વેસ્ટ સસેક્સના આર્ડિંગલી વિલેજના કન્વીનિયન્સ સ્ટોર આર્ડિંગલી ન્યૂઝને કોવિડ અને તે પછી અસાધારણ સેવા આપવા બદલ આર્ડિંગલી પેરિશ કાઉન્સિલ દ્વારા કોમ્યુનિટી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
પટેલ પરિવાર દ્વારા સંચાલિત નાના ઇન્ડિપેન્ડન્ટ કન્વીનીયન્સ સ્ટોરને સતત ગ્રાહક લક્ષી અભિગમ અને કૌટુંબિક ટીમવર્કને કારણે સમુદાયનો વિશ્વાસ પ્રાપ્ત થયો હતો.
‘ગરવી ગુજરાત’ સાથ વાત કરતા કમલેશ (કિમ) પટેલે કહ્યું હતું કે “અમે આ સ્ટોર 2020થી ચલાવીએ છીએ. હું અને મારો પરિવાર લગભગ 35-40 વર્ષથી રિટેલમાં છીએ. હાલમાં હું ચલાવું છું તે દુકાન 2020માં કોવિડ દરમિયાન ખરીદી હતી. તે સમયે સ્થિતીને પારખીને ખૂબ જ મુશ્કેલ તબક્કામાં મેં દુકાનને શક્ય તેટલી ખુલ્લી રાખવાનો પ્રયાસ કર્યો હતો. લોકોને તકલીફ ન પડે તે માટે મેં સ્ટોકમાં ઘણો વધારો કર્યો હતો. અમે ફક્ત ગ્રાહકોનું જીવન સરળ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. લોકો અમારા પ્રયાસોથી આનંદથી આશ્ચર્યચકિત થયા હતા. જેને કારણે અમે સમુદાયનું દિલ જીતી લીધું હતું. અમે ઘરની બહાર નીકળી નહિં શકતા વૃધ્ધો અને અસક્ષમ લોકોને તેમની સુવિધા મુજબ, ટૂંકા ગાળાની સૂચના પર ડીલીવરી આપતા હતા. જ્યારે હું ડિલિવરી કરતો હતો ત્યારે મારી પત્ની અને મારા પિતા દુકાન સંભાળતા. મને વિશ્વાસ હતો કે મારા પરિવાર તરફથી મળેલા સમર્થનને કારણે હું મારા સમુદાયની સારી રીતે સેવા કરી શકીશ.”
આર્ડિંગલી પેરિશ કાઉન્સિલે જણાવ્યું હતું કે “દરેક સમુદાયમાં, એવા લોકો હોય છે જે એવોર્ડ માટે નહીં, પરંતુ દયા અને સેવા માટે કામ કરે છે. કિમ અને પરિવાર દરરોજ તે ભાવનાને મૂર્તિમંત કરે છે. કોવિડના પડકારો દરમિયાન તેમની કરુણા અને પ્રતિબદ્ધતા ક્યારેય ડગમગી નહતી.”
