Hinduja family tops

વિશ્વવ્યાપી આર્થિક પડકારો હોવા છતાં યુકેમાં વસતા એશિયન ઉદ્યોગસાહસિકોએ ગયા વર્ષે તેમની સંપત્તિમાં £6.8 બિલિયનનો આશ્ચર્યજનક વધારો કર્યો હોવાનું એશિયન રિચ લિસ્ટના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે.

ઇસ્ટર્ન આઇ અને ગરવી ગુજરાત દ્વારા પ્રકાશિત એશિયન રિચ લિસ્ટ બ્રિટનમાં 101 સૌથી ધનિક એશિયન લોકોની પ્રોફાઇલ રજૂ કરે છે જેને બુધવાર તા. 22ના રોજ સાંજે એશિયન બિઝનેસ એવોર્ડ્સમાં રિલીઝ કરાશે. એશિયન રિચ લિસ્ટ 25મા વર્ષે પ્રસિધ્ધ થઇ રહ્યું છે.

ફુગાવો, એનર્જી કોસ્ટ અને વૈશ્વિક રોગચાળાના પડકારોએ તમામ બિઝનેસીસને અસર કરી વિશાળ પડકારો મૂક્યા છે ત્યારે સામાન્ય સંપત્તિમાં 6.1 ટકાનો વધારો યુકેમાં એશિયન બિઝનેસીસની સ્થિતિસ્થાપકતાને પ્રતિબિંબિત કરે છે.

આ બધું હોવા છતાં, આ યાદીમાં 16 બિલીયોનેર છે અને ગયા વર્ષની સરખામણીએ તે આંકડો યથાવત છે.

આ વર્ષની યાદીમાં સૌથી ઉપર ટોચના ક્રમે હિન્દુજા પરિવાર છે, જેની સંપત્તિમાં £3 બિલીયનનો વધારો થયો છે. 83 વર્ષીય ગોપીચંદ હિન્દુજાની આગેવાની હેઠળનું હિન્દુજા ગ્રુપ ગલ્ફ ઓઈલથી લઈને સ્વિચ મોબાઈલ (યુકે ઇલેક્ટ્રિક બસો) અને હોટલ સુધીના વૈશ્વિક અર્થવ્યવસ્થાના ઘણા ક્ષેત્રોમાં રસ ધરાવે છે. આ જૂથ લગભગ 50 દેશોમાં કાર્યરત છે અને વિશ્વભરમાં લગભગ 200,000 લોકોને રોજગારી આપે છે.

તેઓ સેન્ટ્રલ લંડનમાં ધ મોલ અને બકિંગહામ પેલેસની નજીક તાજેતરમાં જ રીફર્બીશ્ડ કરાયેલ અને હમણાં જ ખોલવામાં આવેલી OWO (ઓલ્ડ વોર ઓફિસ) બિલ્ડિંગની માલિકી ધરાવે છે.

તેમની IT પાંખ, હિન્દુજા ગ્લોબલ સોલ્યુશન્સે ખાસ કરીને સારું પ્રદર્શન કર્યું છે અને યુકે સરકારની ડિજિટલ સર્વિસ પણ તેના ગ્રાહકોમાં એક છે.

પરમાનંદ દીપચંદ હિન્દુજાએ ઉદ્યોગસમુહની સ્થાપના કરી હતી. તેમના સૌથી મોટા પુત્ર, શ્રીચંદનું આ વર્ષે મે મહિનામાં 87 વર્ષની વયે અવસાન થયું હતું. પરિવારનું જૂથ લંડન સ્થિત ગોપીચંદ ચલાવે છે અને ભાઈઓ પ્રકાશ, 78, અને અશોક, 73 દ્વારા તેમને ટેકો અપાય છે.

59 થી 30 વર્ષની ઉંમરના બીજી પેઢીના પાંચ પુત્રો હવે ગૃપના વધુ શો ચલાવે છે અને બિઝનેસ બેટન એક પેઢીથી બીજી પેઢી સુધી જાય છે. ત્રણેય વડીલો અને તેમના પરિવારો આજે પણ લંડનમાં ભારતીય સંયુક્ત કુટુંબ પ્રણાલીનું પાલન કરે છે અને એક છત નીચે રહે છે. ગોપીચંદે એશિયન રિચ લિસ્ટને કહ્યું હતું કે “અમે ચાર ભાઈઓ ચાર શરીર હતા, પરંતુ આત્મા એક છે.”

