બોલિવૂડ અભિનેતાને પૂછપરછ માટે સમન્સ મળ્યા બાદ એક્ટર મુંબઈમાં એનસીબીની ઓફિસે પહોંચ્યો હતો. (PTI Photo/Kunal Patil)

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ ડ્રગ્સ કેસમાં 13 નવેમ્બરે બોલિવૂડ એક્ટર અર્જુન રામપાલની પૂછપરછ કરી હતી. આ પહેલાં અર્જુન રામપાલની લિવ-ઈન-પાર્ટનર ગેબ્રિએલની બે દિવસ સતત પૂછપરછ કરવામાં આવી હતી.

NCBએ ઓસ્ટ્રેલિયન મૂળના આર્કિટેક્ટ પોલ બાર્ટલની ડ્રગ્સ કેસમાં અગાઉ ધરપકડ કરી હતી. પોલ એક્ટર અર્જુન રામપાલ તથા તેની લિવ-ઈન-પાર્ટનર ગેબ્રિએલના ભાઈનો નિકટનો સાથીદાર ગણાય છે. સૂત્રોના મતે, પોલ તથા અર્જુન રામપાલની સામસામે બેસાડીને પૂછપરછ કરવામાં આવી શકે છે.

અર્જુન રામપાલના ઘરે રેડ દરમિયાન અમુક પ્રતિબંધિત ડ્રગ્સ મળી હતી. NCBના અધિકારીઓનું કહેવું છે કે અર્જુન અને ગેબ્રિએલ બંનેએ જવાબ આપવો પડશે કે તેમની પાસે આ દવાઓ ક્યાંથી આવી છે અને શું આના માટે તેમની પાસે કોઈ લીગલ પ્રિસ્ક્રિપ્શન છે કે નહિ. આ સિવાય તેના ઘરેથી અમુક મોબાઈલ ફોન અને લેપટોપ પણ સીઝ કરવામાં આવ્યાં છે. તપાસ એજન્સીએ સોમવારે રામપાલના ડ્રાઈવરને પણ કસ્ટડીમાં લઈને ઘણા કલાક સુધી પૂછપરછ કરી હતી. સોમવારે સવારે એક્ટરના મુંબઈના ઘરે રેડ પાડવામાં આવી હતી.
ડ્રગ્સ કેસમાં અત્યાર સુધી રિયા ચક્રવર્તી સહિત લગભગ 26 લોકોની ધરપકડ થઈ છે. રિયાને અંદાજે 1 મહિનો જેલમાં રહ્યા બાદ જામીન મળ્યા હતા. રિયાનો ભાઈ શોવિક ચક્રવર્તી હજુ પણ જેલમાં જ છે.