09/11/2023. London, United Kingdom. The Prime Minister Rishi Sunak hosts a Diwali business reception in 10 Downing Street. Picture by Simon Walker / No 10 Downing Street

એક ભારતીય અને હિન્દુ તરીકે આપ સૌ વાચકોને ગર્વ થાય તેવી ક્ષણો આ દિવાળી પર્વે જોવા મળી હતી. જેમાં બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક અને તેમના પત્ની અક્ષતા મૂર્તિએ 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે એક વિશેષ રીસેપ્શનમાં દિવાળીના દીવા પ્રગટાવ્યા હતા. આ પ્રસંગે ભારતીય ડાયસ્પોરાના સભ્યો, સંસદસભ્યો, ઉદ્યોગસાહસિકો અને બોલિવૂડની હસ્તીઓએ હાજરી આપી હતી.

ભારતીય મૂળના બ્રિટનના પ્રથમ વડા પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યાને એક વર્ષ પૂર્ણ થયા બાદ તા. 8 નવેમ્બરના રોજ સાંજે વડાપ્રધાનના નિવાસસ્થાનને વાઇબ્રન્ટ મેરીગોલ્ડ્સ અને મીણબત્તીઓની થીમમાં શણગારવામાં આવ્યું હતું.

વડા પ્રધાન સુનકે કહ્યું હતું કે “દિવાળી એ આપણા બધા માટે અને આપણાં  પરિવારો માટે અદ્ભુત રીતે ખાસ સમય છે. પરંતુ મારા માટે, તે ગયા વર્ષે આ વખતે વડા પ્રધાન બન્યો તેની અદભૂત યાદો પણ પાછી લાવે છે. તે અવિશ્વસનીય રીતે સખત મહેનતનું વર્ષ રહ્યું છે. થોડી વાસ્તવિક પ્રગતિ અને યાદો મારા બાકીના જીવન માટે મારી સાથે રહેશે… પ્રથમ બ્રિટિશ ભારતીય વડા પ્રધાન તરીકે G20 માટે ભારત જવું અને મોદીજી સાથે વિશ્વ મંચ પર ભારતની મોટી ક્ષણ માટે હાજર રહેવું તે એક અવિશ્વસનીય ક્ષણ હતી.”

શ્રી સુનકે કહ્યું હતું કે “તે અમારા બધા માટે ખૂબ જ ખાસ ક્ષણ હતી, કારણ કે અમે જોયું છે કે વર્ષોથી ભારતના વિકાસમાં શું થયું છે. તે દરેક માટે ગર્વની ક્ષણ હતી, અને તે અવિશ્વસનીય સફળતા હતી.”

વડા પ્રધાન તરીકેના પ્રથમ વર્ષ પર નજર નાખતા 43-વર્ષીય સુનકે સ્વીકાર્યું હતું કે ‘’તે સમય ઘણા પડકારો લઈને આવ્યો હતો જે દરમિયાન તેમના માતાપિતા, યશવીર અને ઉષાના મૂલ્યો હતા, જેણે તેમને ટકાવી રાખ્યા હતા. મહેનતના મૂલ્યો, સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા, તમામ બાબતોમાં શિક્ષણના મૂલ્યને સમજવું અને યોગ્ય નિર્ણયો લેવા, માત્ર સરળ જ નહીં… છેલ્લા એક વર્ષમાં, મેં મારા પરિવારની વાર્તા વિશે થોડી વાત કરી છે. મારા નાનીજી 60 વર્ષ પહેલાં ઇસ્ટ આફ્રિકાથી અહીં આવ્યા હતા. તે સફરને હું જાણું છું અને તમારામાંથી ઘણા પરિચિત હશે. તે આશા, વિશ્વાસ, મહત્વાકાંક્ષા અને આવનારી પેઢીને પ્રથમ મૂકવાની વાર્તા હતી. આપણે એવી જ રીતે આશા અને મહત્વાકાંક્ષાથી ભરેલા હોવા જોઈએ.”

શ્રી સુનકે “શુભ દિવાળી” સાથે સમાપન કરતાં કહ્યું હતું કે “આ ખંડમાં ઉપસ્થિત તેજસ્વી લોકો સાથે આપણા ભવિષ્ય માટે માર્ગ પ્રકાશિત કરી રહ્યા છીએ તેમની સાથે આ દિવાળીની ઉજવણી કરવાની આનીથી વધુ સારી રીત કઈ હોઇ શકે.”

યુકેના વિવિધ મંદિરોએ ભગવાન અર્પણ કરાતા અન્નકુટમાં યોગદાન આપ્યું હતું અને અવંતી કોર્ટ પ્રાથમિક શાળાના બાળકોએ રીસેપ્શન સમારોહમાં ધાર્મિક શ્લોકોનું પઠન કર્યું હતું. આ રીસેપ્શનમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી, બોલિવૂડ સ્ટાર્સ અક્ષય કુમાર. તેમના પત્ની ટ્વિંકલ ખન્ના અને અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા, ગરવી ગુજરાત – ઇસ્ટર્ન આઇ – એએમજીના ગૃપ મેનેજીંગ એડિટર કલ્પેશ સોલંકી, એક્ઝીક્યુટીવ એડિટર શૈલેષ સોલંકી, ડીજીટલ મીડીયા મેનેજર આદિત્ય કલ્પેશ સોલંકી, ઇન્વેસ્ટમેન્ટ મેનેજર જયમિન કલ્પેશ સોલંકી અને શેફાલી સોલંકી – નાયર ઉપસ્થિત રહ્યા હતા.

ડાઉનિંગ સ્ટ્રીટે સોશિયલ મીડિયા પર આ કાર્યક્રમની તસવીરો પોસ્ટ કરી સંદેશ આપ્યો હતો કે “આ વિકેન્ડથી સમગ્ર યુકે અને વિશ્વમાં ઉજવનારા દરેકને શુભ દિવાળી.”

12/11/2023. London, United Kingdom. The Prime Minister Rishi Sunak, along with his wife Akshata Murty and their two children Krishna and Anoushka, light Diya candles for Diwali outside 10 Downing Street. Picture by Simon Walker / No 10 Downing Street

LEAVE A REPLY

three + twenty =