અસ્થિ વિસર્જન માટે સ્થળના અનાવરણ પ્રસંગે ડાબેથી નારણભાઇ પટેલ, કરસનભાઇ વાઘાણી, જસવંત સિંહ, રાધિકા કડાબા, કાઉન્સિલર માઇકલ માઇકલ, કાર્ડિફના લોર્ડ મેયર, લેડી મેયોરેસ, ચન્ની ક્લેર, શક્તિ ગુહા નિયોગી (હિન્દુ કાઉન્સિલ ઓફ વેલ્સના અધ્યક્ષ), શિવા શિવપાલન, વરીન્દર ભોગલ, વિમલા પટેલ (અંતિમ સંસ્કાર ગ્રુપ વેલ્સના અધ્યક્ષ) અને માર્ટિન બિર્ચ (કાર્ડિફ અધિકારી).

ઘણા વર્ષોના અભિયાન બાદ વેલ્સમાં ટાફ નદીના કિનારે બ્રિટિશ હિન્દુઓ અને શીખોને વેલ્સના કાર્ડિફના ક્લેન્ડેફ સ્થિત બ્રિજ રોડ પરની ક્લેન્ડેફ રોઈંગ ક્લબ ખાતે આવેલા અસ્થિ વિસર્જન કરવા માટેના અદભૂત સ્થળને સરકારે મંજૂરી આપી છે. જ્યાં તેઓ પોતાની આસ્થા અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને પૂજા વિધિ સાથે પોતાના પ્રિયજનોના અસ્થિફૂલનું વિસર્જન કરી શકશે. 22 જુલાઈ, 2020ના રોજ  સ્થળે ભૂમિ પૂજન અને અરદાસ કરીને સ્થળને પવિત્ર કરવામાં આવ્યું હતું.

શનિવારે 31 જુલાઇના રોજ અંતિમ સંસ્કાર ગ્રુપ વેલ્સ (ASGW)ના સેક્રેટરી રાધિકા કડાબા દ્વારા હિન્દુ પ્રાર્થના, વરીન્દર ભોગલ દ્વારા શીખ અરદાસ અને અંતિમ સંસ્કાર ગ્રુપ વેલ્સ (ASGW) ના અધ્યક્ષ વિમલાબેન પટેલના સ્વાગત પ્રવચન સાથે અસ્થિ વિસર્જન સ્થળનું ઉદ્ઘાટન થયું હતું. આ પ્રસંગે કાર્ડિફ કાઉન્સિલના નેતા શ્રી થોમસ અને કાઉન્સિલર માઇકલ  દ્વારા તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કાર્ડિફના લોર્ડ મેયર કાઉન્સિલર રોડ મેક’કર્લિચ, વેલ્સના ફર્સ્ટ મિનિસ્ટર માર્ક ડ્રેકફર્ડ, કાર્ડિફ કાઉન્સિલના નેતા હ્યુ થોમસ, કાઉન્સિલર માઈકલ માઈકલ, કાઉન્સિલર કનૈયા સિંહ, લેન્ડેફ રોવિંગ ક્લબના ચેરમેન ટ્રેવર વિંગ, માનદ ભારતીય કોન્સ્યુલેટ રાજ અગ્રવાલ, OBE, શીખ કાઉન્સિલ ઓફ વેલ્સના અધ્યક્ષ ગુરમિત રંધાવા, MBE અને અન્ય સમુદાયના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

2012માં સ્થપાયેલ અંતિમ સંસ્કાર ગ્રુપ વેલ્સ (ASGW) દ્વારા આ સ્થળ માટે ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું. કાર્ડિફની ક્લેન્ડેફ રોઈંગ ક્લબને આ સ્થળ માટે મંજૂરી મળી હતી. વેલ્સમાં આવેલું આ સૌ પ્રથમ અસ્થિ વિસર્જન સ્થળ છે જેને સત્તાવાર રીતે કાર્ડિફ કાઉન્સિલ દ્વારા મંજૂરી આપી ટેકો આપવામાં આવ્યો છે. જે બંને સમુદાયોના લોકોને સેવા આપશે. આ સેવાનો લાભ લેવા માંગતા લોકોએ બુકિંગ કરાવવાનું રહેશે અને તેને આધારે આ સુવિધાનો ઉપયોગ કરી શકાશે.

વિમલાબેન પટેલે ‘ગરવી ગુજરાત’ને જણાવ્યું હતું કે, “કાર્ડિફ કાઉન્સિલે આ સ્થળના બાંધકામ માટે જરૂરી ભંડોળ પૂરું પાડ્યું હતું અને ક્લેન્ડેફ રોવિંગ ક્લબ અને સાઉથ વેલ્સના હિન્દુ અને શીખ સમુદાયોના સભ્યોએ અંતિમ ખર્ચને પહોંચી વળવા માટે આર્થિક યોગદાન આપ્યું હતું. ઘણા વર્ષોની મહેનત પછી, છેવટે, અમારી પાસે એક સ્થાપિત અને પવિત્ર સ્થળ છે જ્યાં પરિવારો આવીને પોતાના પ્રિયજનોના અસ્થિ-ફૂલ-રાખ પધરાવી શકે છે.”

