(Photo by STR/AFP via Getty Images)

ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાએ ચીનમાં તાજેતરમાં કોરોનાના કેસોમાં જંગી ઉછાળાને પગલે હાંગઝાઉ એશિયન ગેમ્સને શુક્રવાર (6મે)એ 2023 સુધી મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી. 2022 માટેના આ ગેમ્સની નવી તારીખ નજીકના ભવિષ્યમાં જાહેર કરવામાં આવશે. શાંઘાઇમાં કોરોનાની નવી લહેરને પગલે 19મી એશિયન ગેમ્સ અંગે અનિશ્ચિતતા પ્રવર્તતી હતી.

ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાના એક્ઝિક્યુટિવ બોર્ડે શુક્રવારે સ્થિતિની ચર્ચા કરવા બેઠક યોજી હતી અને હાલના સંજોગોમાં ગેમ્સના મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો હતો. આ વર્ષે એશિયન ગેમ્સ 10થી 25 સપ્ટેમ્બર દરમિયાન યોજાવાની હતી. આ વર્ષે ગેમ્સ ચીનના હાંગઝોઉમાં યોજાવાની હતી. આ દરમિયાન એશિયન ઓલિમ્પિક કાઉન્સિલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, હવે આ ગેમ્સને સ્થગિત કરવામાં આવી રહી છે. જો કે એ જણાવવામાં આવ્યું નથી કે આ ગેમ્સને કેમ મોકૂફ રાખવામાં આવી છે, પરંતુ એવું માનવામાં આવે છે કે ફરી એકવાર કોરોના વાયરસના વધતા પ્રકોપને કારણે આવું કરવામાં આવ્યું છે.

ન્યૂઝ ચેનલ CGTN ટીવી અનુસાર, એશિયન ઓલિમ્પિક કાઉન્સિલે 19મી એશિયન ગેમ્સને સ્થગિત કરી દીધી છે, જેને ઓલિમ્પિક પછી બીજું સૌથી મોટું રમતગમતનું આયોજન માનવામાં આવે છે. અગાઉના શેડ્યૂલ મુજબ, ગેમ્સ 10થી 25 સપ્ટેમ્બર દરમિયાન શાંઘાઈથી લગભગ 175 કિમી દક્ષિણ પશ્ચિમમાં આવેલા ઝેજિયાંગ પ્રાંતની રાજધાની હાંગઝોઉમાં યોજાવાની હતી.