ભારે વરસાદને પગલે સોમવારે મુંબઈ જળબંબાકાર થયું હતું. સતત ત્રીજા દિવસે ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જારી કરતા સ્થાનિક સત્તાવાળાએ સ્કૂલ અને કોલેજોમાં રજા જાહેર કરી હતી.ખરાબ હવામાનને કારણે ઘણી ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી, કેટલીક ફ્લાઇટ્સ “ગો-અરાઉન્ડ” કરવામાં આવી હતી અને એક ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી હતી.
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે સોમવારે મુંબઈમાં 6-8 કલાકના સમયગાળામાં 177 મિલીમીટર વરસાદ પડ્યો હતો.મહારાષ્ટ્રમાં વરસાદ અને પૂરની સ્થિતિની સમીક્ષા કર્યા પછી અહીં પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે તમામ ઓફિસોને સાંજે 4 વાગ્યા ઘરે જવા દેવાની સૂચના આપવામાં આવી છે. સાંજે 6.30 વાગ્યા પછી દરિયામાં 3થી 4મીટર ભરતી આવવાની શક્યતા છે. મંગળવારે શાળાઓ બંધ રાખવાનો નિર્ણય યોગ્ય સમયે લેવામાં આવશે. નાગરિકોએ કારણ વગર બહાર ન નીકળવું જોઈએ
શહેરના અંધેરી સબવે અને લોખંડવાલા કોમ્પ્લેક્સ જેવા કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં કેટલાક સ્થળોએ પાણી ભરાઈ જતાં ટ્રાફિકની અવરજવર પર અસર પડી હતી.મહાનગરની જીવનરેખા ગણાતી લોકલ ટ્રેનો લગભગ 10 મિનિટ મોડી ચાલી રહી હતી. જોકે, અધિકારીઓના જણાવ્યા અનુસાર લોકલ ટ્રેન સેવાઓ સ્થગિત કરાઈ ન હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે હાર્બર લાઇન પર કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાટા પર પાણી ભરાઈ જવાથી અને કુર્લા અને તિલક નગર સ્ટેશનો વચ્ચે મધ્ય રેલવે રૂટ પર ઉપનગરીય સેવાઓ પ્રભાવિત થઈ હતી.
હવામાન વિભાગ (IMD)ના ડેટા મુજબ સોમવારે સવારે 8.30 વાગ્યે પૂરા થયેલા 24 કલાકમાં, સાંતાક્રુઝ સ્ટેશન પર 99 મીમી વરસાદ પડ્યો હતો જ્યારે કોલાબા કોસ્ટલ વેધશાળામાં 38 મીમી વરસાદ નોંધાયો હતો.
મુંબઈ એરપોર્ટ તરફ જતા કેટલાક રૂટ પર ટ્રાફિક જામ જોવા મળ્યો હોવાથી, અકાસા એર અને ઇન્ડિગો જેવી એરલાઇન્સે મુસાફરો માટે ઘરેથી વહેલા નીકળવાની સલાહ આપી હતી.
મુંબઈમાં સતત પડી રહેલા વરસાદને ધ્યાનમાં રાખીને, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ બીજી પાળીમાં (બપોરે ૧૨ વાગ્યા પછી) કાર્યરત શહેરની તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી હતી. મુંબઈ પોલીસ કમિશનર દેવેન ભારતીએ શહેરમાં ભારે વરસાદ ચાલુ હોવાથી નાગરિકોને સાવધાની રાખવાની સલાહ આપી હતી.