વિમલાબેને જણાવ્યું હતું કે “વેલ્સમાં હિન્દુઓ અને શીખો ત્રણથી વધુ પેઢીઓથી વસેલા છે. આપણા સમુદાયની પ્રથમ પેઢી તેમના અસ્થિફૂલને તેમની માતૃભૂમિમાં પરત લઇ જવાનું વલણ ધરાવે છે. જો કે, પછીની પેઢીઓના લોકો અહિં જ જન્મ્યા હતા અથવા તેમનું મોટાભાગનું જીવન અહીં જીવ્યું છે અને તેઓ તેમના પ્રિયજનોની એશીઝને વેલ્સમાં જ આદર અને ગૌરવ સાથે પધરાવવાનું પસંદ કરે છે. આ પ્રસંગે શોકગ્રસ્તોને ટેકો આપવા માટે જરૂરી માર્ગદર્શન અને માહિતી ધરાવતી એક પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. જેની રચના રાજેન્દ્ર અને નિર્મલા પીસવાડિયાએ કરી છે.’’

1999માં કાઉન્ટી કાઉન્સિલર જસવંત સિંહે આ મુદ્દો સૌ પ્રથમ કાર્ડિફ કાઉન્સિલના ધ્યાન પર લાવ્યો હતો. 14 વર્ષ પછી, એએસજીડબ્લ્યુના ટાન્ઝાનિયામાં જન્મેલા શીખ ચન્ની કાલેર દ્વારા સમસ્યાનો ઉકેલ શોધવા માટે ઘણા સ્થળોની શોધખોળ શરૂ કરી ઘણા હિન્દુઓ, શીખો અને સંસ્થાઓનો સંપર્ક કર્યો હતો. શ્રી ક્લેર 2012માં પોન્ટસાર્ન, મેર્થિર ટાયડફિલ ખાતે પિતાના એશીઝ પધરાવવા ગયા હતા ત્યારે તેમના બહેન નદીમાં લગભગ લપસી ગયા પછી તેમણે સ્થળ શોધવાનું શરૂ કર્યું.

કાર્ડિફ કાઉન્સિલના પ્રવક્તાએ કહ્યું હતું કે “એન્જિનિયરિંગ તેમજ રોગચાળાને કારણે ઉભી થયેલી સમસ્યાઓના કારણે પ્લેટફોર્મ મેળવવામાં થોડો સમય લાગ્યો છે, પરંતુ હવે આપણી પાસે કાયમી અને સંચાલિત સ્થાન છે જેનો ઉપયોગ શીખ અને હિન્દુઓની વર્તમાન અને ભાવિ પેઢીઓ કરી શકશે.”

વેલ્સમાં ભારતના માનદ કોન્સ્યુલર રાજ અગ્રવાલે જણાવ્યું હતું કે, “કાર્ડિફમાં ટેફ નદી પર ક્લેન્ડફ રોઇંગ ક્લબમાં આ મૂલ્યવાન સ્થળની સ્થાપના માટે તેમના સમર્પણ અને વિશાળ પ્રયત્નો માટે અંતિમ સંસ્કાર ગ્રુપ વેલ્સને હું અભિનંદન આપું છું. આ સમુદાય અને વેલ્સ માટે ગૌરવનો દિવસ છે કારણ કે આ શાનદાર સુવિધા સલામતી અને ગૌરવ સાથે પ્રિયજનો માટે અંતિમ જરૂરી વિધિ સંપન્ન કરવામાં મદદ કરશે.’’

બ્રિટિશ હિન્દુઓ સંગઠનોની અંબ્રેલા બોડી હિન્દુ ફોરમ ઓફ બ્રિટન (HFB) પણ વર્ષોથી આ મુદ્દે કામ કરી રહ્યું છે. HFB પ્રમુખ તૃપ્તિબેન પટેલે જણાવ્યું હતું કે “અંતિમ વિધિ સ્થળ અને અંતિમક્રિયા માટે યુકે સરકાર અને હિન્દુ સમુદાય સાથે સંપર્કના ભાગ રૂપે, હિંદુ ફોરમ ઓફ બ્રિટને આવી સુવિધાઓ સુધારવા અને વધારવા માટે ઝુંબેશ ચલાવી છે અને એશીઝના વિસર્જન માટે એન્વાયર્નમેન્ટલ એજન્સી પાસે કેટલીક નવી સાઇટ્સ નોંધાવી પણ છે.”