બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમારે પટણમાં જેડીયુ કાર્યાલયમાં પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. (PTI Photo)

બિહારના પટનામાં મુખ્યપ્રધાનના નિવાસસ્થાને શુક્રવારે NDAના ઘટક પક્ષોની બેઠક યોજાઈ હતી. આ બેઠક પછી નીતિશ કુમારે જણાવ્યું હતું કે નેતા પસંદ કરવા માટે 15 નવેમ્બરે 12.30 વાગ્યે ફરીથી NDAની બેઠક યોજાશે. રવિવારે જ NDAના નેતા સરકાર બનાવવાનો દાવો રજૂ કરવા માટે રાજ્યપાલને મળવા જશે.

શુક્રવારની બેઠકમાં JDU તરફથી નીતિશ કુમાર, વિજય ચૌધરી, વિજેન્દ્ર યાદવ અને અશોક ચૌધરીએ ભાગ લીધો. ભાજપ તરફથી સુશીલ મોદી, નિત્યાનંદ રાય, સંજય જયસ્વાલ અને હમ પાર્ટીના જીતનરામ માંઝી સામેલ થયા હતા.

ગુરુવારે સાંજે મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું હતું કે જનતા માલિક છે, હજુ કંઈ નક્કી થયું નથી. મુખ્યપ્રધાન અંગે નિર્ણય NDAની બેઠકમાં થશે. અમારું અભિયાન સમગ્ર NDA માટે હતું.
આ વખતે JDU કરતાં વધારે બેઠકો મેળવીને ભાજપ મોટા ભાઈની ભૂમિકામાં છે, એટલા માટે સરકારમાં ભાજપના કેટલા પ્રધાન હશે તેના પર સહમતી બનાવવાનો પ્રયાસ થશે. બેઠકમાં એ અંગે પણ ચર્ચા થશે.

બિહાર વિધાનસભાની 243 બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં NDAએ 125 બેઠકો જીતીને બહુમતી હાંસિલ કરી છે. વિપક્ષના મહાગઠબંધનને 110 બેઠક મળી છે. ભાજપને 74, JDUને 43, RJDને 75, કોંગ્રેસને 19 બેઠક મળી છે.