્યુલર લીડર્સ સરવેમાં તેઓ પ્રથમ સ્થાને રહ્યાં હતા. જોકે 2020ની સરખામણીમાં આ વખતે તેમના રેટિંગમાં થોડો ઘટાડો થયો છે. મોર્નિંગ કન્સલ્ટે મે 2020ના રિપોર્ટમાં મોદીને 84 ટકા એપ્રુવલ રેટિંગ આપ્યું હતું, જ્યારે 2021માં 63 ટકા રેટિંગ મળ્યું હતું.

મોદીને સૌથી વધુ એપ્રુવલ રેટિંગ

નરેન્દ્ર મોદી 71%
એન્ડ્રીસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર 66%
મારિયો ડ્રાગી 60%
જો બાઇડન 43%
જસ્ટિન ટ્રોડુ 43%
સ્કોટ મોરિસન 41%
ઇમેન્યુઅલ મેક્રોન
બોરિસ જોન્સન : 26%

જોન્સનને સૌથી વધુ ડિસઅપ્રુવલ રેટિંગ

બોરિસ જોન્સન 69%
ઇમેન્યુઅલ મેક્રો 59%
જૈર બોલ્સોનારા 56%
પેડ્રો સાન્ચેઝ 53%
સ્કોટ મોરિસન 52%
જસ્ટિન ટ્રોડુ: 51%
જો બાઇડન 49%
નરેન્દ્ર મોદી 21%