હિન્દુજાઓની પાછળ જ સ્ટીલ મેગ્નેટ લક્ષ્મી મિત્તલ અને તેમના પુત્ર આદિત્યનો ક્રમ આવે છે, જેમની અંદાજિત સંપત્તિ £12.9 બિલીયન છે.

ત્રીજા સ્થાને મિત્તલના બનેવી અને વૈશ્વિક પ્લાસ્ટિક સુપ્રીમો શ્રી પ્રકાશ લોહિયા છે જેઓ £10 બિલીયનથી વધુની સંપત્તી ધરાવે છે, જેમના પત્ની સીમા મિત્તલના બહેન છે.

ચાના ગુણગ્રાહક નિર્મલ સેઠિયા એશિયન રિચ લિસ્ટમાં સૌથી ઝડપે ઉંચા આવનારા પૈકીના એક છે અને તેમણે પ્રથમ વખત ટોચના પાંચમાં સ્થાન મેળવ્યું છે.

તેમના વ્યાપક ઔદ્યોગિક આધારમાં £100 મિલીયનનો વધારો થયો છે અને તેમની અંદાજિત સંપત્તિ £6.6 બિલિયન છે. સેઠિયાએ 1950ના દાયકામાં લંડનમાં ચાના જુનિયર વેપારી તરીકે તેમના કાર્યકારી જીવનની શરૂઆત કરી હતી. તેમનો પરિવર શણનો પણ વેપાર કરે છે.

ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલ આ યાદીમાં પાંચમા સ્થાને છે; તેમની કંપની વેદાંતા લગભગ £3 બિલિયનનું મૂલ્ય ગુમાવ્યું છે, પરંતુ અગ્રવાલની સંપત્તિ £5.2 બિલિયન હોવાનો અંદાજ છે.

અગ્રવાલે વતન બિહાર છોડીને મુંબઈ જઇ જૂના કેબલ અને તાંબાના વાયરનો વેપાર કર્યો હતો. ત્યાંથી તેમણે ધાતુઓમાં રસ કેળવ્યો હતો અને આજે તેમની ફર્મ લંડન સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે.

આસ્ડા સુપરમાર્કેટના માલિકો મોહસીન અને ઝુબેર £4.6 બિલિયનની સંપત્તિ સાથે છઠ્ઠા ક્રમે છે. રીચ લીસ્ટમાં તેમની સતત હરણફાળ યુકેમાં સૌથી નોંધપાત્ર ઇમિગ્રન્ટ વાર્તાઓમાંની એક છે. સેન્ટ્રલ લંડનમાં £25 મિલિયનના ટાઉનહાઉસ ધરાવતા હોવા છતાં તેઓ બર્નલીમાં રહે છે.

સિંગલ પેટ્રોલ ગેરેજથી શરૂઆત કરનાર ઇસા ભાઇઓનો માસ્ટરસ્ટ્રોક – ફોરકોર્ટમાં સારી રીતે ભરેલી રીટેઇલ દુકાનો છે. જે કન્વીનીયન્સને પસંદ કરતા વાહનચાલકો માટે લોકપ્રિય સાબિત થઇ છે. તેમણે  સતત વિસ્તરણનો અભિગમ અપનાવી યુએસ અને અન્ય દેશોમાં ગેસ સ્ટેશનો પર કબજો કર્યો છે અને 2021માં વોલમાર્ટ પાસેથી આસ્ડા હસ્તગત કર્યું છે.

