એક હૃદયદ્વાવક ઘટનામાં એક નવજાત બાળક સહિત પરિવારના ચાર સભ્યોના અમેરિકા અને કેનેડાની સરહદ પર તીવ્ર ઠંડીને કારણે થીજી જતા કમકમાટીભર્યા મોત થયા હતા. આ પરિવાર ભારતીય હોવાનું માનવામાં આવે છે અને કેનેડાના પ્રદેશમાં આ દુઃખદ ઘટના ઘટી હતી. આ પરિવાર ગેરકાયદે ઘુસણખોરીનો પ્રયાસ કરતું હોવાની શક્યતા છે. આ ઘટનામાં અમેરિકામાં એક વ્યક્તિની ધરપકડ થઈ હતી અને તેની સામે હ્યુમન સ્મગલિંગનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

માનીટોબા રોયલ કેનેડિયન માઉન્ટેટ પોલીસે ગુરુવારે જણાવ્યું હતું કે યુએસ-કેનેડા સરહદ પર ઇમર્સન નજીક બે પુખ્ત, એક ટીનેજર અને એક શિશુ સહિત ચાર વ્યક્તિના મૃતદેહ બુધવારે મળ્યા હતા. અમેરિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ મૃતદેહો ભારતના એક પરિવારના હોવાનું માનવામાં આવે છે. મીડીયા રીપોર્ટ મુજબ આ લોકો અમેરિકાની સીમામાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. કેનેડાના આસિસ્ટન્ટ કમિશનર જેન મેકલેથીએ ગુરુવારે આ ઘટનાની ન્યૂ કોન્ફરન્સમાં માહિતી આપી હતી. તેમણે આ ઘટનાને અત્યંત દુઃખદ અને હૃદયદ્વાવક ગણાવીને જણાવ્યું હતું કે “હું જે માહિતી આપી રહી છું, તે ઘણા લોકો માટે સાંભળવાનું મુશ્કેલ બનશે. તપાસના પ્રારંભિક તબક્કામાં એવું લાગે છે કે આ તમામ લોકોના મોત તીવ્ર ઠંડીને કારણે થયા હતા.”

પોલીસે માને છે કે આ ચાર વ્યક્તિ સરહદના અમેરિકા બાજુના વિસ્તારમાં અટકાયતમાં લેવામાં આવેલા એક ગ્રૂપ સાથે જોડાયેલા હતા.

આસિસ્ટન્ટ કમિશનરે જણાવ્યું હતું કે આ તમામ ચાર વ્યક્તિ સરહદના 9થી 12 મીટરના દાયરામાં હતા. આ ગ્રૂપ બરફના તોફાન અને તીવ્ર પવન સાથેના ખરાબ વાતાવરણમાં ફસાયું હતું. તેમની સામે માત્ર કોલ્ડ વેધર જ નહીં, પરંતુ વિશાળ મેદાનો, હિમશીલાઓ અને ઘનઘોર અંધકારનો પડકાર હતો.

પોલીસે આ પરિવારને ઘટનાનો શિકાર માન્યો છે, કારણે તેમના ગ્રૂપે તેમને અધવચ્ચે છોડી દીધા હતા. મૃતકોની ઓળખ કરવાની કામગીરી ચાલુ છે.

બુધવારની સવારે યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શનને કેનેડાની પોલીસને માહિતી આપી હતી કે લોકોનું એક ગ્રૂપ ઇમર્સન નજીકથી અમેરિકામાં પ્રવેશ્યું છે એક વ્યક્તિ પાસે નવજાત બાળક માટેની વસ્તુઓ હતી, પરંતુ આ ગ્રૂપ પાસે કોઇ નવજાત બાળક મળ્યું નથી. આ પછી સરહદની બંને બાજુ તાકીતે સર્ચ અભિયાન ચાલુ થયું હતું અને બપોર સુધીમાં ચારના મૃતદેહ મળ્યા હતા.

મિનેસોટા જિલ્લાની યુએસ એટર્નીની ઓફિસે એક યાદીમાં ગુરુવારે બપોરે જણાવ્યું હતું કે આ ઘટનામાં 47 વર્ષના ફ્લોરિડાના સ્ટીલ શેન્ડની ધરપકડ કરવામાં આવી છે અને માનવીય સ્મગલિંગનો આરોપ મૂકવામાં આવ્યો છે.