ગુજરાતમાં ઉત્તરાયણ પછી થયેલા કોરોનાના કેસોમાં તીવ્ર વધારાને પગલે પગલે રાજ્ય સરકાર આઠ મહાનગરો ઉપરાંત બીજા 19 શહેરોમાં નાઇટ કરફ્યૂ લાદવાની શુક્રવાર, 21 જાન્યુઆરીએ જાહેરાત કરી હતી. સરકારે નવી કોરોના ગાઈડલાઈન જારી કરી હતી, નવી ગાઈડલાઈનમાં હોટલ્સ અને રેસ્ટોરન્ટ્સને હોમ ડિલીવરી સેવા 24 કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે. જોકે, આ સિવાય ગાઈડલાઈનમાં કોઈ મોટા ફેરફારો કરાયા નથી. 21 જાન્યુઆરીએ રાજ્યમાં સતત ત્રીજા દિવસે કોરોનાના 20,000થી વધુ કેસ નોંધાયા હતા અને 16 લોકોના મોત થયા હતા.

રાજ્યમાં કોરોના કેસો વધતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યની પ્રવર્તમાન કોરોનાની સ્થિતિની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. જેમાં નાઇટ કરફ્યૂ વધુ 19 શહેરોમાં અમલ કરવા સહિતના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કરાયા હતા.

હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર ઉપરાંત આણંદ અને નડિયાદમાં નાઇટ કરફ્યૂ અમલમાં છે. કોર કમિટીની બેઠકમાં 8 મહાનગરો અને બે શહેરો ઉપરાંત કોરોનાનો વધુ પોઝિટિવિટી રેશિયો ધરાવતાં ૧૭ નગરો સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી,ગોંડલ,જેતપુર,કાલાવડ, ગોધરા,વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તારીખ ૨૨ જાન્યુઆરી ૨૦૨૨થી દરરોજ રાત્રે ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધી નાઇટ કરફ્યૂનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે. નાઇટ કરફ્યૂ 29 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે.

નવી ગાઈડલાઈન મુજબ, 8 મહાનગર અને 19 શહેરોમાં તમામ દુકાનો વાણિજ્યક સંસ્થાઓ, લારી ગલ્લાઓ, શોપિંગ કોમ્પલેક્ષ, માર્કેટિંગ યાર્ડ, સલૂન, સ્પા અને બ્યૂટીપાર્લર તેમજ અન્ય ગતિવિધિઓ રાત્રે 10.00 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. હોટલ અને રેસ્ટોરન્ટ્સ બેઠક ક્ષમતાના 75 ટકા સાથે રાત્રે 10.00 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં હોમ ડિલિવરી 24/7 ચાલુ રાખી શકાશે. ધોરણ-9થી 12 અને પોસ્ટ ગ્રેજ્યુએશન સહિતના વર્ગો તેમજ કોચિંગ ક્લાસ 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.

આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં તમામ પ્રકારના સામાજિક, રાજકીય, શૈક્ષણિક, સાંસ્કતિ, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો તેમજ ધાર્મિક સ્થળોએ ખુલ્લી જગ્યામાં 150 વ્યક્તિઓ અને બંધ સ્થળોએ ક્ષમતાના 50 ટકા (150થી વધુ નહીં) વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે. લગ્ન પ્રસંગમાં પણ 150 વ્યક્તિઓને જ મંજૂરી રહેશે અને લગ્ન માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. અંતિમક્રિયા/દફનવિધિમાં વધુમાં વધુ 100 વ્યક્તિઓને મંજૂરી અપાઈ છે.

જાહેર અને ખાનગી બસ જો 75 ટકાની ક્ષમતા સાથે ચલાવાશે. સિનેમા હોલ, જીમ, વોટર પાર્ક, સ્વિમિંગ પુલ, લાઈબ્રેરી, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ બેઠક ક્ષમતાના 50 ટકા સાથે ચાલુ રાખી શકાશે. જાહેર બાગ-બગીચાઓ રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી સૂચનાઓને આધિન ચાલુ રાખી શકાશે. શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓ પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક/ભરતી અંગેની પરીક્ષાઓ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયમ એસઓપી સાથે યોજી શકશે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટસ સ્ટેડિયમ/સંકુલમાં રમતગમત પ્રેક્ષકોની ઉપસ્થિતિ વિના ચાલુ રાખી શકાશે.