અન્ય એશિયન બિલિયોનેરમાં B&M સ્ટોરના ભૂતપૂર્વ માલિકો સાઇમન, બોબી અને રોબિન અરોરા (£2.9 બિલિયન); એક સમયના બ્રેડફર્ડના બસ ડ્રાઈવર સર અનવર પરવેઝ દ્વારા સ્થાપવામાં આવેલ બેસ્ટવે હોલસેલર્સ અને ફાર્મસીના માલિકો; રોકાણકારો સાયરસ વાંદ્રેવાલા અને તેમની પત્ની પ્રિયા (£2.5 બિલિયન); વૈભવી હોટેલિયર જસમિન્દર સિંઘ (£1.6 બિલિયન) છે. હોટેલિયર જસમિન્દર સિંઘે 1977માં વેસ્ટ લંડન ખરીદી સાથે સામ્રાજ્યની શરૂઆત કરી હતી અને £500 મિલિયનના ખર્ચે ધ લંડનર ખરીદી હતી.

બાકીના છ બિલિયોનેરમાં ઉદ્યોગપતિઓ, ફાર્મસીના માલિકો અને તેલ અને શિપિંગ બેરોન્સ છે.

આ યાદીમાં 24મા ક્રમે વડાપ્રધાન ઋષિ સુનક છે, જેમની મર્ચન્ટ બેન્કિંગ અને રોકાણની પૃષ્ઠભૂમિએ તેમને શ્રીમંત બનાવ્યા છે. તેમાં તેમની પત્ની અક્ષતા મૂર્તિનો વારસો પણ સામેલ છે, જેમના પિતા નારાયણ મૂર્તિએ ભારતીય IT જાયન્ટ ઇન્ફોસિસની સહ-સ્થાપના કરી હતી. દંપતીની સંયુક્ત સંપત્તિ અંદાજિત £720 મિલિયન છે.

એશિયન રીચ લીસ્ટમાં આવી સફળતાની વાર્તાઓની વિશાળ શ્રેણી છે જે એશિયનોની આગામી પેઢીને પ્રેરણા આપશે. તેમાં કેટલાક શરણાર્થીઓ તરીકે આવ્યા હતા જેમના પરિવારોને ઇસ્ટ આફ્રિકામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. તો એવા લોકો પણ છે જેઓ શ્રીલંકામાં સંઘર્ષથી ભાગીને અહિં આવ્યા હતા.

એશિયન મીડિયા ગ્રૂપના એક્ઝિક્યુટિવ એડિટર અને એશિયન રિચ લિસ્ટના પ્રકાશક શૈલેષ સોલંકીએ જણાવ્યું હતું કે “એવું કોઈ ક્ષેત્ર નથી જેમાં એશિયનો સામેલ ન હોય. આશ્ચર્યજનક એ છે કે આ બિલિયોનેર્સે નમ્ર સંજોગોમાં શરૂઆત કરી છે અને વાસ્તવિક વારસાના બિઝનેસીસનું નિર્માણ કર્યું છે, હજારોને રોજગારી આપી છે અને UK plc બોટમલાઈનમાં નોંધપાત્ર રીતે યોગદાન આપ્યું છે. આ એક આશ્ચર્યજનક સિદ્ધિ છે જેના પર આપણો સમુદાય અને દેશ બંને યોગ્ય રીતે ગર્વ કરી શકે છે. એશિયન રિચ લિસ્ટ એ બધી વાર્તાઓ રજૂ કરે છે જે બિઝનેસમાં સફળ થવા માટે જરૂરી એવા સખત મહેનત, સાહસ, નવીનતા, શ્રેષ્ઠતા માટેનું સમર્પણ અને થોડું નસીબ જેવા ગુણો દર્શાવે છે.’’

“એશિયન રીચ લીસ્ટ તૈયાર કરવું તે એક આકર્ષક અને વિશાળ કાર્ય છે અને તે તમામ માહિતીને એકત્ર કરીને મૂકવા માટે સમય, કાળજી અને ખૂબ જ ખંત માંગી લે છે. તેમાં ઘણા વિશિષ્ટ ઇન્ટરવ્યુ પણ છે અને તે એક મહાન વાંચન છે, પછી ભલેને બિલિયોનેર બનવું એ તમારા જીવનના લક્ષ્યોમાંનું એક ન હોય.”

  • આગામી સપ્તાહના અંકમાં એશિયન બિઝનેસ એવોર્ડ્સનું સંપૂર્ણ કવરેજ રજૂ કરાશે.

• એશિયન રિચ લિસ્ટ 2024ની નકલો ખરીદવા માટે સૌરીન શાહનો ઈમેલ [email protected] અથવા 020 7928 1234 ઉપર સંપર્ક કરો.

એશિયન રીચ લીસ્ટ 2023માં સમાવાયેલા ટોચના 20 ધનકુબેરની યાદી

ક્રમ વ્યક્તિ / પરિવારનું નામ કંપનીનું નામ ક્ષેત્ર મૂલ્ય £ બિલિયનમાં
1 ગોપીચંદ અને શ્રીચંદ હિન્દુજા હિન્દુજા ગ્રુપ ઈન્ડસ્ટ્રી એન્ડ ફાયનાન્સ 33.50
2 લક્ષ્મી અને આદિત્ય મિત્તલ આર્સેલરમિત્તલ લિમિટેડ સ્ટીલ 12.90
3 શ્રી પ્રકાશ લોહિયા અને પરિવાર ઈન્ડોરામા કોર્પોરેશન પેટ્રોકેમિકલ્સ 10.10
4 નિર્મલ સેઠિયા એન સેઠિયા ગ્રુપ લિ. ઇન્ડસ્ટ્રી એન્ડ ટી 6.60
5 અનિલ અગ્રવાલ વેદાંત રિસોર્સિસ નેચરલ રિસોર્સિસ 5.20
6 મોહસીન અને ઝુબેર ઇસા યુરો ગેરેજ લિમિટેડ પેટ્રોલ ફોરકોર્ટ્સ 4.60
7 સાઇમન, બોબી અને રોબિન અરોરા B&M રિટેલ લિમિટેડ રિટેલ 2.90
8 સર અનવર અને દાઉદ પરવેઝ બેસ્ટવે (હોલ્ડિંગ્સ) લિમિટેડ કેશ એન્ડ કેરી – ફાઇનાન્સ 2.50
8 સાયરસ અને પ્રિયા વાંદરેવાલા ઇન્ટરપીડ કેપિટલ પાર્ટનર્સ ફાઇનાન્સ 2.50
10 જસ્મિન્દર સિંહ અને પરિવાર એડવર્ડિયન ગ્રુપ લિમિટેડ હોટેલ્સ 1.60
11 રમેશ અને ભૂપેન્દ્ર કણસાગરા સોલાઈ હોલ્ડિંગ્સ લિમિટેડ પેટ્રોલિયમ એન્ડ શિપિંગ 1.50
11 લોર્ડ સ્વરાજ પોલ એન્ડ ફેમિલી કોપારો ગ્રુપ સ્ટીલ એન્ડ હોટેલ્સ 1.50
13 વિજય અને ભીખુ પટેલ વેમેડ પીએલસી ફાર્માસ્યુટિકલ્સ 1.40
14 લોર્ડ ઝમીર ચૌધરી અને પરિવાર બેસ્ટવે ગ્રુપ લિમિટેડ કેશ એન્ડ કેરી – ફાઇનાન્સ 1.30
15 સુરિન્દર અરોરા અરોરા હોલ્ડિંગ્સ લિમિટેડ હોટેલ્સ 1.20
16 મનુભાઈ ચંદરિયા અને પરિવાર કોમક્રાફ્ટ ઈન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્રી 1.10
17 ડૉ. કરતાર અને તેજ લાલવાણી વાઇટાબાયોટિક્સ લિમિટેડ હેલ્થકેર 0.95
18 પ્રદિપ અને મનીષ ધામેચા ધામેચા હોલ્ડિંગ લિમિટેડ કેશ એન્ડ કેરી 0.93
19 રણજીત અને બલજિન્દર સિંઘ બોપારણ બોપારણ હોલ્ડિંગ્સ લિમિટેડ ફૂડ 0.92
20 મયુરભાઈ માધવાણી અને પરિવાર માધવાણી ગ્રુપ ઓફ કંપનીઝ ઈન્ડસ્ટ્રી 0.80

 

LEAVE A REPLY

nine + ten =